Homeએકસ્ટ્રા અફેરતુર્કીમાં ભૂકંપની આપદામાં પણ પાકિસ્તાનની હલકટાઈ

તુર્કીમાં ભૂકંપની આપદામાં પણ પાકિસ્તાનની હલકટાઈ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે. સોમવારે તુર્કીમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા અને તેમાં એક આંચકાની તીવ્રતા તો રિક્ટર સ્કેલ પર ૭.૮ નોંધાઈ હતી. ગુજરાતના કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ કરતાં પણ વધારે તીવ્રતાના આ આંચકાએ તુર્કીને બરબાદ કરી નાંખ્યું છે.
સોમવારે વહેલી સવારે આવેલા ૭.૮ની તીવ્રતાના ભૂકંપના કારણે હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને તેમાં હજારો લોકો દટાઈ ગયાં હતાં. એ પછી બીજા બે મોટા આંચકા આવ્યા તેમાં માંડમાંડ ટકી રહેલી બીજી કેટલીય ઈમારતો પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. હજારો લોકો આ ઈમારતોના કાટમાળમા દટાઈ ગયા હતાં.
સોમવારે એવી માહિતી અપાઈ હતી કે, આ ભૂકંપમાં લગભગ ૫૦૦૦ લોકો મર્યા છે અને હજારો લોકો ઘાયલ થયા. જો કે જેમ જેમ રાહત કાર્ય આગળ વધે છે તેમ તેમ સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ભૂકંપના કારણે ૩૨ હજારથી વધુ લોકોના મોત થયાં હોવાનું કહી જ દીધું છે પણ એક અંદાજ પ્રમાણે મૃત્યુઆંક વધીને ૧ લાખને પાર થઈ જાય એવી પૂરી શક્યતા છે.
તુર્કીના આરોગ્ય મંત્રી ફહરેટિન કોકાએ કબૂલ્યું છે કે, ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં તકલીફો છે અને સહાય માટે મોકલાયેલી ટીમો માટે અત્યારે તો ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ છે. રાહત ટુકડીઓ પહોંચશે ત્યારે જ ખરેખર કેટલા લોકો મર્યાં છે તેનો અંદાજ આવશે.
તુર્કીની આ આપદામાં એક તરફ ભારતે તરત જ મદદનો હાથ લંબાવીને માનવતા બતાવી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાને પોતાની જાત બતાવી દીધી છે. ભારતે ભૂકંપની જાણ થતાં તરત જ દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે એનડીઆરએફ અને મેડિકલ ટીમને મોકલવાની જાહેરાત કરી દીધી હતી. આ ટીમને લઈને વિમાન તુર્કી રવાના પણ કરી દેવાયેલું પણ પાકિસ્તાને આ વિમાનને પોતાની હવાઈ સીમામાંથી પસાર ના થવા દીધું. ભારત વારંવાર વિનંતી કરી પણ પાકિસ્તાન સાવ હલકટાઈ પર ઉતરી ગયું.
પાકિસ્તાને ભારતની વિનંતીઓને અવગણીને પાકિસ્તાનની સીમામાંથી ઉડવાની મંજૂરી ધરાર ના આપી. એ પછી ભારતના પ્લેને પોતાનો રુટ બદલીને અરબી સમુદ્ર પર થઈને તુર્કી જવું પડ્યું. પાકિસ્તાને આ વિમાનને પોતાની હવાઈ સીમામાંથી પસાર થવા દીધું હોત તો મદદ લઈને જઈ રહેલું ભારતીય વિમાન તરત તુર્કી પહોંચી શક્યું હોત પણ પાકિસ્તાને જાત બતાવતાં વિમાને લાંબું ચક્કર લગાવીને તુર્કી જવું પડ્યું.
પાકિસ્તાનનું વલણ આઘાતજનક છે ને તેની હલકી માનસિકતાને છતું કરે છે. તુર્કી પાકિસ્તાનનો કટ્ટર સમર્થક દેશ છે. તુર્કી પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી મદદ પણ કરે છે. સાવ ભિખારી બનીને ઊભું રહી ગયેલું પાકિસ્તાન પોતે તો તુર્કીને મદદ મોકલી શકે તેમ નથી પણ ભારત મદદ મોકલે છે તેમાં પણ વિઘ્ન ઊભું કરે છે. અત્યારે માનવતા બતાવવાનો સમય છે ત્યારે પાકિસ્તાન ભારત સાથેની દુશ્મનાવટનો થાર કાઢવા બેઠું છે એ ખરેખર આઘાતજનક કહેવાય. ભારતનું પ્લેન તેની સીમામાંથી પસાર થઈ જાય તો તેમાં કશું લૂંટઈ જવાનું નહોતું પણ ભારતદ્વેષને કારણે પાકિસ્તાન એ મોટપ ના બતાવી શક્યું.
પાકિસ્તાનની હલકટાઈ સામે આખી દુનિયા થૂ થૂ કરી રહી છે ત્યારે આ હલકટાઈ તુર્કી જેવા પાકિસ્તાનની પંગતમાં બેસીને હળાહળ ભારત વિરોધી વલણ અપનાવતા દેશો માટે મોટો બોધપાઠ છે. તુર્કી પાકિસ્તાનનું પાકું ગોઠિયું છે અને પાકિસ્તાન સાથેની દોસ્તી નિભાવવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વિરુધ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર છોડતું નથી.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ એને નાબૂદ કરવાનો લીધો ત્યારે પાકિસ્તાને હોહા કરી મૂકેલી. આ નિર્ણય સામે દુનિયાના બીજા દેશોની પ્રતિક્રિયા સાવચેતીભરી હતી જ્યારે અમેરિકા અને યુનાઈડેડ નેશન્સ બંનેએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા કહ્યું હતું ત્યારે પાકિસ્તાન કૂદાકૂદ કરતું હતું. એ વખતે તુર્કી પાકિસ્તાનને પડખે ઊભું રહેલું. અમેરિકાએ ભારતના વલણને ટેકો આપીને કહ્યું હતું કે, ભારત સરકારે આ મુદ્દાને સંપૂર્ણપણે પોતાની આંતરિક બાબત ગણાવી છે અને અમે તેની સાથે સહમત છીએ.
કાશ્મીર મામલે મુસ્લિમ રાષ્ટ્રોનું વલણ પણ સાવચેતીભર્યું ને ભારતને નારાજ નહીં કરવાનું હતું ત્યારે તુર્કી અને મલેશિયા એ બે દેશ જ આવા હતા કે જેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન જે પણ કરે તેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. બીજા મુસ્લિમ રાષ્ટ્રો પાકિસ્તાનની તરફેણમાં નહોતાં. સમગ્ર વિશ્વનાં મુસ્લિમ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરતા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક ક્ધટ્રીઝ (ઓઆઈસી)એ ભારતે કલમ ૩૭૦ નાબૂદ કરી તેની સામે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.
પાકિસ્તાનના વડ પ્રધાન ઈમરાન ખાને આ સંગઠનને ભારતના પગલાને વખોડવા વિનંતી કરતો ઠરાવ કરવા કહ્યું હતું પણ આ સંગઠને એવો ઠરાવ કરવાનું તો છોડો પણ નિવેદન આપવાનો પણ ઈન્કાર કરી દીધો. આ સંગઠનના કર્તાહર્તા તરીકે સાઉદી અરેબિયા સહિતનાં વિશ્ર્વનાં ધાર્મિક મુસ્લિમ રાષ્ટ્રો છે અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) મહત્ત્વનું સભ્ય છે. યુએઈએએ તો આ મુદ્દાને ભારતની આંતરિક બાબત ગણાવીને ભારતને ખુલ્લો ટેકો આપ્યો હતો ત્યારે તુર્કી ભારતની વિરુદ્ધ હતું.
પાકિસ્તાને કાશ્મીર મુદ્દો યુએનમાં ઉઠાવવા પ્રયાસ કર્યો ત્યારે પણ તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાનનો પક્ષ તાણ્યો હતો. આતંકવાદીઓને ફંડિગ કરતા દેશો પર પ્રતિબંધ મૂકવા માટે કામ કરતી સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)માં પાકિસ્તાનને બ્લેક લિસ્ટેડ કરવાના ભારતના પ્રયાસોમાં પણ તુર્કી અવરોધ ઊભો કર્યા કરે છે. એએફટીએફના સભ્યોમાંથી ચીન, મલેશિયા અને તુર્કી એ ત્રણ જ દેશો પાકિસ્તાનને બ્લેક લિસ્ટેડ કરવાની તરફેણમાં નથી. આ ત્રણ દેશો ખુલ્લંખુલ્લા પાકિસ્તાનની તરફેણમાં રહ્યા છે તેથી પાકિસ્તાન બચી જાય છે.
ભારતે આ બધું ભૂલીને તુર્કીને સહાય મોકલવાનું સૌજન્ય અને માનવતા દાખવ્યાં છે ત્યારે પાકિસ્તાન જૂની દુશ્મનીના હિસાબો સરભર કરીને તુર્કીને મળતી મદદમાં અવરોધ ઊભું કરી રહ્યું છે. આશા તો નથી પણ તુર્કીને આ વાત સમજાય ને ભવિષ્યમાં ભારત સામ ઝેર ઓકવાનું બંધ કરીને પાકિસ્તાનની આંધળી ભક્તિ ના કરે તો સારું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -