નવા વર્ષની શરૂઆત હિન્દી સિનેમા માટે ધમાકેદાર રહી છે. કિંગખાન શાહરૂખ ખાનની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને બોલિવૂડની આશામાં નવા પ્રાણ પૂર્યા છે. પઠાને પહેલા એક્સટેન્ડેડ વીકેન્ડ પર રેકોર્ડ બ્રેક કમાણી કરીને બધા ચોંકાવી દીધા છે.
ગત બુધવાર 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલ પઠાનને 5 દિવસનો એક્સટેન્ડેડ વીકએન્ડ મળ્યો હતો. જેનો ફાયદો ફિલ્મને બોક્ષ ઓફીસ પર મળ્યો છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, પઠાને રિલીઝના 5માં દિવસે રવિવારે 65 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી છે. પઠાન પહેલા કોઈ હિન્દી ફિલ્મ વીકેન્ડ પર આટલું કલેક્શન કરી શકી નથી. કમાણીના આંકડાને કારણે શાહરૂખ ખાનની ફિલ્મે ઈતિહાસ રચ્યો છે.
‘પઠાણ’એ શરૂઆતના દિવસે 55 કરોડ, બીજા દિવસે 68 કરોડ, ત્રીજા દિવસે 38 કરોડ, ચોથા દિવસે 51.50 કરોડ અને પાંચમાં દિવસે 65 કરોડનો બિઝનેસ કરીને ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ સાથે જ શાહરૂખ ખાનની ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 5 દિવસમાં જ 277 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આજ સુધી કોઈ પણ હિન્દી ફિલ્મ તેની રિલીઝના પ્રથમ 5 દિવસમાં આટલું મોટું કલેક્શન કરી શકી નથી.