ગઈ કાલે ભાઈબીજાના દિવસે જ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તુફાન ગાડીના સ્ટીયરીંગ પરથી ચાલકે કાબુ ગુમાવતા ગાડી 70 ફૂટ ઊંડા કુવામાં જઈ ખાબકી હતી. આ અકસ્માતમાં મામા-ભાણિયા સહીત 3ના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ ભાઈબીજના તહેવાર નિમિતે અલ્કેશ કનુ અને ખોખર સુનીલ દિલીપ નામના પિતરાઈ ભાઈઓ મોરવાહડફ તાલુકાના દેલોચ ગામે પોતાની બહેનના ત્યાં જમવા આવ્યા હતા. તહેવાર ઉજવ્યા બાદ બંને ભાઈઓ ભાણીયાને લઈએ પોતાના વતન દાહોદ જિલ્લાના લીંમડી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન દેલોચ ગામ પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ખેતરમાં આવેલા 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી. ગાડી સવાર મામા અને ભાણિયો પાણીમાં ગરકાવ થઇ જતા ત્રણેયના મોત નીપજ્યા હતા. જેને લઈને સમગ્ર વિસ્તાર શોકનો માહોલ છવાયો છે.
બનાવની જાણ સ્થાનિક પોલીસતંત્ર અને ગોધરાની ફાયરબ્રિગેડ ટીમને થતાં બન્ને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આખી રાત 12 કલાક સુધીની ભારે જહેમત બાદ તૂફાન ગાડી અને બે પિતરાઈ ભાઈ સહિત ભાણિયાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.