નાગપુરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. જોકે, આ ઘટનામાં મુસાફરનો જીવ બચી ગયો હતો અને હવે તે એકદમ સ્વસ્થ છે. એર ઈન્ડિયાએ આ મામલે નિવેદન જાહેર કર્યું છે.
નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. ત્યારબાદ પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને વિમાનના લેન્ડીંગ સાથે જ મહિલા પેસેન્જેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
એર ઇન્ડિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લેન્ડિંગ બાદ તુરંત જ ડોકટરે એરપોર્ટ પર જ પેસેન્જરની તપાસ કરી હતી. બાદમાં પસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કર્યા બાદ રજા આપવામાં આવી હતી. ફ્લાઇટથી હોસ્પિટલ સુધી એર ઇન્ડિયાના અધિકારીઓ સતત પેસેન્જરની સાથે હતા અને ડિસ્ચાર્જ સુધી તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી.”
એર ઈન્ડિયાએ જણાવ્યું કે આ ઘટના બાદ એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ ટીમે વિમાનનું નિરીક્ષણ કર્યું. ટીમે તમામ પ્રોટોકોલને અનુસરીને વિમાનની તલાસી લીધી હતી અને વીંછીને બહાર કાઢ્યો હતો. આ પછી પ્લેનની સફાઈ કરવામાં આવી હતી. એરલાઈને આ ઘટના માટે પેસેન્જરની માફી પણ માંગી છે.