(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આગામી લોસભાની ચૂંટણીને હવે જયારે થોડા મહિનાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ છેડેલી પોસ્ટર વોર આખરે ભાજપના ગઢ બની ચૂકેલા સીમાવર્તી કચ્છ સુધી પહોંચી આવી છે.
જિલ્લા મથક ભુજના જુદા-જુદા વિસ્તારોમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ સૂત્ર લખેલાં પોસ્ટર લગાડવા બદલ પોલીસે પશ્ર્ચિમ આમ આદમી પાર્ટી કચ્છના જિલ્લા પ્રમુખ સંજય શાંતિલાલ બાપટ (રહે. મુંદરા) સામે ગુનો દાખલ કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
સંજય બાપટે ભુજના સ્ટેશન રોડ પાસેના લઘુમતી વિસ્તારમાં આવેલા દેશલસર તળાવ, આર.ટી.ઓ સર્કલ, મંગલમ્ ત્રણ રસ્તા, જ્યુબિલી સર્કલ, આકાશવાણી કેન્દ્ર પાસે ટ્રાફિક પોલીસ ચોકી પાસેની દીવાલો અને નગરપાલિકાની હોર્ડિંગ્સ પર પોસ્ટરો ચોંટાડ્યાં હતાં.
લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચે આ અંગે જાણ કર્યા બાદ પેરોલ ફર્લો સ્ક્વોડે નેત્રમ સીસીટીવી મારફતે તપાસ કરીને સ્વિફ્ટ કારમાં આવીને પોસ્ટર લગાડનાર સંજય બાપટ સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
પૂર્વ મંજૂરી લીધા વગર તેમજ પોસ્ટર પ્રિન્ટ કરનાર મુદ્રકની ઓળખ છૂપાવી, જાહેર મિલકતો પર પોસ્ટર લગાડી તેની સુંદરતા-દેખાવમાં નુકસાન કરવા બદલ પેરોલ ફર્લો પીએસઆઈ એચ.એમ. ગોહિલે સરકાર તરફે બાપટ સામે ઈપીકો કલમ ૪૨૭, પ્રેસ અને પુસ્તક નોંધણી અધિનિયમની કલમ ૧૨ તેમજ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ ૩ હેઠળ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રદેશસ્તરેથી આ પોસ્ટરની આવેલી પીડીએફ ફાઈલને પ્રિન્ટ કરાવી જાતે આ પોસ્ટર લગાડ્યાં હોવાનું બાપટે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાનીમાં આવા પોસ્ટર લગાડવા બદલ દિલ્હી પોલીસે ૧૦૦થી વધુ એફઆઈઆર દાખલ કરી હતી.
આ ઉપરાંત રાજકોટ અને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વડા પ્રધાન વિરુદ્ધ પોસ્ટરો લગાડવા બદલ પોલીસે ફરિયાદો દાખલ કરી હતી.