હાલમાં જ આપણે વર્લ્ડ લાફ્ટર ડે સેલિબ્રેટ કર્યો, પણ આજે આપણે અહીં વાત કરવાની છે એક એવા દેશ વિશે કે જ્યાંના લોકો હસવાનું ભૂલી ગયા છે અને એટલું જ નહીં પણ હસવાનું શીખવા માટે આ લોકો હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. આવી વિચિત્ર પરિસ્થિતિ માટે કોરોના મહામારી અને એ સમયગાળામાં લાદવામાં આવેલા પ્રતિબંધો જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્રણ વર્ષ સુધી સતત માસ્ક પહેર્યા પછીથી લોકો હસવાનું ભૂલી રહ્યા છે.
તમે વધારે ગૂંચવાઈ જાવ અને માથાની નસો ખેંચો એ પહેલાં અમે તમને જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે જાપાનની. અહીં કોવિડ સમયના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ આ મહામારીની અસર અહીં જોવા મળી રહી છે. અહીં કેટલાક લોકો વાયરસના ડરને કારણે હજુ પણ માસ્ક પહેરી રહ્યા છે, જ્યારે કેટલાકનું એવું માનવું છે કે લાંબા સમય સુધી માસ્ક પહેરવાને કારણે તેઓ હસવાનું ભૂલી ગયા છે.
એ જ રીતે ઘણા લોકોનું એવું માનવું છે કે હવે તેમનું સ્મિત પહેલા જેવું નથી રહ્યું અને આવા લોકો હવે મદદ માટે નિષ્ણાતો પાસે જઈ રહ્યા છે. તેઓ પૈસા આપીને હસવાનું શીખી રહ્યા છે. સ્માઈલ ટ્રેનર મિહો કિતાનો આ વિશે વાત કરતાં કહે છે, મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે જો તેઓ માસ્ક ઉતારી લે તો પણ તેઓ તેમના ચહેરાનો નીચેનો ભાગ એટલે હોઠ વગેરે બતાવવા માંગતા નથી કે પછી તેઓ હવે કેવી રીતે સ્મિત કરવું એ ભૂલી ગયા છે.
કિતાનો આગળ એવું પણ કહે છે કે તેમની કંપની સ્માઈલ ફેશિયલ મસલ એસોસિએશનનો બિઝનેસ આને કારણે ઘણો વધી ગયો છે. અહીં એવા લોકો આવી રહ્યા છે, જેઓ એ જ રીતે સ્માઈલ કરવા માગે છે, જેવું એ લોકો આ મહામારી પહેલાં હસતાં હતા. સ્મિત નિષ્ણાતો લોકોને કેવી રીતે હસવું તે શીખવવા માટે અલગ અલગ પ્રકારની કસરતો કરાવે છે અને આના દ્વારા ગાલના સ્નાયુઓને લવચીક બનાવવામાં આવે છે, જેથી તે વ્યક્તિને સ્માઈલ કરવામાં મદદ કરી શકે.
કિતાનોએ કહ્યું કે કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેઓ બરાબર હસતા નથી, પરંતુ તે બધું સ્નાયુઓ પર નિર્ભર કરે છે. તેમને યોગ્ય રીતે પ્રશિક્ષિત અને ઉપયોગમાં લેવાની જરૂર છે. તે કહે છે કે તેણે અત્યાર સુધીમાં 4000 જાપાનીઓને ફરીથી હસવાનું શીખવ્યું છે.
સ્માઇલ એજ્યુકેશન ટ્રેનર એસોસિએશનના કેઇકો કાવાનો કહે છે, ‘પરંપરાગત રીતે હસવું અને દાંત બતાવવાને જાપાનમાં એટલું સારું માનવામાં આવતું નથી. અહીં લોકો વધુ હલ્યા વિના જાપાનીઝ ભાષામાં વાત કરી શકે છે.
આ ઉપરાંત તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, ‘આ મહામારી શરૂઆતથી જ એવું લાગ્યું હતું કે દેશમાં સુખ, ખુશહાલીનો દર ઘટી રહ્યો છે. લોકો પહેલા કરતા ઓછા હસવા લાગ્યા છે. આ ખૂબ જ પરેશાન કરતું હતું. આ બધી સમસ્યાઓના કારણે અહીં હસવાનું શીખવતી કંપનીઓ શરૂ થઈ.
અગાઉ એવા સમાચાર આવી રહ્યા હતા કે જાપાનમાં લોકો એકલતાનો શિકાર બની રહ્યા છે. તેઓ ઘરની બહાર આવવા માંગતા નથી. કોરોના રોગચાળા દરમિયાન ઘરમાં બંધ હોવાને કારણે તે સમાજમાં સંકોચ અનુભવી રહ્યો છે. અહીંની સરકાર પણ આ સમસ્યાનો સામનો કરવા માટે કામ કરી રહી છે.