અંદર 10 બાળકો હતા, તમામને બચાવી લેવાયા
મંગળવારે હરિયાણાના પલવલમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એક ખાનગી સ્કૂલની બસમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં બસ આગનો ગોળો બની ગઇ હતી. ઘટના સમયે બસમાં 8 થી 10 બાળકો હાજર હતા. આસપાસના લોકોએ સમયસર તમામ બાળકોને બસની બહાર કાઢી લીધા હતા તેથી મોટી દુર્ઘટના ટળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ હતી કે કેટલાક બાળકોને તેમની સ્કૂલ બેગ સાથે લેવાનો સમય જ નહીં ણલ્યો અને તેમની સ્કૂલ બેગ પણ આગમાં બળીને રાખ થઇ ગઇ હતી.
મળતી માહિતી મુજબ એક ખાનગી શાળાની બસ બાળકોને લઇને સ્કૂલમાં જઇ રહી હતી. બસ પલવલના જૂના જી ટી. રોડ પર પોલીસ સ્ટેશન પાસે ઊભી હતી. તે સમયે કેટલાક લોકોએ બસમાં ધુમાડો નીકળતો જોયો અને તેમણે ડ્રાઇવરને જાણ કરી હતી અને ઉતાવળે બાળકોને બસમાંથી નીચે ઉતારવાનું શરૂ કર્યું હતું. થોડા જ સમયમાં આખી બસમાં આગ ફેલાઇ ગઇ હતી , પરંતુ બાળકો બચી ગયા હતા. બસમાં લાગેલી આગ એટલી ગંભીર હતી કે તેની જ્વાળા નજીકની દુકાન સુધી પહોંચી હતી. દુકાન પાસે ઇલેક્ટ્રીક થાંભલા પણ છે. લોકોએ વીજ વિભાગને ફોન કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો.
સ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ઘટના સ્થળે હાજર લોકોએ ફાયર બ્રિગેડ પર બેદરકારીનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે સમાચાર મળ્યા બાદ પણ ફાયર બ્રિગેડની ગાડી સમયસર પહોંચી નહોતી અને આગમાં બસ સંપૂર્ણ બળીને ખાક થઇ ગઇ હતી.