પાવાગઢમાં આજે બપોરે ગંભીર દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન વિશ્રામસ્થળનું માળખું તૂટી પડતા દર્શન કરવા આવેલા નવ યાત્રિકો કોંક્રીટના સ્લેબ નીચે દબાયા હતા. જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે, અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.
પાવાગઢ પર આવેલા મહાકાળી મંદિરના પરિસરનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે. માચી ગામ ખાતે શ્રદ્ધાળુઓને આરામ કરવા કોંક્રીટનો સ્લેબ ગોઠવી કલાત્મક વિશ્રામસ્થળ બનાવવામાં આવી રહ્યો હતો. બપોરે પાવાગઢમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદથી બચવા કેટલાક યાત્રિકો નિર્માણાધીન વિશ્રામસ્થળ નીચે આસરો લેવા ઊભા હતા. એ સમયે અચાનક માળખું તૂટી પડ્યું હતું. જેને કારણે 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જયારે એક મહિલાનું મોત નીપજ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ લોકોને વડોદરા રિફર કરાયા છે.
દુર્ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અન્ય યાત્રિકોએ ભારેખમ સ્લેબ અને પથ્થરો ખસેડીને ફસાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.