મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટની રજાઓનું પરિણામ ન્યાય પર થતું હોવાથી આ રજાઓને ઓછી કરવામાં આવે, એવી માગણી કરતી અરજી મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. મુંબઈ હાઈ કોર્ટમાં ઉનાળાની રજા, ગણપતિ, દિવાળી અને નાતાલના નામે મહિનાની અને અઠવાડિયાની મળતી રજાને સબીના લાકડાવાલા નામની મહિલાએ આહવાન કરતી અરજી કરી હતી.
લાંબી રજાને કારણે ન્યાયની પ્રક્રિયા પડી ભાંગી છે. જોકે આ તમામ રજા વરિષ્ઠ વકીલોની સગવડ માટે જ હોય છે. તાબડતોબ પ્રકરણો માટે હોલિડે કોર્ટ કાર્યરત હોય છે, તેમ છતાં તેની સંખ્યા ઓછી હોવાથી ન્યાય મેળવવાના મૂળભૂત અધિકાર પર પરિણામ આવતું હોય છે, એવું અરજીમાં કહેવામાં આવ્યું હતું. અરજીકર્તાની વાતને કોર્ટે ધ્યાનમાં લીધી હતી. અરજીમાંના મુદ્દા અને માગણી કાયદેસર હોય તો પણ ન્યાયાધીશની ઊણપનો પણ વિચાર કરવો જરૂરી છે. જો ન્યાયાધીશની સંખ્યા જ ઓછી હોય તો કોર્ટ કેવી રીતે ઊભી થાય અને ન્યાયાધીશ પણ શું કરે, એવો સવાલ ખંડપીઠે કર્યો હતો. કોર્ટની લાંબી રજા ઓછી કરવાની અપેક્ષા યોગ્ય હશે તો ન્યાયાધીશની અપૂરતી સંખ્યાને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.