નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પ્રવાસી દ્વારા વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના કિસ્સામાં ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન)એ એરલાઈનને 30 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે તેની સાથે ફલાઈટના પાઈલટ ઈન કમાન્ડનું લાઈસન્સ તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઈન ફ્લાઈટ સર્વિસીસ પર પણ ત્રણ લાખનો દંડ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એર ઈન્ડિયાની ન્યૂ યોર્ક દિલ્હી ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર શંકર મિશ્રા નામના પ્રવાસીએ પેશાબ કર્યો હતો, જે અંતર્ગત મિશ્રા પર ચાર મહિનાના પ્રવાસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કંપનીના અધિકારીએ કહ્યું હતું કે આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ પાડવામાં આવ્યો હતો. ચાર મહિનાના પ્રતિબંધ સિવાય વધુ એક મહિનાનો પણ પ્રતિબંધ રહેશે. અલબત્ત, આ કેસમાં એર ઈન્ડિયાએ ચોથી જાન્યુઆરીએ મિશ્રા પર 30 દિવસનો ફ્લાઈંગ પ્રોહિબિશન મૂક્યો હતો, રંતુ એ વાતની સ્પષ્ટતા કરી નહોતી કે 30 દિવસનો પ્રતિબંધ કયારતી લાગુ પડશે. 26મી નવેમ્બર, 2022ના રોજ અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી જતી એક ફલાઈટમાં વૃદ્ધ મહિલા પર નશાની હાલતમાં મિશ્રાએ પેશાબ કર્યો હતો.