Homeઆમચી મુંબઈમધ્ય રેલવેમાં રોજનો ૪૦ ટન કચરો ઠાલવે છે પ્રવાસીઓ

મધ્ય રેલવેમાં રોજનો ૪૦ ટન કચરો ઠાલવે છે પ્રવાસીઓ

સ્ટેશન પરિસર ક્યાંથી બને કચરામુક્ત?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ‘સ્વચ્છ ભારત અભિયાન’ અન્વયે સ્વચ્છતા અભિયાનની કેન્દ્ર સરકાર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોવા છતાં જાહેર સ્થળોએ કચરો ફેંકવામાં નાગરિકોનો વિશેષ ફાળો રહે છે, જેમાં સૌથી વધુ ભોગ રેલવે પ્રશાસન બને છે. આ વર્ષે મધ્ય રેલવેમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા ૯૧ જેટલા રેલવે સ્ટેશન પરથી રોજના ૪૦ ટનથી વધુ કચરો પ્રવાસીઓ ઠાલવતા હોવાનું ચોંકાવનારી માહિતી મળી હતી.
કોરોના સંબંધિત વિવિધ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા પછી એકંદરે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, જેમાં સરેરાશ રોજના લોકલ ટ્રેનમાં ૩૮ લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે. ચોમાસા પૂર્વે રેલવે સ્ટેશનના પરિસર, કોલોની અને રેલવે ટ્રેક સહિત વિવિધ જગ્યાએ સાફસફાઈ કરવામાં આવી રહી હોવા છતાં પણ સ્ટેશનના પરિસર કચરામુક્ત બનવાનું મુશ્કેલ બન્યું છે. રેલવે સ્ટેશનના પરિસર અને ટ્રેક પરથી ગાર્બેજ-કચરો મળી આવે છે, જેમાં પાણીની બોટલ, ફૂડ પેકેટ્સ, ન્યૂઝ પેપર, ખાણીપીણીની વસ્તુઓનો સમાવેશ થાય છે. સબર્બનની નોન-સબર્બન એટલે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો અને સ્ટેશન-ટર્મિનલ પરથી સૌથી વધુ કચરો મળી આવે છે, જે ચિંતાજનક બાબત છે. નોન-સબર્બન રેલવેમાંથી પચાસ ટકાથી વઘુ કચરો મળતો હોય છે, તેથી પ્રવાસીઓએ શક્ય એટલા સ્ટેશનના પરિસરોને વધુ સ્વચ્છ રાખવાનું જરૂરી છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. મધ્ય રેલવેના લગભગ ૯૧ જેટલા રેલવે સ્ટેશન પર રોજનો ૪૦ ટન કચરો ઠાલવવામાં આવે છે, પરંતુ સૌથી વધુ સીએસએમટી, એલટીટી, થાણે, કલ્યાણ અને દાદર સ્ટેશનનો સમાવેશ થાય છે. ૪૦ ટન કચરા પૈકી સીએસએમટી એકલામાં છ ટનથી વધુ કચરો મળે છે, તેથી પ્રવાસીઓએ સ્ટેશનોને કચરામુક્ત બનાવવાનું જરૂરી છે. રેલવે પ્રશાસન દ્વારા ૨.૦ અભિયાન અન્વયે સફાઈ અભિયાનમાં ૪૬૬ સ્ટેશનને સામેલ કર્યાં છે. આ અભિયાનમાં રેલવે સ્ટેશન, કચેરી, સ્ટાફ કોલોનીને પણ સમાવી લેવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. રેલવે સ્ટેશનના પરિસરને કચરામુક્ત બનાવવા માટે મધ્ય રેલવે દ્વારા મુંબઈ મહાનગરપાલિકા, થાણે પાલિકા, કલ્યાણ-ડોંબિવલી, નવી મુંબઈ પાલિકા સહિત વિવિધ સામાજિક સંસ્થાની મદદ લેવામાં આવી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -