વડોદરા નજીક આવેલા પાવાગઢ જવાનો વિચાર કરતા હોવ અને રોપ-વેમાં જવાની ઈચ્છા હોય તો પાંચ દિવસ થોભો. આજથી ચોથી માર્ચ સુધી રોપ-વે બંધ છે. યાત્રાધામ પાવાગઢમાં માતાજીના દર્શનાર્થે જતા ભક્તો માટે રોપ-વેની સુવિધા ચાલી રહી છે. દર વર્ષે રોપ-વેમાં મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ 27 ફેબ્રુઆરીથી રોપ-વેના મેઇન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સુવિધાની સર્વિસ આપતી કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે એટલે કે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી એન્યુઅલ મેન્ટેનન્સની કામગીરીના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. 6 દિવસ સુધી મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપ વેની સુવિધા બંધ કરાતા ઓનલાઈન વેબસાઈટ પર પણ નોટિસ આપવામાં આવી છે.
મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 5 માર્ચથી રોપ વે સેવા રાબેતા મુજબ ચાલુ થશે. જોકે થોડા દિવસો પહેલા પણ રોપ-વે સેવાને સુસવાટાભર્યા પવનના કારણે બે દિવસ સુધી બંધ રાખી હતી.નોંધનીય છેકે પ્રવાસીઓની સુવિધા માટે પાવગઢ ડુંગર પર આવેલા માતાજીના મંદિર સુધી પહોંચવા ઉડન ખટોલાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પાવાગઢ મંદિરમાં ધજાજી ફરકાવ્યા બાદ અહીં શ્રધ્ધાળુઓ ઘણી મોટી સંખ્યામાં આવે છે.