ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે જણાવ્યું હતું કે હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર અને કંડક્ટર, જેમણે ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ‘ગોલ્ડન અવર’માં હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી હતી, તેમને કેન્દ્રની ગુડ સમરિટન યોજના હેઠળ સન્માનિત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે કોઈપણ માર્ગ અકસ્માતના પીડિત માટે પહેલો એક કલાક એટલે કે ‘ગોલ્ડન અવર’ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સમયગાળામાં, પીડિત માટે જરૂરી સારવાર મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય લોકોમાં આ વર્તનને પ્રોત્સાહિત કરવા માટે ગુડ સમરિટન સ્કીમ લાગુ કરવામાં આવી છે.spro
ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત બાદ હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર સુશીલ કુમાર અને કંડક્ટરે પંતને સળગતી કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર થયેલા આ અકસ્માત બાદ સુશીલે પોલીસને જાણ કરી હતી. સુશીલ રોડની બીજી બાજુ પર ડ્રાઇવ કરી રહ્યો હતો અને તેણે ક્રિકેટરની કારનો અકસ્માત જોયો. સુશીલે ખૂબ જ દૂરંદેશી બતાવી હતી. તેણે જોયું કે પંતની કાર આગ પકડવાની તૈયારીમાં છે, તે સમયસર ત્યાં પહોંચી ગયો અને કંડક્ટરની મદદથી પંતને ગાડીની બહાર કાઢ્યો હતો. પંતનો સામાન રસ્તા પર વેરવિખેર પડ્યો હતો, જેને તેણે અને તેની સાથે આવેલા બસ કંડક્ટરે ઉપાડીને એક બાજુ પર મૂક્યો હતો. પંતનો ચહેરો લોહીથી લથપથ હતો અને તેના કપડા ફાટી ગયા હતા અને તેની પીઠ ચિરાઇ ગઇ હતી. તે ધ્રૂજતો હતો અને લંગડાતો હતો.
પંતને હોસ્પિટલમાં લઈ જવા માટે કોઈ તેમને મદદ કરવા આગળ આવ્યું ન હતું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તાવાળાઓને કરવામાં આવેલા કૉલ્સનો જવાબ મળ્યો ન હતો. એ સમયે ડ્રાઇવરે અને કંડક્ટરે પંતને હૉસ્પિટલમાં લઇ ગયા હતા. સમયસર સારવાર મળવાથી ઋષભ પંતના માથેથી ઘાત ટળી હતી.
ક્રિકેટ કે ક્રિકેટર ઋષભ પંતને જાણતો ના હોવા છતાં પણ માત્ર માનવતાના ધોરણે તેની જાન બચાવનાર હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર અને કંડક્ટર સાચે જ સન્માનને લાયક છે.