ટ્રેનમાં અચાનક લોખંડનો સળિયો ઘૂસી આવતા પ્રવાસીનું કરુણ મોત
અલગીઢઃ ભારતીય રેલવેમાં દિવસે દિવસે વિચિત્ર અકસ્માતના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં શુક્રવારે દિલ્હીથી કાનપુર જતી નિલાંચલ એક્સપ્રેસમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માટે કહેવાય છે કે અચાનક એક લોખંડનો સળિયો ટ્રેનના જનરલ કોચની વિન્ડોમાં ઘૂસીને સીધા પ્રવાસીના શરીરમાં ઘૂસી જવાથી પ્રવાસીનું કરુણ મૃત્યુ થયું હતું, પરંતુ અન્ય પ્રવાસી બચી ગયા હોવાનું જણાવાયું હતું.
આ મુદ્દે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે નીલાંચલ એક્સપ્રેસ સોમના સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે એક પ્રવાસી તેનો ભોગ બન્યો હતો તથા એ સળિયાની ઝડપ એટલી બધી હતી કે ગણતરીની સેકન્ડમાં તેની ડોકમાં ઘૂસીને સીધી શરીરની આરપાર થઈ ગયો હતો અને એ જ વખતે પ્રવાસીનું મોત થયું હતું. પ્રવાસીની ઓળખ હરિકેશ દૂબે તરીકે કરવામાં આવી છે તથા જનરલ કોચની પંદર નંબરની સીટ પર બેસીને મુસાફરી કરતા આ અકસ્માતનો ભોગ બન્યો હતો. જોકે, કોચમાં બેસેલા અન્ય પ્રવાસી બચી ગયા હતા, પરંતુ આ અકસ્માતને કારણે આખા કોચમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લાના રહેવાસી હરિકેશ દુબે નામનો પ્રવાસી નીલાંચલ એક્સપ્રેસ (નંબર 12786)ના જનરલ કોચ (પંદર નંબર)માં શુક્રવારે મુસાફરી કરી રહ્યો હતો. સવારના 8.45 વાગ્યાના સુમારે પ્રયાગરાજ નજીક દાંવર-સોમનાની વચ્ચે લોખંડનો એક સળિયો બારીનો કાચ તોડીને ટ્રેનમાં બેઠેલા દૂબેની ડોકમાં ઘૂસી ગયો હતો અને એના શરીરમાં આરપાર થઈ જવાથી ત્યાં જ તેનું મોત થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થયા પછી રેલવે પોલીસ ફોર્સ, જીઆરપી સહિત રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહ અલીગઢ રેલવે સ્ટેશન ખાતે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ નજીક વિવિધ બાંધકામનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે ત્યાંથી કદાચ લોખંડનો સળિયો ટ્રેનમાં ઘૂસ્યો હોવો જોઈએ. આ અકસ્માત પછી ટ્રેનને અલીગઢ જંક્શન ખાતે 9.23 વાગ્યાના સુમારે રોકી દેવામાં આવી હતી, જ્યારે આરપીએફ અને જીઆરપીના ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ સંબંધિત ગુનેગાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું.