ફોકસ -સોનલ કારિયા
આમ તો તેઓ એક સર્વસામાન્ય મરાઠી માણૂસ લાગે પણ આખું ડોંબિવલી તેમને ડોંબિવલીકર કાકા તરીકે ઓળખે. આ સામાન્ય દેખાતા ૭૪ વર્ષના સજ્જનને ૨૬મી જાન્યુઆરીએ પદ્મશ્રી પુરસ્કાર
જાહેર થયો ત્યારે કમ સે કમ ડોંબિવલીકરોને સહેજ પણ નવાઈ નહોતી લાગી અને ભરપૂર આનંદ
થયો હતો.
ડોંબિવલી આમ તો મુંબઈની સરહદ પાસે આવેલું એક પરું. લગભગ સાઠેક વર્ષ પૂર્વે ગજાનન માને નામના આ સજ્જન ડોંબિવલી આવીને વસ્યા અને ડોંબિવલીકર બની ગયા. પાંત્રીસ વર્ષ અગાઉ તેઓ નૌકાદળની સેવામાંથી નિવૃત્ત થયા.
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સહભાગી થયેલા આ ગજાનન માને એક સર્વસામાન્ય મરાઠી માણૂસની જેમ નિવૃત્તિનો આ સમય લાઇબ્રેરીમાં જઈને વાંચન કરવા કે બગીચાના બાંકડે અન્ય નિવૃત્ત ડોસાએ સાથે ગામગપાટાં મારવા કે સરકાર અને અધિકારીઓને ગાળો ભાંડવાને બદલે કશુંક સામાજિક કાર્ય કરવાનો સંકલ્પ લીધો.
તેમણે જોયું કે ડોંબિવલી રેલવે સ્ટેશન કે મંદિરની બહાર અથવા અન્ય સ્થાનો પર કુષ્ઠરોગીઓ ભીખ માગે છે. તેમનું હૃદય આ તરછોડાયેલા, તિરસ્કૃત કુષ્ઠરોગીઓ માટે દ્રવી ઊઠ્યું. સૌ પ્રથમ તો તેમણે ડોંબિવલી મહાનગરપાલિકાની ઑફિસમાં રજૂઆતો કરી, ધક્કા ખાઈને આ કુષ્ઠરોગીઓ માટે રાજ્યની પહેલી હૉસ્પિટલ કુષ્ઠરોગીઓની વસાહત એવા હનુમાન નગર ખાતે જ શરૂ કરાવી.
ડોંબિવલીકર કાકા તરીકે પ્રખ્યાત થઈ ચૂકેલા ગજાનન માને ફક્ત હૉસ્પિટલ શરૂ કરાવીને સંતોષ માનીને બેસી ન રહ્યા. તેમણે જોયું કે કુષ્ઠરોગીઓની હાલત બહુ વિકટ છે.
તેમને સમાજમાં તો શું તેમના પોતાના પરિવારોમાં પણ સ્થાન નથી. તેમણે આ કુષ્ઠરોગીઓ પોતાની આજીવિકા મેળવી સ્વાવલંબી થાય એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું.
હનુમાન નગર ખાતે વસેલા આ કુષ્ઠરોગીની વસાહતમાંના યુવાનોને તેમણે ડોંબિવલી મહાનગરપાલિકામાં નોકરી મળે એ
માટે સઘન પ્રયાસો કર્યા જેના પગલે અત્યાર
સુધી કુષ્ઠરોગીઓની વસાહતમાંના ચાળીસ જેટલા યુવાનોને ડોંબિવલી મહાનગરપાલિકામાં નોકરી
મળી છે.
આ ઉપરાંત તેમણે હનુમાન નગરમાં રેશનિંગની દુકાન શરૂ કરાવી જેથી ત્યાંના લોકોને સરકારી રાહતે ધાન્ય મળી રહે. આ સિવાય હનુમાન નગર રહેવાસીઓ માટે પાકા રસ્તાઓ, પાણી વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરાવી આપવાનું મિશન હાથ ધર્યું.
ડોંબિવલીકર કાકા કહે છે કે હું નૌકાદળમાંથી નિવૃત્ત થઈને ડોંબિવલી પાછો ફર્યો ત્યારે મેં જોયું કે કુષ્ઠરોગીઓ હનુમાન નગરમાં બહુ જ વિકટ અને અસુવિધામાં વસે છે. એ જ વખતે મેં તેમના માટે કાર્ય કરવાનું નક્કી કરી લીધું.
હનુમાન નગરના ફક્ત યુવાનોને જ નહીં પણ મહિલાઓને પણ પગભર કરવા તેમને શિવણકામની તાલીમ આપી. સરકારી યોજનાઓમાંથી તેમને શિવણનાં મશીનો અપાવ્યાં અને તેમને પણ સ્વાવલંબી બનાવી.
આ વસાહતનાં બાળકોને શિક્ષણ મળે એ માટે પણ ગજાનન માનેએ સફળ પ્રયાસો કર્યા.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રીતે સેવાનો યજ્ઞ માંડીને બેઠેલા સાવ છેવાડાના દેશના ખૂણે ખાંચરે બેઠેલા આવી સાધુ જેવી વ્યક્તિઓને શોધી-શોધીને સરકાર પદ્મશ્રી આપી રહી છે અને તેમના કાર્યને વધાવી
રહી છે.
તેમને પ્રોત્સાહન આપી રહી છે. ડોંબિવલીના ‘બાબા આમટે’ તરીકે ઓળખાતા ગજાનન માને આવા જ એક સામાજિક કાર્યકર છે જેમના કાર્યને સરકારે પદ્મશ્રી જાહેર કરી બિરદાવ્યું છે.
ડોંબિવલીના ગજાનન માનેના પ્રયત્નોના પગલે હવે ડોંબિવલી-કલ્યાણના રસ્તા પર કોઈ કુષ્ઠરોગી ભીખ માગતો દેખાતો નથી.
ઘણીવાર આપણે કહીએ છીએ કે એકલો-અટૂલો માણસ શું કરી શકે? એક માણસ પણ ધારે તો ઘણું કરી શકે એનું જીવંત ઉદાહરણ છે ડોંબિવલીકર કાકા એટલે કે ૭૪ વર્ષીય ગજાનન માને.