ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના એક ગામમાંથી આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લાના એક ગામમાં લોકોએ 25થી વધુ કૂતરા અને ગલુડિયાઓને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેને લઈને અનિમલ રાઈટ્સ કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના અજોઠા ગામે આ બનાવ બન્યો હતો. પ્રાણીઓ સાથેની ક્રૂરતાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનિકોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. લોકોએ ગામમાં ફરીને કૂતરાઓની શોધ કરી અને લાકડીઓ વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. કેટલાક કૂતરાઓને કોથળામાં પૂરીને મારવામાં આવ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં કૂતરાઓનો આક્રંદ પણ સંભળાય છે.
સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડે ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. બોર્ડના કહ્યા મુજબ “સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાના ગામડાઓમાં અનિમલ બર્થ કંટ્રોલ (ABC) કાર્યક્રમો લાગુ કરવામાં આવતા નથી. પરિણામે, કૂતરાઓની વસ્તી વધી રહી છે. પરંતુ કૂતરાઓ પર આવી ક્રૂરતા કરવી એ ફોજદારી ગુનો છે અને અમે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ.”
એનિમલ વેલ્ફેર બોર્ડે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પણ આ કૃત્યમમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.