Homeધર્મતેજપરશુરામજી આપ ભગવાન શ્રીહરિ વિષ્ણુના છઠ્ઠા અવતાર છો, તમને દંડ કઈ રીતે...

પરશુરામજી આપ ભગવાન શ્રીહરિ વિષ્ણુના છઠ્ઠા અવતાર છો, તમને દંડ કઈ રીતે આપી શકાય?

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: રાજા બલિને મળવા તેમના મહેલ પર મહારાજા સોમાલી આવે છે. રાજા બલિ તેમનું સ્વાગત કરી આસન ગ્રહણ કરવા કહે છે. સોમાલી કહે છે, ‘મહારાજ બલિ આસન ગ્રહણ કરવાનો સમય બચ્યો નથી કે જ્યારે અસુરોના અસ્તિત્વ પર સવાલ ઊભો થયો છે. સમુદ્રમંથનમાં આપણી સાથે થયેલા અન્યાયના આ પરિણામ છે. શું આપણે આપણો વિનાશ જોતા રહેવો.’ રાજા બલિ તેમને સમજાવતા કહે છે, ‘હવે સમય આવી ગયો છે કે અસુર અને દેવો એક સાથે આગળ આવી આ યજ્ઞને સંપૂર્ણ કરે.’ તો સોમાલી કહે છે, ‘મહારાજ, તમારા આ આચરણથી અસુરોની પ્રતિષ્ઠાને ખૂબ હાનિ પહોંચશે.’ આવા સવાલથી ક્રોધિત રાજા બલિ કહે છે, ‘સોમાલી તમે યજ્ઞમાં સામેલ નહીં થાવ તો ચાલશે, પણ યજ્ઞમાં કોઈ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશો તો એ મને સ્વીકાર્ય નહીં હોય.’ તેના જવાબમાં સોમાલી કહે છે, ‘મહારાજ, આવા યજ્ઞના માધ્યમથી હું મારી કાયરતા દર્શાવી નહીં શકું.’ આટલું કહી સોમાલી ત્યાંથી વિદાય લે છે. દેવગણો, સપ્તર્ષિઓ અને અસુરોને યજ્ઞમાં સામેલ થવાનું રાજા બલિ આમંત્રણ પાઠવે છે. યોગ્ય દિવસે દેવગણો, સપ્તર્ષિઓ અને અસુરો ઉપસ્થિત થાય છે. પણ તેજ સમયે ઉપસ્થિતોની વચ્ચે સોમાલી કહે છે, ‘આ યજ્ઞમાં પ્રથમ આહુતિ કોને આપવી.’ તેના જવાબમાં એક સાધુ કહે છે, ‘ભગવાન વિષ્ણુ સંસારના લોકોના પાલક છે તેઓ જ પ્રથમ આહુતિ મેળવવાને અધિકારી છે.’ તો બીજો સાધુ કહે છે, ‘નહીં નહીં, અહીં પ્રથમ આહુતી દેવી શક્તિને આપવી જોઈએ.’ તો ઋષિ દધિચી કહે છે, ‘દેવોના દેવ તો મહાદેવ છે પ્રથમ આહુતિ તેમને જ આપવી જોઈએ.’
ત્યાં ઉપસ્થિતિ લોકોમાં નિશ્ર્ચિત ન થતાં રાજા બલિ કહે છે: ‘આનો ઉકેલ ફક્ત સૃષ્ટિ રચયિતા બ્રહ્માજી પાસે જ હોઈ શકે, ચાલો બ્રહ્માજીને મળીએ.’ સમગ્ર અસુરો અને દેવગણો બ્રહ્માજી પાસે પહોંચે છે. બ્રહ્માજી કહે છે ‘દરેક દેવી-દેવતા વંદનીય છે. તમારા ઇષ્ટની તુલનામાં બીજાના ઇષ્ટ ને નાના સમજવાં એ આપણી ભૂલ છે. આ રીતે નિવેડો આવવો અશક્ય છે, આ સમસ્યાનો હલ ફક્ત મહાદેવ જ આપી શકે.’
