રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પીઢ પ્લેબેક સિંગર વાણી જયરામ 4 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના મોતના કારણ અંગે કંઈ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ તેના મોત પાછળના કારણની તપાસ કરી રહી છે. તેમની ઉંમર 77 વર્ષની હતી અને ચેન્નાઇમાં ડાઉનટાઉન એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા. તેઓ તેમના પતિથી વર્ષો પહેલા અલગ થઇ ગયા હતા. તેમને કોઇ સંતાન નથી. તેમના નિધનના સમાચાર મળતા જ સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયિકા વાણીને થોડા સમય પહેલા માથામાં ઈજા થઈ હતી. જેના કારણે તેઓ બીમાર રહેતા હતા. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે જ ઈજાને કારણે તેનું મૃત્યુ થયું હશે. વાણીની નોકરાણી શનિવારે રોજની જેમ કામ માટે આવી હતી. જોકે, તેણે વારંવાર કોલિંગ બેલ દબાવવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. તરત જ, તેણીએ ગાયકના સંબંધીઓને ચેતવણી આપી જેણે પોલીસને જાણ કરી હતી. વાણી જયરામના સંબંધીઓની હાજરીમાં પોલીસે દરવાજો તોડ્યો હતો અને તેઓ મૃત મળી આવ્યા હતા.
ગાયિકા વાણી જયરામની કારકિર્દી પાંચ દાયકા સુધી ચાલી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ 10,000 ગીતો રેકોર્ડ કર્યા હતા. તેઓ કેટલા લોકપ્રિય અને ઉત્કૃષ્ટ ગાયિકા હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે તમિલ, કન્નડ, હિન્દી, તેલુગુ, મલયાલમ, મરાઠી, ઓડિયા, ગુજરાતી, હરિયાણવી, આસામી, તુલુ અને બંગાળી સહિતની ઘણી ભાષાઓમાં ગીતો ગાયા હતા. તેમના મધુર અવાજના કારણે તેમને 3 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તો સાથે સાથે પ્રાદેશિક ભાષાઓમાં શ્રેષ્ઠ ગીતોના કારણે તેમને રાજ્યનો એવોર્ડ પણ મળ્યો હતો. પોતાની કારકિર્દીમાં તેમણે મોટા સંગીતકારો સાથે કામ કર્યું હતું. તેમણે આરડી બર્મન સાથે પણ ગીતો ગાયા હતા. તેઓ એટલું સુંદર અને સુરીલું ગાતા હતા કે તેમને આજના ભારતની મીરા પણ કહેવામાં આવે છે.
વાણી જયરામે 1971માં હૃષિકેશ મુખર્જી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ગુડ્ડીથી હિન્દીમાં પાર્શ્વગાયિકા તરીકેની શરૂઆત કરી હતી. ફિલ્મનું ગીત બોલે રે પપીહરા…. ઘણું જ જાણીતું થયું હતું. તેમણે પતિ જયરામ સાથે લગ્ન કર્યા હતા અને તેમના પરિવારે સંગીતમાં વાણીની રુચિને ટેકો આપ્યો હતો. તેમના સાસુ પદ્મા સ્વામીનાથન એક પ્રખ્યાત કર્ણાટક ગાયિકા અને સામાજિક કાર્યકર હતા. વાણીએ અનેક ભજન, ગઝલ પણ ગાયા છે.
1973 માં ફિલ્મ સ્વપ્નમ માટે પ્રખ્યાત સલિલ ચૌધરીની રચના સૌરયુધાથિલ વિદર્નોરુ ગાઈને તેમણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.
વાણી જયરામનો જન્મ 30 નવેમ્બર, 1945ના રોજ વેલ્લોરમાં કલાઈવાની તરીકે થયો હતો. તેમણે ચેન્નાઈની ક્વીન મેરી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ગાયિકા બન્યા તે પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી પણ કરી હતી.
તેમની વિદાય એ ગાયકી જગતને ન પુરી શકાય તેવી ખોટ છે.