એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પંજાબમાં ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાંથી આવેલું ડ્રોન ઘૂસતાં સિક્યૉરિટી એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. રાતના અંધારામાં આ ડ્રોન પાકિસ્તાન સાથેની સરહદ પર આવેલા અમૃતસર જિલ્લાના કક્કડ ગામ પર ઉડતું હતું. સદ્નસીબે મોડી રાતે બોર્ડર સિક્યૉરિટી ફોર્સના સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. મોડી રાત્રે અચાનક ડ્રોનનો અવાજ સાંભળીને તેમણે અવાજની દિશામાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સૈનિકોએ ડ્રોનની પાછળ દોટ પણ મૂકેલી પણ થોડીવાર પછી ડ્રોનનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો. સાથે સાથે ડ્રોન દેખાતું પણ બંધ થઈ ગયું હતું.
સૈનિકોએ અમૃતસર બોર્ડર પર રાત્રે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. સૈનિકોને કક્કડ ગામના ખેતરમાંથી એક તોડી પડાયેલું ડ્રોન મળી આવ્યું હતું. બોર્ડર સિક્યૉરિટી ફોર્સનો દાવો છે કે, અમે જે ડ્રોનને તોડી પાડેલું એ જ આ ડ્રોન છે. ભારતમાં ઘૂસેલું આ ડ્રોન પાછું પાકિસ્તાન જઈ શક્યું નહોતું. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી. મોડી રાતે આવેલું ડ્રોન આ જ હતું કે પછી પહેલાનું ડ્રોન છે એ કહેવું મુશ્કેલ છે પણ મહત્ત્વની વાત હવે આવે છે.
બીએસએફ દ્વારા અપાયેલી માહિતી મુજબ મોટા મેટ્રિક્સ ડ્રોન સાથે એક પીળા રંગનું પેકેટ બાંધેલું હતું. આ પેકેટમાં ૫ કિલોગ્રામ જેટલું હેરોઈન મળ્યું છે. તેનો અર્થ એ કે, ડ્રગ્સન હેરાફેરી માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. આ પહેલાં ૨ જાન્યુઆરીએ ગુરદાસપુર બોર્ડર પરથી પણ બીએસએફના જવાનોને આ રીતે તોડી પડાયેલું ડ્રોન મળ્યું હતું. તેના કારણે એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાનની સરહદમાંથી મોટાપાયે ડ્રોન ભારતની સરહદમાં આવે છે. તેમનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી જેવા ગેરકાયદેસર કામકાજ માટે થાય છે.
આ ડ્રોનમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું તેથી ડ્રગ્સની હેરાફેરીમાં તેનો ઉપયોગ થાય છે એવું અનુમાન છે. બાકી શસ્ત્રોની હેરાફારી માટે પણ ડ્રોનનો ઉપયોગ થતો હોય એવું બને ને આપણા સંવેદનશીલ દસ્તાવેજો કે માહિતી પહોંચાડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ થતો હોય એવું બને. બીજી એક વાત એ પણ છે કે, આ તો બે મહિનાથી પણ ઓછા સમયમાં બે ડ્રોન પકડાયાં. બાકી કેટલાં ડ્રોન આવતાં હશે કે અહીંથી જતાં હશે એ ખબર જ નથી.
પાકિસ્તાન આપણું કટ્ટર દુશ્મન છે ને આપણને બરબાદ કરવા બધાં કારસ્તાન કર્યા કરે છે. આતંકવાદ ફેલાવવાથી માંડીને યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા સુધીના ધંધા પાકિસ્તાન કરે છે. પાકિસ્તાનની ખોરી દાનત જોતાં આ નવી મોડસ ઓપરેન્ડી ખતરનાક કહેવાય ને આપણે તેને રોકીએ નહીં તો બહુ ગંભીર પરિણામો ભોગવવાં પડી શકે.
આ ગંભીર પરિણામો કેવાં હોઈ શકે તેનું ટ્રેલર પણ આપણે દોઢેક વર્ષ પહેલાં જોયેલું જ છે. ૨૦૨૧ના જૂનમાં જમ્મુ અને કાશ્મીરના જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં ઈન્ડિયન એરફોર્સના બેઝ પાસે સવારના પહોરમાં બે વાગ્યે ઉપરાછાપરી બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ ડ્રોન દ્વારા કરાવાયા હતા એવું તપાસમાં બહાર આવેલું.
આપણને એ વખતે ડ્રોન દ્વારા આવું કશું કરી શકાય એવી ખબર જ નહોતી તેથી અઠવાડિયા લગી તો આપણે અંધારામાં ગોથાં જ ખાતા હતા ત્યાં જમ્મુના રત્નુચાક-કાલુચાક મિલિટરી એરિયામાં બીજાં બે ડ્રોન ફરતાં દેખાયાં હતાં. રત્નુચાક-કાલુચાક જમ્મુના બહારના ભાગમાં આવેલી લશ્કરી છાવણી છે ને બ્રિગેડ હેડક્વાર્ટર છે.
સદનસીબે રત્નુચાક-કાલુચાક મિલિટરી એરીયામાં રાત્રે ચોકી કરી રહેલા જવાનો સાબદા હતા એટલે તેમણે ડ્રોન જોઈ લીધેલાં. તાત્કાલિક ક્વિક રીએક્શન ટીમોને મોકવીને ફાયરિંગ કરાતાં ડ્રોન ભાગી ગયાં હતાં પણ તેના કારણે આપણને ખબર પડી કે, ડ્રોન દ્વારા પણ હુમલો થઈ શકે છે.
આ વાતની ખબર પડતાં જમ્મુમાં થયેલા વિસ્ફોટની તપાસ એ દિશામાં શરૂ કરાઈ ત્યારે ખબર પડી કે, જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ઓછી તીવ્રતાના જે બે વિસ્ફોટ થયા એ વિસ્ફોટકો ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ પર ઉતારાયાં હતાં. રિમોટ કંટ્રોલથી ચાલતાં ડ્રોન એરપોર્ટ પર ઉતારીને રિમોટ કંટ્રોલથી જ ધડાકા કરાયેલા. આ ડ્રોન કોણે મોકલ્યાં ને કોણ ડ્રોન ઓપરેટ કરતું હતું તેની આપણને ખબર ના પડી પણ ડ્રોનનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે કરી શકાય છે એ વાતની ખબર આપણને પડી હતી. આ ખબર પડ્યા પછી કાશ્મીર ને પાકિસ્તાન બંને સરહદે સતર્કતા બતાવવી જરૂરી હતી પણ ફરી ડ્રોન આપણી સરહદમાં ઘૂસવા માંડ્યાં છે તેનો અર્થ એ થાય કે, આપણે હજુ એવી વ્યવસ્થા ગોઠવી નથી શક્યા કે, આ ડ્રોન ઘૂસે એ પહેલાં જ પકડાઈ જાય ને તેને ઉડાવી દેવાય.
આ બાબત ગંભીર છે કેમ કે આ રીતે ચાલતું રહે તો આપણી સુરક્ષા સામે બહુ મોટો ખતરો ઊભો થઈ જાય. આતંકવાદીઓ ભલે ધર્મ માટે મિરવાની વાત કરતા હોય પણ વાસ્તવમાં ડરપોક હોય છે. આ કારણે જ સામાન્ય રીતે સામાન્ય લોકોની ભીડ જામી હોય એવા વિસ્તારોને નિશાન બનાવે છે કે જેથી ભીડમાં ગાયબ થઈને સરળતાથી છટકી શકાય. આતંકવાદીઓ એવા વિસ્તારોને નિશાન બનાવવાનું ટાળે છે કે જ્યાં સૈનિકો હાજર હોય.
સામાન્ય લોકો પર ગોળીબાર કરે કે બોમ્બ બ્લાસ્ટ કરે તો કોઈ પ્રતિકાર ના કરે જ્યારે લશ્કરી વિસ્તારમાંથી તો તરત સામી ગોળીઓ આવે. કઈ ગોળી પર પોતાનું નામ લખાયેલું હોય તેની કોઈને ખબર ના હોય તેથી આતંકવાદીઓએ જીવ પણ ગુમાવવો પડે.
લશ્કરી છાવણીઓને નિશાન બનાવવા માટે ડ્રોન હાથવગું સાબિત થાય તેમ છે. ડ્રોનથી હુમલો કરાય એટલે જીવ જવાનો ખતરો જ નહીં. આ બહુ મોટો ખતરો છે.
ડ્રોનથી ડ્રગ્સ કે હથિયારો ઘૂસાડવાના ગોરખધંધા પણ સરળતાથી કરી શકાય છે. આ વખતે બન્યું એમ કોઈ વાર ડ્રોન તોડી પડાય કે પકડાઈ જાય તો પણ ચિંતા નહીં. નાના પ્રમાણમાં માલ હોય એટલે મોટો ફટકો પણ ના પડે.
આ બધું જોતાં સરહદે વધારે સતર્કતા જરૂરી છે. બાકી આતંકવાદીઓ ડ્રોનથી હુમલા કરીને હાહાકાર મચાવતા હશે.