સમગ્ર અસુરો અને દેવગણો મહાદેવ પાસે પહોંચે છે. મહાદેવના પ્રિય ઋષિ દધીચિ કહે છે, ‘મહાદેવનો જય હો. મહાદેવ તમે તો સર્વજ્ઞ છો. તમને અમારી સમસ્યા ખબર જ હશે. અમારી સમસ્યાનું સમાધાન બતાવો.’ તેજ વખતે વચ્ચે પડતાં દેવરાજ ઈન્દ્ર કહે છે, ‘પ્રભુ હું ઇચ્છું છું કે પ્રથમ પૂજય આપ જ બનો, પણ તમને સમ્માનનો મોહ અને અપમાનનો ભય પણ નથી. તમે જ આ લોકોને કહો કે પ્રથમ પૂજય માટે મારો સ્વીકાર કરી લે.’ આટલું સાંભળતાં ભગવાન શિવ કહે છે, ‘દેવરાજ તમે ધૃષ્ટતાની સીમા ન તોડો, જો દેવતાઓમાં જ મોટા અને નાનાનો ભેદ હોય તો સમસ્ત સંસારનો ભ્રમ કેવી રીતે તોડશો. મારી દૃષ્ટિમાં કોઈ મોટું અને કોઈ નાનું નથી. દરેકની યોગ્યતા એક સમાન હોય છે. સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે કર્મ. જાઓ, તમારે દરેકે પોતાના કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે જ્યારે આ મૂળ જ્ઞાનને સમજશો ત્યારે તમને તમારી સમસ્યાનું સમાધાન મળશે.’
ભગવાન શિવ: ‘કુમાર કાર્તિકેય, ગણેશ હું તપ કરવા ઇચ્છું છું, તમે જુઓ કે કોઈપણ મારા તપનું ભંગ ન કરે.’
સમસ્ત દેવગણ, ઋષિગણ અને અસુરગણ ફરી પાછા બ્રહ્માજી પાસે પહોંચે છે. બ્રહ્માજી તેમને ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે લઈ જાય છે. શ્રી હરિ વિષ્ણુ તેમને સમજાવતા કહે છે, ‘મહાદેવના ધ્યાનમાં જ આપણને સમાધાન મળશે, દરેકના માન્ય દેવ સામે આવશે પણ આપણે થોડી પ્રતીક્ષા કરવી પડશે.
***
પિતા ભગવાન શિવની આજ્ઞા મળતાં જ કુમાર કાર્તિકેય અને ગણેશ માનસરોવર પાસે દ્વારપાલ બની ઉભા રહે છે.
થોડા જ સમય બાદ પરશુરામ ત્યાં પધારે છે.
ગણેશ: ‘થોભો ઋષિવર, અહીંથી આગળ જવાની પરવાનગી હમણાં કોઈને નથી.’
પણ ભગવાન ગણેશની વિનંતીને અવગણી પરશુરામ આગળ વધે છે. તેમને અટકાવવા ભગવાન ગણેશ તેમનો હાથ પકડે છે.
પરશુરામ: ‘કોણ છે તું અજ્ઞાની બાળક, મને સ્પર્શ કેમ કર્યો, તને ખબર છે હું કોણ છું, ખબર હોત તો આવું દુ:સાહસ ન કરત, આ મારું અપમાન છે.’
કુમાર કાર્તિકેય: ‘ઋષિવર, શાંત થાઓ, આ મારો નાનો ભાઈ ગણેશ છે, તેની ઇચ્છા તમારું અપમાન કરવાની કે તમને અપવિત્ર કરવાની નથી.’
પરશુરામ: ‘એના સ્પર્શથી અપવિત્ર થયા બાદ મારે માનસરોવરમાં સ્નાન કરવું પડશે, એને સમજાવી દો કે મારા માર્ગમાં ન આવે.’
એટલું કહી પરશુરામ માનસરોવરમાં સ્નાન કરવા ગયા.
ગણેશ: ‘ભાઈ કાર્તિકેય આ ઋષિવર કોણ છે.’
કુમાર કાર્તિકેય: ‘આ પરશુરામજી છે, તેઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુના છઠા અવતાર છે. તેમની માતા રેણુકા અને પિતા ઋષિ જમદગ્નિએ તેમનું નામ રામ રાખ્યું હતું. પરશુરામજી આપણા પિતા ભગવાન શિવના પ્રખર શિષ્ય બની તેમની પાસેથી યુદ્ધ વિદ્યા પ્રાપ્ત કરી. યુદ્ધ વિદ્યાના પ્રશિક્ષણ દરમિયાન તેમણે નંદી સહિત દરેક શિવગણને હાર આપી. પરશુરામજીની યુદ્ધ વિદ્યામાં નિપુણતાં જોઈ પિતાજી પ્રસન્ન થયા અને તેમને પોતાનું પરશુ ભેટ આપ્યું. તેથી તેઓ પરશુરામ તરીકે પ્રચલિત થયા. પરશુરામજીની માતા રેણુકા અને પિતા ઋષિ જમદગ્ની મોટું પુણ્યનું કામ કરતાં હતાં, તેમના આશ્રમના ક્ષેત્રમાં આવતા જતાં દરેક ઋષિ અને માનવોની ભૂખ ને તૃષા સંતોષતા હતા. આ કાર્યથી પ્રસન્ન થઈ દેવરાજ ઇન્દ્રએ તેમને કામધેનું ગાય આપી હતી. તેમના ક્ષેત્રના રાજા કાર્તવિર્યની કામધેનુની વિશેષતા ખબર પડતાં તેઓ ઋષિ જગદગ્નિ પાસે આવ્યાં અને કામધેનુની માગણી કરી. ઋષિ જમદગ્નિ દ્વારા તેમની માગણી નકારાતાં રાજા કાર્તવિર્યએ ઋષિ જગદગ્નિનો વધ કર્યો. આ જોઈ તેમની માતાએ પણ દેહત્યાગ કર્યો. પોતાના માતા-પિતાના અકાળે થયેલા અવસાનની ખબર પડતાં પરશુરામ ક્રોધિત થાય છે અને તેઓ આપણા પિતાજીએ આપેલા પરશુથી રાજા કાર્તવિર્યના જુલમી શાસનનો અંત કરે છે પણ ત્યારથી પરશુરામજી હંમેશાં ક્રોધિત રહે છે.
ભગવાન ગણેશ: ‘ભાઈ હું તેમને પ્રેમથી તેમની સમજાવીશ, તેમનો ક્રોધ અવશ્ય શાંત થઈ જશે.’
***
થોડા જ સમયમાં પરશુરામજી માનસરોવરમાં સ્નાન કરી પરત ફરે છે. જુએ છે કે ગણેશ અને કુમાર કાર્તિકેય હજી ત્યાં જ ઊભા છે.
ભગવાન ગણેશ: ‘પ્રણામ પરશુરામજી, ભાઈ કાર્તિકેયના મુખથી આપની મહાનતા અને આપની ઓળખ થઈ છે, મારા પ્રણામ સ્વીકાર કરો.’
ભગવાન પરશુરામ: ‘બાળક છો એટલે માફ કરું છું, જલ્દીથી મારા માર્ગમાંથી હટો, મારે ભગવાન શિવને મળવું છે.’
ભગવાન ગણેશ: ‘માફ કરો પરશુરામજી, તેમની આજ્ઞા છે અમે કોઈને પણ તેમને મળવા ન દઈએ.’
ભગવાન પરશુરામ: ‘બાળક તને ખબર છે તું કરી રહ્યો છે? તારા આવા આચરણનું શું પરિણામ આવી શકે તને ખબર છે?’
ભગવાન ગણેશ: ‘હું દંડ ભોગવવા તૈયાર છું પણ, મેં દ્વાર રક્ષાનું વચન આપ્યું છે.’
ભગવાન પરશુરામ: ‘છેલ્લી વાર કહું છું મારા માર્ગને નહીં અવરોધ.’
ભગવાન ગણેશ તેમની આજ્ઞાનો અનાદર કરતાં ભગવાન પરશુરામ ભયંકર ક્રોધિત થાય છે અને ગણેશ તરફ આગળ વધે છે, તેમને ગણેશ તરફ આગળ વધતાં જોઇ કુમાર કાર્તિકેય તેમની વચ્ચે ઊભા રહી જાય છે. ભગવાન પરશુરામના પરશુનો ઘા થાય છે અને કુમાર કાર્તિકેય તેમની તલવારથી એ ઝીલી લે છે. કુમાર કાર્તિકેય અને ભગવાન પરશુરામ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે.
