ભારતમાં બોલીવૂડની ફિલ્મો ટ્રોલ થવાનો ટ્રેન્ડ ખુબ ચાલ્યો છે. પણ નસીબ વાંકુ હોય તો ભારતની બહાર પણ ટ્રોલ થવાનો વારો આવે. તેનો અનુભવ સિદ્ધાર્થ મલ્હોત્રાને હાલમાં થઇ રહ્યો છે.
સિદ્ધાર્થની નવી ફિલ્મ મિશન મજનુનું ટીઝર લોન્ચ કરવાં આવ્યું. પણ જેવું ફિલ્મનું ટીઝર લોન્ચ થયું એટલે પાડોશી દેશ પાકિસ્તાનમાં લોકોએ તેને ભારે ટ્રોલ કરવાનું ચાલુ કર્યું. આ ફિલ્મના નિર્માતા અમર બુટાલા, ગરિમા મહેતા તથા રોનિ સ્ક્રવાલા છે. આ ફિલ્મના ડિરેક્ટર શાંતનું બાગચી છે.
લોકોને સૌથી વધુ જે વાત ખટકી તે હતી, ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાનીઓની એક લાક્ષણિક છબી ચીતરવામાં આવી છે તે આ ફિલ્મમાં પણ સિદ્ધાર્થને પાકિસ્તાની બતાવવા જે લુક આપવામાં આવ્યો છે અને તેની બોલચાલની પદ્ધતિની ખુબ હાંસી ઉડાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનીઓ કહે છે કે તેમના જેવા દેખાડવા માટે બોલીવૂડના બધાં જ મેકર્સ અભિનેતાઓને એક સરખો લુક આપે છે. હંમેશાં આદાબ, જનાબ, સફેદ ટોપી, આંખોમાં સુરમો લગાડો એટલે પાકિસ્તાની બની ગયા તેવું નથી હોતું.
પાકિસ્તાનમાં કોણ હંમેશા આવી રીતે રહે છે? બોલીવુડ આટલું સ્ટીરીઓટાઈપ કેમ કરે છે?
રાબિયા નામની એક યુઝરે ટ્વિટર ઉપર લખ્યું કે “પાકિસ્તાન ઉપર આવી વાહિયાત ફિલ્મો બનાવવાનું બંધ કરો. પેલું નકલી આદાબ, ટોપી, સુરમયવાળી આંખો અને વાહિયાત સ્ટોરી!
તો અન્ય એક યુઝરે લખ્યું કે “આ અમારાવાળું પાકિસ્તાન નથી, કોઈ બીજી દુનિયાનું લાગે છે. રોય નામના અન્ય એક યુઝરે લખ્યું કે “ભારતીય જાસૂસને પાકિસ્તાનમાં પકડી પાડવો કેટલો સહેલો બની જાય. સુરમા, ટોપી, તસ્બી, સલવાર કુર્તા અને બધાને આદાબ જનાબ કહેતો ફરતો એ એક જ માણસ જોવા મળે.
એ સમજવું મુશ્કેલ છે કે પાકિસ્તાનીઓને પાકિસ્તાન વિરોધી ફિલ્મને કારણે ગુસ્સો છે, ફિલ્મમાં સિદ્ધાર્થના લુકને કારણે છે કે એક સ્ટીરીઓટાઈપને કારણે. આ ફિલ્મ આજે (૨૦ જાન્યુઆરી)એ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલિઝ થઇ રહી છે.