મુસાફરોમાં પાંચ ભારતીય સહિત દસ વિદેશીઓ
વિમાન દુર્ઘટના: રવિવારે સવારે નેપાળના પોખરામાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી મૃતદેહો કાઢવા સહિતના રેસ્ક્યુ ઓપરેશન્સમાં વ્યસ્ત બચાવ અને રાહત કાર્યકરો. સવારે ૧૧ વાગ્યાની આસપાસ પોખરાના નવા ઍરપોર્ટ પર લૅન્ડિંગ પૂર્વે સેતી નદીના કાંઠાની ખીણમાં ૬૮ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સાથેનું વિમાન ખાબક્યું હતું. રેસ્ક્યુ વર્કર્સે સાંજ સુધીમાં કાટમાળમાંથી ૬૮ મૃતદેહો કાઢ્યા હતા. (તસવીર: પીટીઆઈ)
કાઠમંડુ: રવિવારે સવારે નેપાળની યેતિ ઍરલાઇન્સનું ૬૮ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સાથેનું વિમાન પોખરામાં તૂટી પડતાં ૬૮ જણ મૃત્યુ પામ્યાં હતાં. નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઍરપોર્ટથી સવારે ૧૦.૩૩ વાગ્યે રવાના થયેલું ‘એટીઆર-૭૨ ટ્વિન એન્જિન ટર્બોપ્રોપ ઍરક્રાફ્ટ’ ૧૧ વાગ્યાની આસપાસ પોખરામાં લૅન્ડિંગ પૂર્વે જૂના અને નવા ઍરપોર્ટની વચ્ચે સેતી નદીને કાંઠે ખીણમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં પાંચ ભારતીયો સહિત દસ વિદેશી નાગરિકો હતા.
બચાવ અને રાહત કાર્યકરોને સાંજે ચાર વાગ્યા સુધીમાં વિમાનના કાટમાળમાંથી ૬૮ મૃતદેહો હાથ લાગ્યા હતા. કાઠમંડુ સ્થિત ભારતીય રાજદૂતાલયે આપેલી માહિતી પ્રમાણે વિમાનમાં પ્રવાસ કરતા પાંચ ભારતીયો અભિષેક કુશવાહા, બિશલ શર્મા, અનિલકુમાર રાજભર, સોનુ જાયસ્વાલ અને સંજયા જાયસ્વાલ હતા. ભારતીય રાજદૂતાલય સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ તરફથી દુર્ઘટનામાં લોકોના મૃત્યુ માટે દુ:ખ વ્યક્ત કરતાં બચાવ અને રાહત કામગીરી માટે ગૃહ મંત્રાલય અને સુરક્ષા દળો સહિત તમામ સરકારી તંત્રોને સૂચનાઓ
આપી હતી. દુર્ઘટનાના કારણની સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આધારભૂત સૂત્રોએ ખરાબ હવામાનને લીધે નહીં પણ ટૅક્નિકલ ખામીને લીધે તૂટી પડ્યાની શક્યતા દર્શાવી હતી. બચાવ અને રાહત ટુકડીઓએ ઘાયલ મુસાફરોને હૉસ્પિટલોમાં મોકલ્યા હતા. દુર્ઘટનાના અનુસંધાનમાં નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે પ્રધાનમંડળની તાકીદની બેઠક યોજી હતી. બેઠકમાં વિમાન દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિ નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાબતે શોક વ્યક્ત કરવા ૧૬ જાન્યુઆરીએ જાહેર રજા રાખવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો.
પુષ્પ કમલ દહલ પ્રચંડ ગઈ ૨૬ ડિસેમ્બરે ત્રીજી વખત નેપાળના વડા પ્રધાન બન્યા હતા. ચીનની મદદથી બંધાયેલા નવા પોખરા આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું બે અઠવાડિયાં પહેલાં વડા પ્રધાન પ્રચંડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દુર્ઘટના પછી પોખરા આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ચોવીસ કલાક માટે વિમાનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
ખીણ પ્રદેશની ઊબડખાબડ ભૂમિને કારણે બચાવ અને રાહત કામગીરી મુશ્કેલ બની હોવાનું સ્થાનિક કાસકી જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ ઑફિસર ટેકબહાદુર કેસી અને પોલીસ પ્રવક્તા ગ્યાન બહાદુર ખડકાએ જણાવ્યું હતું. ખડકાએ જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળે હજારો લોકોનાં ટોળાં ભેગાં થવાને કારણે પણ બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
દરમિયાન પોખરાની વિમાન દુર્ઘટનામાં પાંચ ભારતીયો સહિત ૬૮ જણના મૃત્યુ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ.જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
———-
નેપાળના વિમાન અકસ્માતોની તવારીખ
ગયા વર્ષની ૨૯ મેએ ભારતના એક પરિવારના ચાર જણ સહિત બાવીસ જણ સાથેનું તારા ઍરલાઇન્સનું વિમાન નેપાળના પહાડી મસ્તાંગ જિલ્લામાં તૂટી પડ્યું હતું. તમામ બાવીસ જણ મૃત્યુ પામ્યાં હતાં.
વર્ષ ૨૦૧૬માં તારા ઍરલાઇન્સનું ૨૩ જણ સાથેનું અન્ય એક વિમાન ટેઇક ઑફ્ફ પછી થોડા વખતમાં મસ્તાંગના પહાડી ક્ષેત્ર નજીક તૂટી પડ્યું હતું. એ અકસ્માતમાં તમામ ૨૩ જણ માર્યાં ગયાં હતાં.
વર્ષ ૨૦૧૮ની ૧૨ માર્ચે યુએસ-બંગલા ઍરલાઇન્સનું ૫૧ પ્રવાસીઓ સાથેનું વિમાન કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર તૂટી પડ્યું હતું.
વર્ષ ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં સીતા ઍરલાઇન્સનું વિમાન ત્રિભુવન ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ વેળા તૂટી પડતાં ૧૯ જણ માયાર્ં ગયાં હતાં.
વર્ષ ૨૦૧૨ની ૧૪ મેએ પોખરાથી જોમસોમ જતું વિમાનનો જોમસોમ ઍરપોર્ટ પાસે અકસ્માત થતાં ૧૫ જણ માર્યાં ગયાં હતાં. (એજન્સી)ઉ