(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતભરમાં પરશુરામ જયંતી, અખાત્રીજ અને રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે બાઇકસવાર પોલીસ ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવહાર ન ખોરવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ સહિતના જિલ્લાઓમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અખાત્રીજના પાવન દિવસે શહેરના સોની બજારમાં સવારથી શુકનનું સોનું ખરીદવા ગ્રાહકો આવી પહોંચ્યા હતા. જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સામૂહિક નમાઝ અદા કરી ઉસ્તાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવોના ત્રિવેણી સંગમમાં ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જય પરશુરામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અમદાવાદ શહેરના પરશુરામ જયંતીએ છ જેટલા વિસ્તારમાં શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શહેરના મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન ઇદને પગલે અનેરો માહોલ જોવા મળ્યો હતો. મુસ્લિમ બિરાદરો દ્વારા સામૂહિક ઇદ મુબારક બાદીના પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં બે તહેવારો સાથે હોવાથી પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. અખાત્રીજનો દિવસ ખેડૂતો માટે પણ વિશેષ દિવસ હોઇ ખેડૂતો દ્વારા અખાત્રીજે ખેતરોમાં જઇ પૂજા અર્ચના કરી હતી, તે સાથે ખેતરો ભાગે આપવાની આપ-લે કરી હતી. તો અનેક બિલ્ડરો દ્વારા અખાત્રીજના પાવન દિવસે નવી સાઇટની શરૂઆત કરી હતી. તો અનેક લોકો દ્વારા નાના-મોટા વેપારની શરૂઆત કરી હતી. રાજકોટના સોની બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. આ દિવસે લોકો સોનું ખરીદતા હોય છે. મળતી માહિતી અનુસાર મોટા પ્રમાણમાં સોના-ચાંદીની ખરીદી થઈ હતી.