કેટલીક બાબતે ખુલાસો બાકી
મુંબઈ: એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે સત્તા સંઘર્ષ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી શિંદેનું મુખ્યમંત્રી પદ અને એને પગલે સરકાર હેમખેમ રહી હોવા છતાં કેટલીક બાબતે હજી વિગતે ખુલાસો થવો જરૂરી છે. સૌથી મહત્ત્વ ધરાવતો મુદ્દો એ છે કે વિધાનસભાના જૂથ નેતા તરીકે શિંદેની નિમણુંક સુપ્રીમ કોર્ટે રદ કરી છે. એની અમુક અસર આ સત્તા સંઘર્ષ પર પડશે જેના પર હજી સુધી કોઈનું ધ્યાન નથી પડ્યું.
—
મુદ્દો ૧
જૂથ નેતા તરીકે શિંદેની નિમણૂંક ગેરકાયદે
સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં શિંદે જૂથ દ્વારા ભરત ગોગાવલેની વ્હીપ તરીકે કરવામાં આવેલી નિમણુંક તેમજ એકનાથ શિંદેની વિધાનસભામાં જૂથ નેતા તરીકે કરવામાં આવેલી પસંદગી ગેરકાયદે ઠેરવવામાં આવી છે. પક્ષ અને વિધાનસભા જૂથ એ બે અલગ બાબત હોવાનું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે. વ્હીપની નિમણૂકનો અધિકાર પક્ષ પાસે હોય છે. વિધાનસભા પક્ષ એવી સંકલ્પના જ અસ્તિત્વમાં નથી એવું સાફ સાફ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે. પરિણામે પક્ષ દ્વારા નિમણુંક કરવામાં આવે એ જ વ્હીપ વિધાનસભાના સભ્યોને આદેશ આપી શકે છે. એ જ પ્રમાણે પક્ષ દ્વારા નીમવામાં આવેલો જૂથ નેતા વિધાનસભા જૂથ નેતા તરીકે કામ કરી શકે છે. પરિણામે એકનાથ શિંદેને જૂથ નેતા તરીકે મળેલી માન્યતા ગેરકાયદે હોવાનું ચુકાદામાં જણાવવામાં આવ્યું છે. વિધાનસભામાં જૂથ નેતા જ મુખ્ય પ્રધાનની જવાબદારી સંભાળતો હોવાથી વિધાનસભા અધ્યક્ષ હવે શું કરશે એ વિશે ઉત્સુકતા છે.
મુદ્દો ૨
નબમ રેબિયા કેસનો પુનર્વિચાર
એટલે શું ?
સુપ્રીમ કોર્ટની પાંચ બેન્ચ દ્વારા નબમ રેબિયા કેસનો પુનર્વિચાર કરવા માટે સાત ન્યાયમૂર્તિની બેન્ચની નિમણુંક કરવા સુપ્રીમ કોર્ટના ગુરુવારના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે. આ પુનર્વિચાર વિધાનસભા અધ્યક્ષના સંદર્ભમાં છે. વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ દાખલ કરવામાં આવ્યા પછી સંબંધિત અધ્યક્ષ એની નિયત ફરજ અદા કરી શકે કે નહીં એ મુદ્દો છે. આમ જેની વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ છે એ અધ્યક્ષ અન્ય સભ્યોને ગેરકાયદે ઠેરવે એ યોગ્ય કહેવાય કે નહીં એનો પુનર્વિચાર થવાનો છે. નબમ રેબિયા કેસ અનુસાર અધ્યક્ષ વિરુદ્ધ જો અવિશ્વાસ ઠરાવની નોટિસ હોય તો એ સભ્યોને ગેરલાયક ઠેરવી ન શકે એમ સુપ્રીમ કોર્ટે ૨૦૧૬માં જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષની દ્રષ્ટિએ તત્કાલીન ઉપાધ્યક્ષ નરહરિ ઝીરવાળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ હોવાથી તેમને શિંદે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર નથી એવી દલીલ કરવામાં આવી હતી. આ બાબતે ઠાકરે જૂથે વાંધો ઉઠાવી નબમ રેબિયા કેસનો પુનર્વિચાર કરવાની માંગણી કરી હતી. આ માંગણી એ સમયે અદાલતે માન્ય નહોતી રાખી. સાત ન્યાયમૂર્તિની બેન્ચ સમક્ષ આ કેસ ચાલવાનો છે. આ કેસની મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ પર અસર પડે છે કે વાત માત્ર બૌદ્ધિક ચર્ચા પૂરતી સીમિત રહે છે એ જોવાનું રહે છે. મુદ્દો ૩
સુનીલ પ્રભુ વ્હીપ તરીકે રહેશે?
સુપ્રીમ કોર્ટે ભરત ગોગાવલેની વ્હીપ તરીકે નિમણુંક રદ કરી હોવાથી હવે ઠાકરે જૂથના વ્હીપ સુનિલ પ્રભુનો આદેશ ચાલે છે કે કેમ એ મુદ્દા પર સૌનું ધ્યાન છે. ગોગાવલેની નિમણુંક રદ થતા આદિત્ય ઠાકરે સહિત ઠાકરે જૂથના ૧૫ જણા સામે જારી કરવામાં આવેલો પક્ષાદેશ (વ્હીપ) રદ થઈ ગયો છે. તો શું હવે પ્રભુનો વ્હીપ શિંદે જૂથના વિધાનસભ્યોની લાગુ થાય કે કેમ એનો વિચાર કરવામાં આવશે.
મુદ્દો ૪
વિધાનસભા અધ્યક્ષે કેટલો સમય લેવો જોઈએ?
શિંદે સહિત ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો આદેશ યોગ્ય સમય અવધિમાં વિધાનસભ્ય અધ્યક્ષએ લેવો એમ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે. એના માટે કોઈ સમય મર્યાદા બાંધવામાં નથી આવી. કેટલા સમયમાં આદેશ જાહેર કરવો એ અધ્યક્ષ કેવી રીતે નક્કી કરશે એ સવાલનો જવાબ કોઈ પાસે નથી.
મુદ્દો ૫
મૂળ પક્ષ કયો એનો ફરી નિર્ણય લઈ શકાય?
પક્ષ અને વિધાનસભા પક્ષ એ બંને અલગ બાબત નથી એવું ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. પરિણામે શિવસેના કઈ અને બળવાખોર કોણ એ નક્કી કરવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષને આપવામાં આવ્યો છે. એમાં વળી મૂળ પક્ષ કોની પાસે છે એની સુનાવણી થશે કે કેમ એ સવાલ છે. વિધાનસભ્યોની સંખ્યાને આધારે પક્ષ નક્કી નહીં કરી શકાય એમ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હોવાથી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પણ આ સવાલ ઊભો રહેશે. ઉ
આ સરકાર જશે જ
અધ્યક્ષને મર્યાદામાં રહીને ચુકાદો આપવો પડશે: અનિલ પરબ
મુંબઈ: વિધાનસભા અધ્યક્ષ હવે જો કોઇ પણ ખોટો નિર્ણય લેશે તો અમે ફરી એક વાર કોર્ટનાં દ્વાર ખટખટાવીશું, એવો સાંકેતિક ઈશારો ઠાકરે જૂથના વિધાનસભ્ય અનિલ પરબે આપ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદને સંબોધ્યા બાદ અનિલ પરબે પત્રકાર પરિષદનાં સૂત્રો હાથ ધર્યાં હતાં. તેમણે કરેલા સંબોધનમાં ચુકાદાના અમુક મુદ્દાને સવિસ્તર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અધ્યક્ષનું કાર્યક્ષેત્ર, અયોગ્યતાનો નિર્ણય, વ્હીપ કોનો ખરો કે કોનો ખોટો, એવા મુદ્દાઓ તરફ અનિલ પરબે ધ્યાન ખેંચ્યું હતું.
