Homeદેશ વિદેશપદ્મભૂષણ ઇલાબેન ભટ્ટનું નિધન

પદ્મભૂષણ ઇલાબેન ભટ્ટનું નિધન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક અને ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું અમદાવાદ ખાતે બુધવારે અવસાન થયું હતું. ઇલાબહેનનો સમગ્ર પરિવાર દેશપ્રેમથી રંગાયેલો હતો. તેમના પરિવાર પર મહાત્મા ગાંધીનો ઘણો પ્રભાવ હતો અને ગાંધીજીના દરેક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો. ઇલાબહેનના નાના અમદાવાદના જાણીતાં સર્જન હતાં અને સરકારી હૉસ્પિટલમાં લોકોની સેવા કરતા હતાં. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે નોકરી છોડી દીધી હતી. ઈલાબહેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં.
અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેનના માતા-પિતા સુશિક્ષિત હોવાથી પરિવારમાં તેમને શિક્ષણ, સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું. સુરતની એમટીબી કૉલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. આરંભે એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કર્યા બાદ તેઓ ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન સાથે જોડાયા હતા. આ નોકરી જ આખરે તેમના જીવનધ્યેય સુધી દોરી જવામાં નિમિત્ત બની હતી.
ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશનના માધ્યમથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ઈલાબહેન ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમના પ્રશ્ર્નોથી વાકેફ થયા હતા. તેમણે વિચાર્યું કે આ બાબત તો ભારતીય મહિલાઓને વધુ સ્પર્શે છે. આથી તેમણે ભારત આવીને લેબર એસોસિએશનના માધ્યમથી સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી હતી. ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે સેવા સંસ્થાના માધ્યમથી ઈલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે જેનો લાખો મહિલાઓ લાભ લઇ રહી છે. મહિલાઓને રોજગારી માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્ર્વમાં પણ અનુકરણ થયું છે.
અંગ્રેજી વિષય સાથે બી.એ. તેમજ એલ.એલ.બી. થયેલા ઇલાબેન મજૂર મહાજન સંઘમાં પ્રવૃત્તિ દરમિયાન ગુજરાતની શ્રમજીવી મહિલાઓની સમસ્યાઓથી પરિચિત થયા અને નિર્માણ થયું એક વ્યવસાયિક મહિલાઓનું સંગઠન જેનું નામ છે સેવા. સમયની સાથે સેવાની પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તરી અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગિની સંસ્થા સેવાનો જન્મ થયો. સેવામાં અંદાજીત ૧૦ લાખથી પણ વધારે મહિલા સભ્યો છે અને તે દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે. ઇલાબેને વિશ્ર્વ મહિલા બેંક’, ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ અને સયાજીરાવ ગાયકવાડ જેવી જાણીતી યુનિવર્સિટી દ્વારા ઇલાબેનને ડૉકટરેટની માનદ્ પદવી એનાયત કરવામાં આવી હતી. ઇલાબેનના પુસ્તકો જેવાકે શ્રમ શક્તિ , ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’, અને ‘વી આર પુઅર બટ સો મેની’માં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દૃષ્ટિગોચર થાય છે.
ઇલાબહેનને મળેલા વિવિધ એવોર્ડમાં રોમન મેગ્સેસે એવોર્ડ રાઈટ લાઈવલીહુડ એવોર્ડ પદ્મશ્રી પદ્મભૂષણ ઇન્દિરા ગાંધી શાંતિપુરા નીવાનો શાંતિ પુરસ્કારનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -