ઉત્તરપ્રદેશના લખનઉની ક્વીન મેરી હોસ્પિટલ દ્વારા માતાના દૂધ પર કરવામાં આવેલા એક સંસોધનમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સંસોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભવતી મહિલાઓના દૂધમાં જંતુનાશકો મળી આવ્યા છે. અભ્યાસના રીપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં જ છેલ્લા દસ મહિનામાં લગભગ 111 નવજાત શિશુઓના મૃત્યુ માટે માતાના દુધમાં રહેલા જતુંનાશકો જવાબદાર હતા.
ક્વીન મેરી હોસ્પિટલના પ્રોફેસર સુજાતા દેવ, ડૉ. અબ્બાસ અલી મહેંદી અને ડૉ. નયના દ્વિવેદી દ્વારા કરવામાં આવેલ આ સંશોધન એન્વાયર્નમેન્ટલ રિસર્ચ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્વીન મેરી હોસ્પિટલના દ્વારા બાળકોના મૃત્યુ પાછળનું કારણ શોધવા માટે 130 શાકાહારી અને માંસાહારી સગર્ભા સ્ત્રીઓ પર પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
સંસોધનમાં જણાવાયું છે કે જ્યારે નવજાત બાળક કોઈ જાતનો ખોરાક આરોગતું નથી, ત્યારે જંતુનાશકો માતાના દૂધ દ્વારા તેમના શરીરમાં પહોંચે છે. જેને કારણે બાળકોના મોત થઇ રહ્યા છે.
રીસર્ચ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે માંસાહારી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓના દૂધમાં ઓછા જંતુનાશકો જોવા મળ્યા છે. માંસાહારી મહિલાઓના દૂધમાં હાજર જંતુનાશકો શાકાહારી મહિલાના દૂધની માત્રા કરતા ત્રણ ગણા વધુ જોવા મળ્યા છે. માંસાહારી ખોરાકથી દૂર રહેતી મહિલાઓના માતાના દૂધમાં પણ જંતુનાશકો મળી આવ્યા છે જેનીપાછળનું કારણ રાસાયણિક ખેતી છે.
ઉત્પાદન વધરવા કે પાકને જંતુથી બચાવવા પાકમાં વિવિધ પ્રકારના જંતુનાશકો અને રસાયણો નાખવામાં આવે છે. પ્રાણીઓને રસાયણોનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે, જેના કારણે માંસાહારી ખોરાક આરોગતી સ્ત્રીના દૂધમાં જંતુનાશક રસાયણો જેવા પદાર્થ બને છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે બાળકોના મૃત્યુદરમાં વધારો થવા પાછળનું કારણ શોધવા માટે મુખ્ય વિકાસ અધિકારી (CDO)ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.