—
સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષની આજની પરિસ્થિતિ પર નહીં, પણ એ સમયે જે ઘડ્યું હતું, એ સમયે શી પરિસ્થિતિ હતી, એના પર આધારિત નિર્ણય લેવાનું કહ્યું છે, એવું અનિલ પરબે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલે અને જૂથનેતા એકનાથ શિંદેની નિમણૂક ગેરકાયદે ઠેરવી હતી. જ્યારે તેની નિમણૂક ગેરકાયદે ઠરશે તો તેમના સહિત ૧૬ વિધાનસભ્યએ મતદાન કરેલા અધ્યક્ષ કાયદેસર કેવી રીતે, એવો સવાલ પરબે રજૂ કર્યો હતો.
—
બીજી વાત એ છે કે એ સમયે પ્રતોદની એટલે કે ગોગાવલેની નિમણૂક જો ગેરકાયદે ઠરી છો તો એ સમયના અધિકૃત પ્રતોદ સુનીલ પ્રભુ હતા. એમણે જે બે પક્ષાદેશ બહાર પાડ્યા હતા એ પક્ષાદેશ ૪૦ વિધાનસભ્યને લાગુ થાય છે. હવે જ્યારે તેઓએ પ્રતોદ તરીકે સુનીલ પ્રભુના પક્ષાદેશને પાળ્યો નથી તો તેમના પર અયોગ્યતાની કાર્યવાહી થવી જ જોઇએ, એવું અપ્રત્યક્ષ રીતે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હોવાનું પરબે જણાવ્યું હતું.
—
ચુકાદામાં પેરેગ્રાફ ૧૨૨માં ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ નાયબ અધ્યક્ષ સામે પક્ષમાં બે જૂથ હોવાથી કોઇ પણ પુરાવા ન હોવાને કારણે ઠરાવ પર અજય ચૌધરીની જૂથનેતા તરીકે કેમ કોઇએ શંકા ઊભી કરી નહીં. ઠરાવ પર પક્ષાધ્યક્ષ તરીકે ઉદ્ધવ ઠાકરેએ સહી કરી હતી. આ સાથે જ પ્રતોદ અને જૂથનેતાની નિમણૂકનો સર્વાધિકાર ૨૦૧૯ના વર્ષમાં ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો. આનો અર્થ એ થાય કે એકનાથ શિંદેની જગ્યાએ અજય ચૌધરીની નિમણૂક માન્ય ગણાય.
—
ચુકાદામાં પેરેગ્રાફ ૧૨૩માં ૨૨મી જૂન, ૨૦૨૨ના રોજ કરવામાં આવેલો ઠરાવ એ વિધાનસભામાં એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો અને અધ્યક્ષે કોઇ પણ ચોકસાઈ કર્યા વિના રાજકીય પક્ષના વિરોધમાં અને પરિશિષ્ટ ૧૦ની જોગવાઈનું ઉલ્લંઘન કરીને આપ્યો હતો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે પરિશિષ્ટ ૧૦ના ચુકાદામાં બધું જ મહત્ત્વનું છે. તેના વિરુદ્ધમાં અધ્યક્ષે કામ કર્યું હતું. કોર્ટે કહ્યું જ છે કે પૂરતી સમયમર્યાદામાં અધ્યક્ષે તેના પર નિર્ણય લેવો જોઇએ. અધ્યક્ષ એમાં ઢીલુંપોચું છોડી ન શકે. વિધાનસભામાં શું થયું એના તમામ પુરાવા છે. વ્હીપને બાજુ પર મૂકીને કોણ મતદાન કર્યું એ અધ્યક્ષના રેકોર્ડ તપાસશો તો સામે આવી જશે, એવું પણ પરબે જણાવ્યું હતું. જો અધ્યક્ષ કોઇ પણ ખોટો નિર્ણય લેશે તો અમે ફરી એક વાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવીશું, એવું પરબે જણાવ્યું હતું.ઉ