આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશી ચલણમાં કરવામાં આવતો ખર્ચ પણ હવે રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ આવરી લેવામાં આવશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ) સુધારા નિયમો, 2023ને સૂચિત કરતા, નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં થતાં ખર્ચને પણ LRSમાં સામેલ કરવામાં આવી રહ્યો છે.
ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડની મદદથી ચૂકવી શકાય તેવી મહત્તમ રકમ વિશે વાત કરીએ તો LSR હેઠળ, વ્યક્તિ રિઝર્વ બેંકની પરવાનગી વિના પણ એક નાણાકીય વર્ષમાં મહત્તમ $ 2.5 લાખ વિદેશ મોકલી શકે છે. આ નોટિફિકેશનમાં LRSનો સમાવેશ કર્યા પછી, $2.5 લાખથી વધુનું વિદેશી ચલણ મોકલવા માટે RBIની મંજૂરીની જરૂર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉની ચૂકવણી એલએસઆરના દાયરામાં આવતી ન હતી. આ સૂચના પહેલા, વિદેશમાં મુસાફરી કરતી વખતે થયેલા ખર્ચ માટે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડની ચૂકવણી LRS માટે પાત્ર ન હતી. નાણા મંત્રાલયે આરબીઆઈ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જારી કરેલી સૂચનામાં, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રૂલ્સ, 2000ની કલમ સાતને છોડી દીધી છે. આ કારણે હવે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતી ચુકવણીઓ પણ LRSના દાયરામાં આવી ગઈ છે.
નિષ્ણાતોના મતે જો નિયત નાણાકીય મર્યાદા ઓળંગી હોય તો જ ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ચૂકવણી માટે પૂર્વ મંજૂરી જરૂરી છે.