રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી. શિમરોન હેટમાયરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતમાં ધ્રુવ જુરેલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પંજાબ તરફથી સેમ કરને અણનમ 49 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી.
આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર પહોંચી ગઈ છે. ટીમે 14 મેચ રમીને 7માં જીત મેળવી છે. તે હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ હાર સાથે પંજાબ રેસમાંથી બહાર થઈ ગયું છે. પંજાબે 14માંથી 6 મેચ જીતી છે. તેના 12 પોઈન્ટ છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. સેમ કરને અણનમ 49 રન બનાવ્યા હતા, તેણે 31 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જીતેશ શર્માએ 28 બોલમાં 44 રન બનાવ્યા હતા, તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. શાહરૂખ ખાને 23 બોલમાં 41 રન બનાવ્યા હતા, તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે ફરી શાનદાર બેટિંગ કરી હતી. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા, તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. દેવદત્ત પડિકલે પણ અડધી સદી ફટકારી હતીમ, તેણે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા. દેવદત્તે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન સંજુ સેમસન કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર શૂન્ય પર આઉટ થયો હતો. ધ્રુવ જુરેલે 4 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા. તેણે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.