હવે, એનસીપીના ભાવિ પ્રમુખપદ નિમવાની ચિંતા નહીં, છે આટલા વર્ષ…
મુંબઈ: શરદ પવારે પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું અને પછી પાછું લઈ લીધું પણ સાચા અર્થમાં પોતે પક્ષના સર્વેસર્વા છે અને હવે લોકસભાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવશે એ વાત નક્કી છે. રાજીનામું પાછું ખેંચી લીધા પછી ગઈકાલે તેમના હોમટાઉન બારામતીમાં પહોંચીને શરદ પવારે કહ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં ભાજપની સામે વિપક્ષને એક કરવામાં પોતે મહત્ત્વની ભૂમિકા નિભાવશે. નીતીશ કુમાર, અરવિંદ કેજરીલેવા, ચંદ્રશેખર રાવ, મમતા બેનરજી વગેરે ટોચના નેતાને એક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીના પહેલા વિપક્ષ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) તૈયાર કરવામાં આવશે. આગામી દસેક મહિનામાં અનેક રાજ્યમાં ચૂંટણી થશે, ત્યારે હું વિપક્ષને એકસાથે લાવવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ અન્વયે એકમંચ પર લાવીશ, એમ તેમણે જણાવ્યું હતું.
હવે હું 2024ની ચૂંટણી માટે કામ કરીશ. હું કામ કરતો રહીશ. જોકે, હું ચૂંટણી નહીં લડું, પરંતુ અમારા મિત્રો ચૂંટણી લડશે અને તેમના માટે જીતવા માટે કામ કરીશ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

શરદ પવારે કહ્યું હતું કે હવે નવી પેઢીને જવાબદારી સોંપવી પડશે. જોકે સુપ્રિયા સુળે અને પ્રફુલ્લ પટેલ પ્રમુખપદની જવાબદારી લેવા તૈયાર ન હતા. અનુગામી એક દિવસમાં તૈયાર થતો નથી, તે સમય લે છે. અનુગામી શોધવા માટે અમારા હાથમાં આગામી ત્રણ વર્ષ છે. પાર્ટીમાં ઘણા અનુભવી લોકો છે. જિલ્લામાં કામ કરનારાઓને રાજ્યના રાજકારણમાં લાવવામાં આવશે અને જેઓ રાજ્યના રાજકારણમાં છે તેમને દેશના રાજકારણ માટે તૈયાર કરવામાં આવશે. મારું રાજીનામું રદ કરવામાં ભત્રીજાની અજિત પવારની સૌથી મોટી ભૂમિકા છે. કેટલાક લોકો કામ કરવામાં માનતા હોય છે. કામ કરવાનો આગ્રહ રાખનારાઓમાં અજિત પવાર પણ સામેલ છે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શરદ પવારે શુક્રવારે રાજીનામું આપ્યા પછી બીજા દિવસે પણ ટીવી ચેનલોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે હું ઘણા મહિનાઓથી રાજીનામું આપવા અંગે વિચારતો હતો. હવે નવી પેઢીને જવાબદારી આપવાની જરૂર છે, હું વિચારી રહ્યો હતો કે હું મારા રાજીનામા અંગે મારા સાથીદારો સાથે ચર્ચા કરીશ, પરંતુ મને ડર હતો કે તેઓ સંમત નહીં થાય, તેથી મેં તેમને મારો નિર્ણય જણાવ્યો નહીં. મારે તેની સાથે ચર્ચા કરવી જોઈતી હતી. પવારે કહ્યું હતું કે મને લાગતું હતું કે આખરે મારો નિર્ણય મારા પક્ષના લોકો સ્વીકારશે પણ એવું ન થયું, મારું અનુમાન ખોટું હતું. સોનિયા ગાંધીએ મારી સાથે ફોન પર વાત કરી હતી. આસામથી કેરળ સુધીના નેતૃત્વએ મને ફોન કર્યો અને મારો નિર્ણય બદલાવની માંગણી કરી હતી. આ રાજીનામું પાછું ખેંચ્યા પછી લોકલાગણીનો સહકાર વધારે મળી શકે છે. બીજી વાત એ કે પોતાના અનુગામી માટે બીજા ત્રણેક વર્ષનો સમય લે એમાં નવાઈ રહેશે નહીં.