રેલવેમાં લાંબા અંતરની મુસાફરી કરતા એસી કોચના પ્રવાસીઓને ધાબળા, ઓશિકા, નેપકીન વગેરેની સગવડ આપવામાં આવે છે. જોકે, મુસાફરોની હંમેશા એવી ફરિયાદ હોય છે કે તેમને આપવામાં આવેલા ધાબળા, નેપ્કીન, ઓશિકા વગેરે ગંદા છે. તેને ધોયા વગર જ આપવામાં આવ્યા છે. આ અંગે ઘણી વાર ફરિયાદ પણ કરવામાં આવે છે. ઘણા મુસાફરો ફરિયાદ કરે છે કે ધાબળામાંથી દુર્ગંધ આવે છે. કેટલાક ફરિયાદ કરે છે કે આખો પથારીનો રોલ ધોયો નથી. પણ રેલવેનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે કે ચોખ્ખા અને ધોયેલા ધાબળા, ઓશિકા, નેપકીન જ આપવામાં આવ્યા છે. હવે લોકોની આ પરેશાનીનો અંત આવે એવી શક્યતા છે, કારણ કે રેલવે પણ લોકોની આ પ્રકારની સતત ફરિયાદોથી પરેશાન છે. હવે રેલવેએ છેલ્લી વખત ક્યારે ધાબળા, ઓશિકા અને ટુવાલ ધોયા હતા. આ અંગે મુસાફરોને જાણ કરવાનો નિર્ણય લીધો છે.
રેલવેએ એક QR કોડની વ્યવસ્થા કરી છે, જેને સ્કેન કરીને મુસાફરો જાણી શકશે કે બેડરોલ ગંદો છે કે સ્વચ્છ. આ સાથે, મુસાફરે એ પણ જાણી શકશે કે ચાદર, ધાબળો વગેરે છેલ્લી વખત ક્યારે ધોવાયા હતા. QR સ્કેન કરીને, રેલ્વે મુસાફરો જાણી શકે છે કે બેડરોલ ક્યારે પેક કરવામાં આવ્યો છે અને તેના પર સ્વચ્છતા સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. ઘણી ટ્રેનોમાં રેલવે દ્વારા આપવામાં આવતા બેડરોલના પેકેટ પર QR કોડ શરૂ કરવામાં આવ્યા છે. માહિતી મેળવ્યા બાદ અને તે ગંદો જણાશે તો પછી મુસાફરો બેડરોલ પણ બદલી શકશે. આ માટે કોચ એટેન્ડન્ટની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રેલવેએ હાલમાં કેટલાક પસંદગીના સ્ટેશનો પર આ સુવિધા શરૂ કરી છે. પૂર્વ મધ્ય રેલવેના ગયા જંક્શન સહિત અન્ય ઘણા સ્ટેશનો આમાં સામેલ છે.