ભારત- પાકિસ્તાન વચ્ચેના તંગદિલીભર્યા સંબંધો કોઇથી છાના નથી. છેલ્લા કેટલાક વર્ષથી બંને દેશોએ એકબીજાના દેશમાં પ્રવાસ કરવાનું પણ ટાળ્યું છે. થોડા સમય પૂર્વે જ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “પાકિસ્તાન પ્રવાસ અંગે નિર્ણય લેવાનું કામ બીસીસીઆઇ નહીં પરંતુ ભારત સરકારના હાથમાં હોવાથી સાલ 2023માં પાકિસ્તાનમાં એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં અને એશિયા કપ માટેનું સ્થળ બદલાઇને યુએઇ થઈ શકે છે. તેમની આ સ્પષ્ટતા બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ જણાવ્યું હતું કે ભારતના નિવેદનને અમે હલકામાં નહીં લઇએ અને આઇસીસીની મીટિંગમાં આના પર ચર્ચા કરવામાં આવશે.
ત્યાર બાદ બધા વિશ્વ કપમાં મસ્ત થઇ ગયા. હવે જ્યારે વિશ્વ કપ પૂરો થઇ ગયો છે ત્યારે પીસીબી ચેરમેન રમીઝ રાજાએ આ મુદ્દાને ફરીથી ઉખેળ્યો છે. રાજાએ કહ્યું છે કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમ પણ વર્ષ 2023માં ભારતમાં વનડે વિશ્વ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.
રમીઝ રાજાએ વધુમાં જણાવ્યું હતું કે જો આવતા વર્ષે થનારા વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમ ભાગ નહીં લે તો ભારતમાં વિશ્વ કપ કોણ જોશે? અમારો ઇરાદો સાફ છે . જો ભારતીય ટીમ અહીં રમવા આવશે તો જ પાકિસ્તાની ટીમ વિશ્વ કપ રમવા ભારત જશે. અગર ભારત નથી આવતું તો તેઓએ અમારા વિના વિશ્વ કપ રમવો પડશે.