ભગવાન ગણેશ કહે છે: ‘થોભો પરશુરામજી આનો ઉકેલ યુદ્ધ નથી, તમે મારી વિનંતી શાંતિથી સાંભળશો તો તમને જ્ઞાત થશે કે અમે બંને તમારું અપમાન કદાપિ નહીં કરી શકીએ.’
આ વાર્તાલાપ દરમિયાન કુમાર કાર્તિકેય ગણેશથી દૂર હોતા ભગવાન પરશુરામ પોતાના પરશુનો ઘા ભગવાન ગણેશ પર કરતાં તેમનું પરશુ ભગવાન ગણેશનો અડધો દંત તોડી નાખે છે. દંત તૂટી જતાં ભગવાન ગણેશના મુખથી ચીખ નીકળે છે. ચીખ સાંભળી માતા પાર્વતી અને શિવગણો ત્યાં દોડી આવે છે. તેઓ જુએ છે કે ગણેશનો અડધો દંત તૂટેલો નીચે પડેલો છે. માતા ક્રોધિત થવા માંડે છે, એ જોઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થતાં કહે છે:
ભગવાન શિવ: ‘પાર્વતી શાંત થાઓ, શિષ્ય સંતાન સમાન હોય છે.’
માતા પાર્વતી: ‘શિષ્ય પુત્ર સમાન હોય છે, પુત્ર નથી હોતો અને શિષ્ય જો પુત્ર હોત તો પિતાના પરશુથી જ પુત્ર પર ઘા નહીં કરત. તેમને અવશ્ય દંડ મળવો જ જોઈએ.’
ભગવાન ગણેશ: ‘નહીં માતા તેમને કોઈ દંડ નહીં થવો જોઈએ, તેમણે ક્રોધિત અવસ્થામાં પરશુથી મારા પર ઘા કર્યો, હું પણ તેમનો સામનો કરી શકતો હતો, પણ મારી સામે મારા પિતાજીનું પરશુ હતું તેનું અપમાન હું કેવી રીતે કરી શકું, તેથી એ પરશુનો ઘા મેં મારા દંત પર ઝીલી લીધો.
એજ સમયે બ્રહ્માજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, સમસ્ત દેવગણો અને સમસ્ત દાનવો ત્યાં આવી પહોંચે છે.
ભગવાન પરશુરામ: ‘મને આ બાળકે જ્ઞાત કરાવ્યું છે કે પ્રેમ અને સદ્ભાવના ક્રોધ અને ઘાતથી વિશેષ કઈ
રીતે હોય છે, આજથી હું મારા ક્રોધને ત્યાગું છું અને ગણેશને નમન કરું છું, ગણેશ તમારે જે દંડ આપવો હોય તે આપી શકો છો.’
ભગવાન ગણેશ: ‘પરશુરામજી આપ ભગવાન શ્રીહરિ વિષ્ણુના છઠ્ઠા અવતાર છો, તમને દંડ કઈ રીતે આપી શકાય?’
ભગવાન ગણેશનું આ જ્ઞાનરૂપી સંદેશ સાંભળી ઉપસ્થિત દરેક જણ ભગવાન ગણેશનો જયજયકાર કરે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘સમસ્ત દેવગણો અને સમસ્ત અસુર ગણ અહીં હાજર છે મેં તમને પહેલાં જ કહેલું કે યજ્ઞમાં પ્રથમ આહુતિ કોને આપવી જોઈએ એ મહાદેવના તપ દ્વારા જ ખબર પડશે. હવે તમે સૌ સમજી ગયા હશો કે રાજા બલિ દ્વારા આયોજિત યજ્ઞમાં પ્રથમ આહુતિ કોને આપવી.’
ભગવાન પરશુરામ: ‘નિ:સંદેહ ભગવાન ગણેશને જ, જેઓ બુદ્ધિ અને યુક્તિનો મહાસાગર છે.’ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -