વસઈઃ 90ના દાયકામાં પોતાની અદ્ભુત કળા-કૌશલ્યથી મિસ્ટર ઈન્ડિયાને ગાયબ કરનાર સિનેમેટોગ્રાફર અને સ્પેશિયલ ઈફેક્ટના જનક પીટર પરેરાનું મંગળવારે સવારે નિધન થયું હતું. 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા આ દિગ્ગજના પરિવારમાં કોઈ નથી. વસઈના ચર્ચમાં સાંજે પાંચ વાગ્યે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
બોબી સહિત 100થી વધુ ફિલ્મોનું તેમણે ફિલ્માંકન કર્યું હતું. 90ના દાયકામાં જ્યારે આધુનિક તંત્રજ્ઞાન એટલું વિકસ્યું નહોતું એ સમયમાં પીટર પરેરાએ પોતાની ફોટોગ્રાફી અને સ્પેશિયલ ઈફેક્ટની મદદથીઅનેક ફિલ્મોનો રોમાંચક બનાવી હતી. એટલું જ નહીં પણ 1987માં અનિલ કપુરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાએ દર્શકોને ઘેલું લગાડ્યું હતું. તેમણે અમર અકબર એન્થની, રોટી, મિસ્ટર ઈન્ડિયા, શેષનાદ, અજૂબા, લાલ બાદશાહ, તુફાન, શહેનશાહ, કુલી, મર્દ, યારાના, ખિલાડિયોં કા ખિલાડી, આ ગલે લગ જા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય મિસ્ટર ઈન્ડિયા, શેષનાગ અને અજૂબા જેવી ફિલ્મોમાં તેમણે સ્પેશિયલ ઈફેક્ટ આપી હતી.
એક ઈન્ટરવ્યુમાં પીટરે જણાવ્યું હતું કે મારા પિતા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા, પણ બાળપણમાં ક્યારેય હું મારા પિતા સાથે સેટ પર ગયો નહોતો. નોકરી શોધતા શોધતા જ ચેમ્બુરમાં આવેલા હોમી વાડિયાના વસંત સ્ટુડિયોમાં કામ કરવાનું શરું કર્યું અને ત્યાં મને ઘણું બધું શીખવા મળ્યું હતું. કેમેરાનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો એ પણ મને અહીંથી જ શીખવા મળ્યું હતું.
તેમનું બાળપણ વસઈમાં જ પસાર થયું હતું અને તેમની સ્કુલિંગ પણ અહીંથી જ થઈ હતી. ફિલ્મો સિવાય પીટરને સમાજ સેવામાં પણ ખૂબ જ રસ હતો. તેમણે અનેક સંસ્થાઓને સહાય કરી હતી. પીટરના નિધન અંગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે સામાજિક ક્ષેત્રેથી પણ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.