મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા નવા નાટકીય ઘટનાસક્રમો થઈ રહ્યા છે. બે દિવસ પહેલા એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું પાછું લઈને બધાને ચોંકાવી નાખ્યા હતા. શરદ પવારના નિર્ણયથી ભત્રીજા અજિત પવાર નારાજ હતા અને એટલે પ્રેસ કોન્ફરન્સમાંથી ગાયબ થઈ ગયા હતા. આ મુદ્દો જોરદાર ચર્ચામાં આવી ગયો હતો, પરંતુ આ મુદ્દે આજે અજિત પવારે આજે દિલ ખોલીને સ્પષ્ટતાઓ કરી હતી અને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું હતું. અજિત પવારે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ) આજે અને આવતીકાલે પણ એક જ રહેશે અને ભવિષ્યમાં એક રહેશે.
રાજીનામા મુદ્દે બારામતીમાં અજિત પવારે કહ્યું હતું કે આ મુદ્દે ફરી બોલવાનો કોઈ અર્થ નથી. શરદ પવારે આ મુદ્દે પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જે બોલવાનું હતું એ બધુ કહી ચૂક્યા છે, તેથી મારું સ્ટેન્ડ પણ એ જ છે, જે પવાર સાહેબનું હતું. આ મુદ્દે મેં ટવીટ કર્યું હતું અને પ્રેસ નોટ મારફત પણ મારું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે, તેથી હવે તમે તમારો ટાઈમ બરબાદ કરશો નહીં, જે બધું થયું છે એ બધું મીડિયા જાણે છે.
શરદ પવારની પ્રેસ કોન્ફરન્સમાં ગાયબ રહેવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ બેઠક પછી મુંબઈમાં શરદ પવારના નિર્દેશ મુજબ મારા વિભિન્ન કાર્ય અને અન્ય બેઠક માટે નીકળી ગયો હતો. પ્રેસ કોન્ફરન્સમાં અનેક નેતા હાજર હતા. મારા સિવાય તો અનેક નેતા હતા તો પછી તમે મારા પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ રાખો છો એ વાત મને સમજાતી નથી.
અજિત પવારે કહ્યું હતું કે શરદ પવાર જ અમારા સુપ્રીમો છે અને તેઓ જે નિવેદન આપે છે તેના અંગે કોઈ ટિપ્પણી કરતું નથી. તેઓ જે નિર્ણય લે છે એ જ અમારો નિર્ણય હોય છે. તેમણે મણિપુરની હિંસા વચ્ચે મહારાષ્ટ્રના વિદ્યાર્થી ફસાયેલા છે તેમને તાકીદે મહારાષ્ટ્ર લાવવાનો પણ સરકારને અનુરોધ કર્યો હતો.
રાજીનામા પછી ભત્રીજા અજિત પવારના સ્ટેન્ડને લઈને રાજ ઠાકરેએ તેમની ઝાટકણી કાઢી હતી, ત્યારે એનો જવાબ આપતા અજિત પવારે કહ્યું હતું કે રાજ ઠાકરે મિમિક્રી સિવાય બીજું શું કરી શકે? મિમિક્રી તેમનો જન્મસિદ્ધ અધિકાર છે, કારણ કે તેમને જનતાએ નકારી કાઢ્યા હતા. આ અગાઉ તેમને અનેક નેતા છોડી ચૂક્યા છે. જો તેમને મારું કેરિકેચર અથવા મિમિક્રી કરવાનું પસંદ આવે છે તો એમ કરો. તમને મારા તરફથી શુભેચ્છા છે, એમ તેમણે જણાવ્યું હતું.