સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત જ હોબાળા સાથે થઇ છે. કોંગ્રેસ ઉદ્યોગપતિ ગૌતમ અડાની સામે તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગ કરી રહી છે તો બીજી તરફ ભાજપ રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં આપેલા ભાષણ અંગે માફી માંગવા ગૃહમાં સતત હોબાળો કરી રહી છે. હોબાળાને કારણે ગઈ કાલે શુક્રવારે પાંચમા દિવસે પણ સંસદની કાર્યવાહી ચાલી શકી ન હતી. લોકસભા અને રાજ્યસભાને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. દેશની જનતા પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટેલા ચૂંટેલા સાંસદ સભ્યોનો આવો વર્તાવ સાંસદની ગરિમા અને લોકશાહીના અપમાન સમાન છે
બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચે શરૂ થયો હતો, પરંતુ હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી એક દિવસ પણ પુરી થઈ શકી ન હતી. સંસદના આ તબક્કામાં 35 બિલ પેન્ડિંગ છે. પક્ષ-વિપક્ષના હોબાળામાં પ્રજાના રૂ.50 કરોડનો ધુમાડો થઇ ગયો છે.
13 માર્ચથી 17 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર 42 મિનિટ જ ચાલી શકી છે. લોકસભા ટીવીના ડેટા અનુસાર 13 માર્ચે 9 મિનિટ, 14 માર્ચે 4 મિનિટ, 15 માર્ચે 4 મિનિટ, 16 માર્ચે 3.30 મિનિટ અને 17 માર્ચે માત્ર 22 મિનિટ માટે જ ગૃહની કાર્યવાહી ચાલી હતી. આ દરમિયાન ન તો ગૃહમાં કોઈ બિલ પર ચર્ચા થઈ શકી ન તો પ્રશ્નકાળ અને શૂન્યકાળનું કામ થયું.
એક રીતે છેલ્લા 5 દિવસમાં રાજ્યસભાની કાર્યવાહી 55 મિનિટ જ ચાલી હતી. દૈનિક ધોરણે કાર્યવાહી સરેરાશ 11 મિનિટ ચાલી હતી. 13 માર્ચે સંસદની કાર્યવાહી મહત્તમ 21 મિનિટ સુધી ચાલી હતી. પીયૂષ ગોયલે રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી, ત્યાર બાદ ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો જે જોતા સભાપતિએ કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
સંસદની કાર્યવાહી સામાન્ય રીતે અઠવાડિયામાં 5 દિવસ દરરોજ 7 કલાક ચલાવવાનો નિયમ છે. 2018માં સંસદની કાર્યવાહીના ખર્ચને લઈને એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર સંસદમાં એક કલાકનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે. દૈનિક ધોરણે આ ખર્ચ રૂ. 10 કરોડથી વધુ થાય છે. જો કે, હવે આ રિપોર્ટને 5 વર્ષ થઈ ગયા છે અને 2018ની સરખામણીએ મોંઘવારી પણ વધી છે.
વર્ષ 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે સત્તાધારી પક્ષોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હોય. 2008માં સરકારમાં સામેલ ડાબેરી પક્ષોએ અમેરિકા સાથેના પરમાણુ કરારને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં સરકારે ગૃહમાં વિશ્વાસ મત મેળવવો પડ્યો હતો. સપાએ તે સમયે મનમોહન સિંહ સરકારને બહારથી સમર્થન આપીને સરકાર બચાવી હતી.
બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થયો હતો અને 6 એપ્રિલ સુધી ચાલશે. જો કે, છેલ્લા 8 સત્ર સમય પહેલા સમાપ્ત કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ સત્ર પણ સમય પહેલા સમાપ્ત કરવામાં આવશે. બજેટ સત્રના આ તબક્કામાં 35 બિલ પેન્ડિંગ છે, જેને સરકારે પાસ કરવાનું કહ્યું છે. રાજ્યસભામાં 26 બિલ અને લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે. અહેવાલોના દાવા પ્રમાણે આ સત્રમાં સરકાર લોકસભામાં ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરી શકે છે.
ભાજપ રાહુલ ગાંધીને સંસદમાં બોલવા નથી દઈ રહી. શુક્રવારે કોંગ્રેસના સાંસદો ‘રાહુલજી કો બોલને દો’ના નારા લગાવતા વેલમાં આવી ગયા હતા, ત્યારબાદ ભાજપના સાંસદોએ પણ ‘રાહુલ શરમ-શરમ કરો’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. ગૃહમાં હંગામાને જોતા લોકસભા સ્પીકરે ગૃહની કાર્યવાહી મ્યુટ કરી દીધી હતી. અધ્યક્ષે તમામ સભ્યોને ગૃહને ચાલવા દેવાની અપીલ કરી હતી. હોબાળો ચાલુ રહેતા ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસે શાસક પક્ષના સાંસદો દ્વારા કરવામાં આવેલા હોબાળાને લઈને નિશાન સાધ્યું છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને લખ્યું છે કે છેલ્લા 5 દિવસથી સત્તાધારી પક્ષના લોકો સંસદનું કામકાજ ચાલવા દેતા નથી. સરકાર બંને ગૃહોને ડાર્ક ચેમ્બરમાં ફેરવવાના મિશન પર છે.