(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ ધારકોને ૨૦૨૨ના આર્થિક વર્ષ માટે આગામી સાત દિવસની અંદર ટૅકસ ચૂકવવાનો રહેશે. ૩૧ ડિસેમ્બર સુધી પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવ્યો તો બે ટકા દંડ વસૂલવામાં આવશે એવું મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે.
પહેલી એપ્રિલ, ૨૦૨૨થી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટૅક્સના માધ્યમથી મુંબઈ મહાનગરપાલિકાએ સાત હજાર કરોડ રૂપિયા વસૂલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પરંતુ ૨૦ ડિસેમ્બર,૨૦૨૨ સુધી ફક્ત ૨,૦૭૮ કરોડ રૂપિયા જ જમા થયા છે, ત્યારે ૩૧ ડિસેમ્બર બાદ કર ભરનારા પાસેથી બે ટકા દંડ વસૂલ કરવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને સંબંધિતોને આદેશ આપ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત જકાત હતી. જકાત બંધ થયા બાદ પ્રોપર્ટી ટૅક્સ જ પાલિકાની આવકનો મુખ્ય આધાર રહ્યો છે. મુંબઈના ત્રણ લાખથી વધુ પ્રોપર્ટી છે. પ્રોપર્ટી ટૅક્સના માધ્યમથી વર્ષમાં છ થી સાત હજાર કરોડ રૂપિયાની આવક પાલિકાની તિજોરીમાં જમા થાય છે.
૨૦૨૨-૨૩ના ચાલુ આર્થિક વર્ષમાં સાત હજાર કરોડ રૂપિયા પ્રોપર્ટી ટૅક્સના માધ્યમથી વસૂલ કરવાનો પાલિકાનો ટાર્ગેટ હતો. પરંતુ ચાલુ આર્થિક વર્ષમાં સમાધાનકારક રીતે ટૅક્સ વસૂલ થઈ શક્યો નથી. તેથી ડિસેમ્બર બાદ ટૅક્સ ભરનારા પાસેથી બે ટકા દંડ વસૂલવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો છે.
નોંધનીય છે કે આર્થિક વર્ષ ૨૦૨૧-૨૨માં પાલિકાએ ૫,૪૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેની સામે ૫,૭૯૨ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.