(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો હજુ યથાવત્ રહ્યો છે. રવિવારે યોજાનારી સરકારી કારકુનની પરીક્ષાનું પેપર ફૂટતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વ્રારા છેલ્લી ઘડીએ કારકુન વર્ગ ત્રણની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાતા ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઇ હતી. પેપર લીક કાંડમાં દર વખતની જેમ આ વખતે પણ મુખ્ય સૂત્રધાર મનાતા આરોપી સહિત ૧૬ આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ બોર્ડ દ્વારા હવે મોકૂફ રખાયેલી પરીક્ષા ૧૦૦ દિવસમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરકારી ભરતી પરીક્ષાના પેપર ફૂટવાની એક ડઝનથી વધુ ઘટનાઓ બની ચૂકી છે. દર વખતે તંત્ર દ્વ્રારા એવા આશ્ર્વાસન અપાય છે કે આ કાંડમાં સંડોવાયેલા લોકોની છોડવામાં આવશે નહીં પણ દર પેપર લીકની ઘટનાઓ ડામવામાં સદંતર નિષ્ફળતા સામે રોષે ભરાયેલા યુવાનોએ આ વખતે ઠેર ઠેર ચક્કા જામ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જુનિયર ક્લાર્કની ૧૧૮૧ ખાલી જગ્યા માટે આજે રવિવારે રાજ્યભરમાં જિલ્લા સેન્ટરો પર પરીક્ષા યોજાવાની હતી અને ૯.૫૩ લાખ બેરોજગાર યુવાનો આ પરીક્ષામાં બેસવાના હતા તેમ જ મોટા ભાગના યુવાનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી પણ ગયાં હતાં ત્યારે અચાનક સત્તાવાળા દ્વ્રારા આ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું જણાવીને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરાતા યુવાનો અને તેમના વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. બીજી તરફ ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વ્રારા પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપર ફૂટ્યું હોવાની શંકા જતાં એક આરોપીને ઝડપી લીધો હતો.
એટીએસના સૂત્રોનાં જણાવ્યા અનુસાર અગાઉ સીબીઆઇ દ્વ્રારા કરવામાં આવેલા પેપર લીક કેસમાં સંડોવાયેલા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ પર આ વખતે ખાસ વોચ રાખવામાં આવી હતી. દરમિયાન ઓડિશાનો પ્રદીપ નાયક વડોદરામાં રહેતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે મળીને ગુજરાત પંચયાત સેવા મંડળની કારકુન વર્ગ ૩ની પરીક્ષાનું પેપર વડોદરામાં યુવાનોને વેચવાનો પ્રયાસ કરવાના હોવાની બાતમી મળતા એટીએસની ટીમે મુખ્ય આરોપી પ્રદીપ નાયક ( રહે. ગંજમ, ઓડિશા), કેતન બારોટ ( રહે.નાનાચિલાડા, અમદાવાદ) અને ભાસ્કર ચૌધરી (રહે. છાણી, વડોદરા) સહિતના આરોપીઓની ઝડપી લીધાં હતાં તેમ જ તેમની પાસેથી મળી આવેલું પેપર પણ કબજે કરવામાં આવ્યું હતું.
મુખ્ય આરોપી પ્રદીપ નાયકને પરીક્ષાનું પેપર હૈદરાબાદ ખાતેની હાઇટેક પ્રેસમાં નોકરી કરતા જીત નાયક નામના કર્મચારીએ પૈસાની લાલચમાં આવી આપ્યું હતું, ત્યાર બાદ પ્રદીપે ઓડિશામાં ક્લાસીસ ચલાવતા સરોજ દ્વારા તેના સાગરિતો મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુ , પ્રભાત અને મૂકેશ કુમાર (તમામ રહે. બિહાર) વગેરેએ ગુજરાતમાં આ પેપર વેચવા માટે નેટવર્ક ગોઠવી આપ્યું હતું. મિન્ટુએ વડોદરા ખાતેની પાથવે એજ્યુકેશન સર્વિસના એમડી તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામના સેન્ટરના ભાસ્કર ચૌધરી ( રહેવાસી છાણી વડોદરા) અને અમદાવાદમાં દિશા એજ્યુકેશનના એમ.ડી. કેતન બારોટનો સંપર્ક કરીને તમામ આરોપીઓ ભાસ્કર ચૌધરીની ઓફિસે ભેગા થયાં હતાં જ્યાં દરોડો પાડીને તમામ ૧૫ આરોપીઓની લીક થયેલા પેપર સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હૈદરાબાદથી જીત નાયકની ધરપકડ કરીને તેને અમદાવાદ લાવવામાં આવશે. પકડાયેલા ૧૫ આરોપીઓમાં પ્રણય શર્મા, અનિકેત ભટ્ટ, રાજ બારોટ, હાર્દિક શર્મા અને નરેશ મોહંતીનો પણ સમાવેશ થાય છે.
———-
અન્ડર ૧૯: ભારતીય મહિલાઓ વિશ્ર્વવિજેતા
પોટચેફ્સ્ટુમ: ભારતે અંડર-૧૯ મહિલા ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની પ્રથમ સીઝન જીતીને ઈતિહાસ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારત સામે ૬૯ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને તેને હાંસલ કરી લીધો હતો.ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત કોઈપણ આઇસીસી ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી છે. ભારતે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું
હતું. ભારતે ૩૬ બોલ બાકી રહેતા આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. સૌમ્યા તિવારી ૨૪ રન બનાવીને અણનમ રહી હતી. ત્યાં જી. ત્રિશાએ પણ ૨૪ રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન શેફાલી વર્માએ ૧૫ રનનું યોગદાન આપ્યું હતુ.
અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારત સામે ૬૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડની આખી ટીમ ૧૭.૧ ઓવરમાં ૬૮ રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી રેયાન મેકડોનાલ્ડએ સૌથી વધુ ૧૯ રન બનાવ્યા હતા જ્યારે સોફિયા સ્માલે અને એલેક્સ સ્ટેનહાઉસે ૧૧-૧૧ રન ફટકાર્યા હતા. ભારત તરફથી ટી. સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મન્નત કશ્યપ, સોનમ યાદવ અને શેફાલી વર્માએ પણ એક-એક વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડના બેટ્સમેનો શરૂઆતથી જ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલી જ ઓવરમાં લિબર્ટી હીપ (૦)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી નિયામ ફિયોના હોલેન્ડે ચોથી ઓવરમાં આઉટ થઇ હતી. નિયામ ફિયોના હોલેન્ડ ૧૦ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી કેપ્ટન ગ્રેસ સ્ક્રિવન્સ એ જ ઓવરના છેલ્લા બોલ પર ૪ રન બનાવીને આઉટ થઇ હતી. ત્યારબાદ સેરેન સ્માઈલે વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઊતરેલી ચેરિસ પાવેલીએ ૯ બોલમાં ૨ રનની ઇનિંગ રમી હતી. બાદમાં રાયના મેકડોનાલ્ડ ૧૯, જોસી ગ્રોવ્સ ૪, અલેક્સા સ્ટોનહાઉસ ૧૧, સોફિયા સ્માલે ૧૧ અને હન્ના બેકર ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા.