રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પાર્ટીમાં વિખવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે સીએમ અશોક ગેહલોતના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે મેં ધૌલપુરમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આપેલું ભાષણ સાંભળ્યું, સાંભળીને એવું લાગે છે કે તેમના નેતા સોનિયા ગાંધી નહીં પણ વસુંધરા રાજે છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારી સરકારને તોડવાનું કામ બીજેપી કરી રહી છે, તો બીજી તરફ તેઓ કહે છે કે વસુંધરા રાજેએ અમને બચાવવાનું કામ કર્યું હતું. તમે શું કહેવા માગો છો તે તમારે સ્પષ્ટ કરવું જોઈએ. તેઓ પોતાના જ નેતાઓને બદનામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે હું જન સંઘર્ષ પદયાત્રા શરુ કરવાનો છું જે 11 મેના રોજ અજમેરથી શરૂ થશે અને જયપુરમાં સમાપ્ત થશે. 125 કિલોમીટરની આ યાત્રામાં 5 દિવસ ચાલશે. આ યાત્રા કોઈની વિરુદ્ધ નથી પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. યોગ્ય નિર્ણય ત્યારે લેવામાં આવશે જયારે જનતાનો સંપૂર્ણ સહયોગ મળશે.
સચિન પાયલટે વધુમાં કહ્યું કે, પોતાના જ વિધાનસભ્યો પર વેચવાલીનો આરોપ લગાવવો યોગ્ય નથી. આ વિધાનસભ્યો અને નેતાઓનું અપમાન છે. જેમના દમ પર મુખ્યપ્રધાન બન્યા તેને જ બદનામ કરી રહ્યા છે. હું આ પાયાવિહોણા આરોપોને નકારી કાઢું છું. જેમની રાજનીતિ પૈસાના જોરે ચાલે છે, તેમને દરેક બાબતમાં માત્ર પૈસા જ દેખાય છે. આક્ષેપો કરવા સહેલા છે, જનતાને જવાબ આપવો અઘરો છે.
તેણે કહ્યું કે મને કોરોના, ગદ્દાર વગેરે કહેવામાં આવ્યો. હું અઢી વર્ષથી આ બધું સાંભળી રહ્યો હતો, પરંતુ અમે ચૂપ હતા કારણ કે અમે અમારી પાર્ટીને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા, પરંતુ પોતાના જ વિધાનસભ્યો અને નેતાઓને બદનામ કરવા અને ભાજપના વખાણ કરવા એ વાત મારી સમજની બહાર છે.
સચિન પાયલોટે કહ્યું કે, રાજ્યમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગણી કર્યા બાદ પણ સરકારે ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં લીધાં નથી અને મેં ધરણાં પણ કર્યાં હતાં. હવે મને સમજાયું કે મુખ્યપ્રધાન ભ્રષ્ટાચારીઓ સામે પગલાં કેમ નથી લઇ રહ્યા.
તેમણે વધુમાં કહ્યું કે મુખ્યપ્રધાને મારી સામે સરકાર પડાવવાના આરોપમાં રાજદ્રોહનો કેસ નોંધવાનો પ્રયાસ કર્યો. આ પછી પણ હું પાર્ટી સાથે છું અને દિલ્હી જઈને મેં હાઈકમાન્ડ સમક્ષ મારી વાત મૂકી છે. જો મેં અને કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યોએ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોય અને ગેહલોતજી પાસે પુરાવા હોય તો તેને સાર્વજનિક કરવા જોઈએ.