તમિલનાડુમાં હાલમાં ભારે વરસાદને કારણે આફતની પરિસ્થિતિ નિર્માણ થઇ છે. અવિરત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે . રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. વાહનોની અવરજવર પણ મુશ્કેલ છે. ઓફિસ અને કોલેજ માટે ઘરેથી નીકળતા લોકોને કલાકો સુધી ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. તમિલનાડુમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાદ પડી રહ્યો છે . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસો સુધી વરસાદી માહોલ આ રીતે ચાલુ રહેવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજધાની ચેન્નાઈમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદ વચ્ચે થેની, ડિંડીગુલ, મદુરાઈ, શિવગંગાઈ અને રામનાથપુરમ જિલ્લાઓ માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણના વિસ્તારના પ્રભાવ હેઠળ ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં અને પડોશી જિલ્લા કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપેટમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. IMDએ અગાઉ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં બનેલો દબાણનો વિસ્તાર શનિવાર સુધીમાં તમિલનાડુ અને પુડુચેરીના કિનારા તરફ વધુ તીવ્ર બનશે. તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.