મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામાની જાહેરાત કર્યા પછી રાજ્યના જ નહીં દેશના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. શરદ પવારે લીધેલા નિર્ણયમાં ફેર વિચારણા માટે બે ત્રણ દિવસનો સમય પણ માગ્યો હોવાના અહેવાલ વચ્ચે પણ પક્ષમાંથી અનેક નેતા રાજીનામાની જાહેરાત કરી ચૂક્યા છે. શરદ પવારે ૧૯૯૯માં એનસીપીની રચના કરી હતી. તેઓ છેલ્લા 24 વર્ષથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, પરંતુ હવે તેમણે અધવચ્ચે જ પદ છોડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી નાખ્યાં છે. જોકે શરદ પવારના રાજીનામા પર સસ્પેન્સ યથાવત છે.
હકીકતમાં, પાર્ટીના જ કેટલાક નેતાઓ હવે તેમના પર રાજીનામું પાછું ખેંચી લેવા અને પાર્ટીની કમાન પોતાની પાસે રાખવા માટે દબાણ કરી રહ્યા છે. આ સંજોગોમાં શરદ પવારે ફેર વિચારણા માટે બેથી ત્રણ દિવસનો સમય પણ માંગ્યો હતો.
આ મુદ્દે એક નેતાએ કહ્યું હતું કે NCP પ્રમુખ પદેથી શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ ભાવિ પ્રમુખને લઈને સસ્પેન્સ છે. જ્યારે એક તરફ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ શરદ પવારને પોતાનો નિર્ણય બદલવા અને અધ્યક્ષ રહેવાની અપીલ કરી રહ્યા છે. તો ત્યાં પક્ષના નેતા છગન ભુજબળે નવી ફોર્મ્યુલા આપી છે. તેમણે કહ્યું હતું કે અમે શરદ પવારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો તેઓ સંમત થશે તો તેઓ પ્રમુખ રહેશે. પરંતુ જો તેઓ સંમત નહીં થાય તો સમિતિ બેઠક યોજીને નવા પ્રમુખ નક્કી કરશે. જોકે, છગન ભુજબળે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે સુપ્રિયા સુળે રાષ્ટ્રીય અધ્યક્ષ બને અને દેશભરમાં પાર્ટીનું કામ જુએ. આ સાથે જ મહારાષ્ટ્રમાં NCPની કમાન અજિત પવારને મળી શકે છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં એનસીપીના કાર્યકરો અને સમર્થકો શરદ પવારના પ્રમુખ પદેથી રાજીનામું આપવાના નિર્ણયથી દુખી છે. તેઓ શરદ પવારને પોતાનો નિર્ણય બદલવાની અપીલ કરી રહ્યા છે, જ્યારે અમુક કાર્યકરો ધરણાં પર બેઠા છે. જોકે,શરદ પવારના રાજીનામાની જાહેરાતથી નારાજ પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ સહિત ઘણા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. જોકે જિતેન્દ્ર આવ્હાડે રાષ્ટ્રીય મહાસચિવના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, જ્યારે એનસીપીના નેતા અને વિધાનસભાના ચીફ વીપ અનિલ પાટીલે પણ રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી શરદ પવારે પ્રમુખપદ સંભાળવાની તેમણે માગણી કરી હતી. શરદ પવારે રાજીનામું આપતાં NCP નેતા જિતેન્દ્ર આવ્હાડ તો રડી પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે હવે અમે કોની પાસે જઈશું.?
સત્તામાં રહ્યા વિના પણ પવારનો પરિવાર ચર્ચામાં હોવાની વાતથી રાજકીય વિશ્લેષકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.