મુંબઈ: મોહિનીનાટ્યમ અને કથકલીમાં મહારત હાંસલ કરનાર પદ્મ ભૂષણથી સન્માનિત ડો. કનક રેલેનું બુધવારે મુંબઈ ખાતે ૮૫ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેઓ મુંબઈમાં આવેલા નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર- ફાઉન્ડર હતા અને નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલયના ફાઉન્ડર પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના નિધનથી નૃત્ય જગતના એક યુગનો અંત થયો છે. લગભગ આઠ દાયકા સુધી ફેલાયેલી તેમની લાંબી અને પ્રસિદ્ધ નૃત્ય કારકિર્દીમાં રેલેને પદ્મશ્રી, પદ્મભૂષણ, સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, કાલિદાસ સન્માન, એમ.એસ. સુબ્બુલક્ષ્મી પુરસ્કાર અને અન્ય સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ડો. રેલેના નિધન પર શોક વ્યક્ત કરતા મહારાષ્ટ્રના નવા નિમાયેલા રાજ્યપાલ રમેશ બેસે જણાવ્યું હતું કે ડો. રેલેએ તેમનું સંપૂર્ણ જીવન ઇન્ડિયન કલાસિકલ ડાન્સ ફોર્મના રિસર્ચ, પ્રમોશન અને પ્રસાર માટે સમર્પિત કર્યું હતું. તેમણે નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર અને નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલયના માધ્યમથી તેમના ક્ષેત્રમાં ખૂબ જ અનન્ય અને નોંધપાત્ર કામગિરી બજાવી હતી. તેમણે હજારો વિદ્યાર્થીઓને કલાસિકલ ડાન્સનું પ્રશિક્ષણ આપ્યું હતું અને સેંકડો લોકોને તેઓ શાસ્ત્રીય નૃત્યની સમીપ લાવવાનું ભગીરથ
કાર્ય કર્યું હતું. તેમના નિધનથી નૃત્ય જગતને કદીયે ન પુરાય એવી ખોટ પડી છે. આપણે આજે એક મહાન નૃત્ય તપસ્વિનીને ગુમાવી દીધી છે એવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
૧૯૩૭માં માતા-પિતા શિવદાસ અને માધુરીને ત્યાં જન્મેલાં ડો. રેલેએ તેમનું બાળપણ પશ્ર્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં વિતાવ્યું હતું. સાત વર્ષની ઉંમરે ડો. રેલેને ગુરુ કરુણાકર પનીકર દ્વારા કથકલીમાં દીક્ષા આપવામાં આવી હતી. ગુજરાતમાં જન્મેલાં કનક રેલેનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ સવારે સાડાસાત વાગ્યે અવસાન થયું હતું, એવું પરિવારનાં સૂત્રોએ જણાવ્યું હતું. તેમના પરિવારમાં તેમના પતિ યતીન્દ્ર રેલે, પુત્ર રાહુલ, પુત્રવધૂ ઉમા અને પૌત્રો છે. તેમને કેરળ સરકાર દ્વારા પ્રથમ ગુરુ ગોપીનાથ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં.