Homeમેટિનીપવનપુત્ર ‘ત્રિપાઠી’ કી જય!

પવનપુત્ર ‘ત્રિપાઠી’ કી જય!

રામાયણ – મહાભારતની કથા અને એના પાત્રો પરથી અનેક હિન્દી ફિલ્મો બની છે જેમાં એસ. એન. ત્રિપાઠીએ રામ ભક્ત હનુમાનની ફિલ્મોમાં અભિનય, દિગ્દર્શન અને સંગીતકારનો અનોખો ‘ટ્રિપલ રોલ’ કર્યો હતો. ગઈ કાલે હનુમાન જયંતી હતી એ નિમિત્તે ખાસ લેખ

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) એસ. એન. ત્રિપાઠી અને તેમની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ ‘રામ હનુમાન યુદ્ધ’
હિન્દી ફિલ્મોમાં બોલપટનો દોર શરૂ થયા પછી વાડિયા બંધુમાંના નાના ભાઈ હોમી વાડિયા ‘હંટરવાલી’ (૧૯૩૫)થી સ્વતંત્ર દિગ્દર્શક બની ગયા હતા. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી અને હોમીભાઈએ તો જાણે સ્ટન્ટ ફિલ્મની ફેક્ટરી ખોલી હોય એમ એક પછી એક સ્ટન્ટ ફિલ્મ બનાવતા રહ્યા. કોઈકે એમને કહ્યું કે સ્ટન્ટ ફિલ્મો તો ઘણી બનાવી અને તમારો હાથ બેસી ગયો છે, પણ તમારે પૌરાણિક – માઈથોલોજિકલ ફિલ્મ પણ બનાવવી જોઈએ. વાત તો સાચી હતી અને મિસ્ટર વાડિયાએ પૌરાણિક કથા કે પાત્ર પરથી પટકથા તૈયાર કરી આપે એવી વ્યક્તિની શોધ શરૂ કરી. ૧૯૪૫માં રિલીઝ થયેલી હોમીભાઈની જ ‘બચપન’ના સંગીતકાર એસ. એન. ત્રિપાઠીને વાતની જાણ થઈ. દરમિયાનમાં કોઈએ મિસ્ટર વાડિયાને કહ્યું કે ‘કાખમાં છોકરું છે ને ગામમાં ઢંઢેરો કેમ પીટો છો? ત્રિપાઠીજી જ્ઞાની છે. એમને જ પકડો ને.’ તરસ્યો અને કૂવો ભેગા થઈ ગયા અને શ્રી નાથ ત્રિપાઠીએ પૌરાણિક ફિલ્મ બનાવવાનો આઈડિયા શ્રી વાડિયાને આપ્યો અને તેમની રજૂઆત ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી ગઈ. પુરાણનું સારું જ્ઞાન ધરાવતા ત્રિપાઠીજીને પટકથા અને સંવાદ લખવાની જવાબદારી સોંપવામાં આવી અને હોમી વાડિયાની પહેલી પૌરાણિક ફિલ્મ ‘રામ ભક્ત હનુમાન’ (૧૯૪૮)નો પાયો નખાયો. અલબત્ત ફિલ્મના ટાઈટલમાં વાલ્મીકિ રામાયણ પર આધારિત આ ફિલ્મની કથા શ્રીરામ વશીકરની હોવાનો છે. પટકથા લેખક તરીકે ટાઈટલમાં ક્રેડિટ નથી આપવામાં આવી. કદાચ એ સમયે રિવાજ નહીં હોય અથવા તેમણે માર્ગદર્શક તરીકે કામ કર્યું હોય એમ પણ હોય. ‘બચપન’ના સંગીતથી વાકેફ શ્રી વાડિયાએ ફિલ્મના સંગીતકાર તરીકે જવાબદારી પણ ત્રિપાઠીને જ સોંપી. તેમણે ગીતો સ્વરબદ્ધ કર્યા જ (રફી સાહેબે ગાયેલું ‘ઓ જગ કે બસાનેવાલે’ ખાસ્સું લોકપ્રિય થયું હતું) પણ સાથે બે ગીત ગાઈને ગાયકનો રોલ પણ ભજવ્યો. ત્રિપાઠી અભિનય પણ કરતા હતા અને એટલે હનુમાન દાદાનો રોલ કરવા માટે તેમને જ જણાવવામાં આવ્યું. આમ એક જ ફિલ્મમાં એસ. એન. ત્રિપાઠીએ લેખક-ગાયક ને સંગીતકાર-હીરોનો એમ ‘ટ્રિપલ રોલ’ ભજવ્યો. કલમ, કડછી અને બરછીની યાદ અપાવી ત્રિપાઠીજીએ કલમ, વાજિંત્ર અને અભિનય એમ ત્રણ વિભાગમાં યોગદાન આપ્યું. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ અને શ્રી નાથ ત્રિપાઠી અને વાડિયાના ફિલ્મ મિલાપના દસકાની શરૂઆત થઈ. જાણવા જેવી મજેદાર વાત એ છે કે ૧૯૪૮માં જ રામચંદ્ર ઠાકુર દિગ્દર્શિત ‘જય હનુમાન’માં પણ ત્રિપાઠીએ અભિનય કર્યો હતો પણ એ ફિલ્મમાં તેઓ રાવણના રોલમાં હતા. આમ એક ફિલ્મમાં લંકા બળી એનું દુ:ખ અનુભવ્યું તો બીજીમાં લંકા બાળી આનંદ અનુભવ્યો. બોલપટના યુગમાં આ બન્ને ચિત્રપટ હનુમાન ફિલ્મના પ્રહરી માનવામાં આવે છે. એસ. એન. ત્રિપાઠી ઉપર જણાવેલી હોમી વાડિયાની ફિલ્મ ઉપરાંત ‘રામ હનુમાન યુદ્ધ’ (અભિનય-સંગીત), ‘હનુમાન પાતાળ વિજય’ (અભિનય-સંગીતકાર), ‘પવનપુત્ર હનુમાન’ (અભિનય), ‘શ્રી રામ હનુમાન યુદ્ધ’ (દિગ્દર્શક-અભિનેતા-સંગીતકાર)
વગેરે હનુમાન ફિલ્મોમાં વિવિધ જવાબદારીમાં સંકળાયા હતા.
અહીં એવો સવાલ થવો સ્વાભાવિક છે કે શ્રી હનુમાનની એક જ જીવનકથા આપણે જાણીએ છીએ. રૂપેરી પડદા પર વારાફરતી રજૂ કરી શકાય એવા અઢળક પ્રસંગ એમના કાળમાં નથી બન્યા. એટલે ફિલ્મમેકર માટે કથા એ કાયમ પડકાર બની ઊભી રહેતી હશે. જોકે, નામ પરથી ફિલ્મમેકરોએ કથામાં વૈવિધ્ય રાખવાની કોશિશ જરૂર કરી હોવાનું નજરે પડે છે. એ જરૂરી પણ છે, કારણ કે લક્ષ્મણ માટે સંજીવની જડીબુટ્ટી લાવવી કે પછી લંકાદહન કરવું વગેરે તમે વારંવાર ફિલ્માવો તો એ કંટાળાજનક સાબિત થઈ શકે. એ સંદર્ભમાં ‘રામ હનુમાન યુદ્ધ’ ફિલ્મ અલગ તરી આવે છે જેની કથા વિશે બહુ ઓછા લોકોને જાણકારી હશે. કેટલીક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે સમ્રાટ યયાતિના સમયકાળમાં શ્રી રામ અને ભક્ત હનુમાન વચ્ચે ‘યુદ્ધ’ થયું હતું. કથા અનુસાર ગુરુ વિશ્ર્વામિત્રએ શ્રી રામને યયાતિને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો. આ સંકટની ઘડીએ ચતુરાઈ વાપરી યયાતિ હનુમાનજીના શરણે ગયા. અંજની માતાના આદેશથી હનુમાને યયાતિની રક્ષા કરવાનું વચન આપ્યું. રામે ગુરુના આદેશનું પાલન કરવાનું હતું અને હનુમાન રક્ષા કરવા વચનબદ્ધ હતા. હવે આરાધ્ય દેવ રામ પર હનુમાન અ કે શ ઉઠાવે એ અસંભવ હતું. એટલે હનુમાનજીએ શ્રી રામના નામના જાપ શરૂ કરી દીધા અને રામનું એક પણ બાણ હનુમાનનો વાળ પણ વાંકો ન કરી શક્યું. હનુમાનની ભક્તિ જોઈ વિશ્ર્વામિત્ર દંગ રહી
ગયા અને શ્રી રામને યુદ્ધ રોકવાનો આદેશ આપી યયાતિને જીવતદાન આપ્યું અને ભક્ત-ભગવાન પણ હેમખેમ રહ્યા.
બજરંગબલિની ગુજરાતી ફિલ્મો પણ બની છે જેમાં ‘જય હનુમાન’, ‘જય કષ્ટભંજન હનુમાન’, ‘બજરંગ લીલા’, ‘હનુમાનદાદાનો પરચો’, ‘હનુમાન અને જાદુઈ નગરી’ વગેરેનો સમાવેશ થાય છે.
—————
હનુમાન ચિત્રપટમાં મુખ્ય પ્રવાહના કલાકાર
હનુમાનદાદાનું નામ પડે એટલે તરત સીને રસિકોની આંખો સામે દારાસિંહ તરવરી ઊઠે. અલબત્ત એનું મુખ્ય કારણ રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલને મળેલી અફાટ લોકપ્રિયતા છે. આ સિરિયલમાં દારાસિંહે હનુમાનની ભૂમિકા કરી હતી. મુખ્ય પ્રવાહના અન્ય કલાકારની વાત કરીએ તો દુર્ગા ખોટે, મીના કુમારી, મૌસમી ચેટરજી, નિરુપા રોય, વિશ્ર્વજીત વગેરેએ દાદાની ફિલ્મમાં વિવિધ પાત્ર ભજવ્યા હતા. મૂંગી ફિલ્મોના સમયમાં પૌરાણિક ફિલ્મ ઘણી બનતી જેના વિશે તમે ‘મુંબઈ સમાચાર’માં વાંચી ગયા છો. ફિલ્મ ઈતિહાસના પ્રકરણોમાં હનુમાનની મૂક ફિલ્મ તરીકે દાદાસાહેબ ફાળકેની ‘લંકા દહન’ (૧૯૧૭ અને ૧૯૩૦), તેમ જ ‘હનુમાન જન્મ’ (૧૯૨૭) એવો ઉલ્લેખ છે. મૂકપટમાં રામાયણ-મહાભારત તેમ જ ‘શ્રી રામ-શ્રી કૃષ્ણ’ અને ‘ભક્ત પ્રહલાદ’ કે ‘ભક્ત સુદામા’ જેવી ફિલ્મો બનતી હતી, પણ હનુમાનને પ્રાધાન્ય નહોતું. રામ કે રામાયણની ફિલ્મમાં તેમની હાજરી રહેતી, પણ ‘સોલો હીરો’ બનવાનું સૌભાગ્ય ઓછું સાંપડ્યું. આધારભૂત માહિતી અનુસાર ૧૯૪૮ની ‘રામભક્ત હનુમાન’ અને ‘જય હનુમાન’ પછી દસેક ચિત્રપટ દાદાને કેન્દ્રમાં રાખી બન્યા છે. ‘હનુમાન પાતાળ વિજય’ (૧૯૫૧), ‘બજરંગબલી’ (૧૯૫૬), ‘રામ હનુમાન યુદ્ધ’ (૧૯૫૭), ‘પવનપુત્ર હનુમાન’ (૧૯૫૭), ‘હનુમાન પાતાળ વિજયમ’ (૧૯૬૦), ‘હનુમાન ચાલીસા’ (૧૯૬૯), ‘હનુમાન વિજય’ (૧૯૭૪), ‘શ્રી રામ હનુમાન યુદ્ધ’ (૧૯૭૫) અને ‘બજરંગબલી’ (૧૯૭૬) વગેરે ફિલ્મો તૈયાર થઈ હોવાની ખાતરીલાયક જાણકારી મળે છે. હિન્દી ફિલ્મોમાં ટ્રીક ફોટોગ્રાફીમાં માહેર ગણાતા બાબુભાઈ મિીએ હનુમાન દાદાની ત્રણ હિન્દી અને એક તમિળ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ઉપરાંત બાળકોને મનોરંજન અને પુરાણની થોડી જાણકારી મળે એ હેતુથી હનુમાનદાદાની એનિમેશન ફિલ્મો પણ બની છે. ૨૦૦૫માં ‘હનુમાન’ નામની પહેલી એનિમેટેડ ફિલ્મ બની હતી. ત્યારબાદ ‘હનુમાન રિટર્ન્સ’, ‘હનુમાન દા દમદાર’, ‘હનુમાન વર્સેસ મહાનિર્વાણ’ નોંધપાત્ર ફિલ્મો છે. નાના પડદા પર યાને કે ટેલિવિઝન પર પણ ‘હનુમાન’, ‘સંકટમોચન મહાબલી હનુમાન’, ‘જય હનુમાન’ ઇત્યાદિ ઇત્યાદિએ પણ જ્ઞાન સાથે ગમ્મત કરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -