પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ICCએ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનને તાજેતરમાં તેના ઘરઆંગણે જ ઈંગ્લેન્ડના હાથે 3-0થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમને ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલમાં ઘણું નુકસાન થયું છે.
તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. આ શ્રેણીમાં પાકિસ્તાનની ટીમને ઈંગ્લેન્ડે તેના ઘરે 3-0થી હરાવ્યું હતું. પાકિસ્તાન આ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે એક પણ મેચ જીતી શક્યું ન હતું અને તેને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનની ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર 7મા સ્થાને છે. પાક ટીમે 2021-23માં અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમી છે. આમાં પાકિસ્તાનની ટીમે 4 મેચ જીતી છે જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમે 3 મેચ ડ્રો કરી છે. આ પોઈન્ટ ટેબલ પર પાકિસ્તાન ટીમના હાલ 38.46 ટકા માર્ક્સ છે. આ સંજોગોમાં પાક ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે.