કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
ભગવાન વિષ્ણુનું જયારે પણ સ્મરણ થાય ત્યારે હાથમાં પાંચજન્ય શંખ, પદ્મ, કૌમોદકી ગદા, સુદર્શન ચક્ર, પગ સુધી લટકનારી વનમાળાનું સ્મરણ થઈ આવે, ચક્ર ગતિશીલ છે છતાં નારાયણની પ્રતિભામાં તેમના હાથમાં રહેલું પદ્મ વધુ ધ્યાનાકર્ષક છે. એજ પ્રકારે ભારતમાં પુરસ્કાર તો અનેક છે પરંતુ જેનું મૂલ્ય અને કિંમત બન્ને ભારતની નજરમાં બહુમૂલ્ય છે તેવા પદ્મ પુરસ્કારનું અલગ જ આકર્ષણ છે.
પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે. દર વર્ષે ગણતંત્ર દિવસના પ્રસંગે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ‘પદ્મ વિભૂષણ’, ઉત્કૃષ્ટ કોટિની વિશિષ્ટ સેવા માટે ‘પદ્મભૂષણ’ અને વિશિષ્ટ સેવા માટે ‘પદ્મશ્રી’ પુરસ્કાર.પદ્મ પુરસ્કાર સમિતિની ભલામણને આધારે પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. દર વર્ષે આ સમિતિની રચના વડા પ્રધાન દ્વારા કરવામાં આવે છે. નામાંકન પ્રક્રિયા સામાન્ય લોકો માટે ખુલ્લી રહે છે. વ્યક્તિ પોતાના માટે પણ જાતે નામાંકન કરી શકે છે. કલા, વિજ્ઞાન, તબીબી, ખેલ જગત અને સંશોધનક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે.
આ વર્ષે પદ્મ પુરસ્કારનું એલાન થતા ફરી ગુજરાતીઓ છવાઈ ગયા. આમ તો ભારતના કોઈ પણ નાગરિકના સંઘર્ષને કોઈ પુરસ્કારથી મૂલવી જ ન શકાય. કારણ કે જે પ્રકારે મૂલ્ય અને કિંમત બન્ને સમાનાર્થી શબ્દ છે પરંતુ બન્નેનો અર્થ ખૂબ જ ગૂઢ અને વિશાળ છે. એ જ રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્નેમાંથી જે વ્યક્તિ પરિશ્રમરૂપી પુરૂષાર્થનું ચયન કરી છે તેમની મહેનત પારસમણી બનીને જગત ભરને પ્રેરણારૂપી તેજથી પ્રકાશિત કરે છે.
આમ તો પદ્મ પુરસ્કાર મેળવવામાં ગુજરાતી મહિલાઓ અવ્વ્લ ક્રમે આવે છે. વર્ષ ૧૯૫૪માં સૌપ્રથમ ભાગ મહેતાને સિવિલ સર્વિસ માટે પદ્મશ્રી મળ્યો હતો. જે બાદ હંસા જીવરાજ મહેતાને સમાજ સેવા માટે વર્ષ ૧૯૫૯માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. મૃણાલિની સારાભાઇને કલા ક્ષેત્રે યોગદાન માટે વર્ષ ૧૯૬૫માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૯૨માં પદ્મભૂષણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. ઇન્દુમતી ચીમનલાલ પટેલને સમાજ સેવા માટે વર્ષ ૧૯૭૦માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.સાવિત્રી ઇન્દ્રજીત પરીખને વર્ષ ૧૯૭૨માં કલાક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.બકુલાબહેન પરીખને વર્ષ ૧૯૮૧માં મેડિસિન ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. ઇલાબહેન ભટ્ટને સમાજ સેવા માટે વર્ષ ૧૯૮૫માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૮૬માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજિત કરવામાં આવ્યાં. મલ્લિકા સારાભાઇને કલા ક્ષેત્રે યોગદાન માટે ૨૦૧૦માં પદ્મભૂષણ સન્માન અપાયું. લોકગાયિકા દિવાળીબહેન ભીલને તેમની કલા બદલ વર્ષ ૧૯૯૦માં પદ્મશ્રી પ્રદાન કરવામાં આવ્યો. રેનાના ઝાબવાલાને તેમણે કરેલી સમાજસેવા માટેથી વર્ષ ૧૯૯૦માં પદ્મશ્રી એનાયત કરાયો.સિસ્ટર ફેલિસા ગરબાલાને સમાજ સેવાના કાર્ય માટે વર્ષ ૧૯૯૨માં પદ્મશ્રી પ્રદાન કરાયો.અભિનેત્રી આશા પારેખને કલા ક્ષેત્રમાં યોગદાન બદલ વર્ષ ૧૯૯૨માં પદ્મશ્રી એનાયત કરાયો હતો. કુમુદિની લાખિયાને વર્ષ ૧૯૮૭માં કલા ક્ષેત્રના યોગદાન માટે પદ્મશ્રી અને ૨૦૧૦માં પદ્મભૂષણ સન્માન અપાયું હતું. ડૉ.અમતા પટેલને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન બદલ વર્ષ ૨૦૦૧માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા. પૂર્ણિમાબહેન પકવાસાને સમાજસેવા માટે વર્ષ ૨૦૦૪માં પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાજમાતા ગોવર્ધન કુમારીને કલાક્ષેત્રમાં યોગદાન માટે વર્ષ ૨૦૦૭માં પદ્મશ્રી પ્રદાન કરવામાં આવ્યો. તો તરલા દલાલને વર્ષ ૨૦૦૭માં પાકકલા ક્ષેત્રમાં યોગદાન માટેથી પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો.
૨૦૦૪થી ૨૦૨૩ તરફ નજર કરીએ તો સમાજ સેવાના કાર્યમાં એક એવા મહિલાનું નામ તરી આવે છે જેમના યોગદાનથી સમસ્ત સમાજનો ઉત્કર્ષ થયો. આ વર્ષે પદ્મ સન્માન મેળવનારાઓમાં ૮ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મવિભૂષણથી નવાજાયા છે જ્યારે અમદાવાદસ્થિત કંપની રસનાના સ્થાપક સ્વ. અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને બાદ કરતા ૬ ગુજરાતીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે જાહેર થયેલા પદ્મ એવોર્ડ પૈકી જે એવોર્ડ ગુજરાતી મહિલાના ફાળે ગયો છે. એમની કામગીરી તો જાણવા જેવી છે જ
ભારતમાં મિનિ આફ્રિકા શ્ર્વસે છે, ખબર છે! આફ્રિકન ગામ ગુજરાતના પ્રખ્યાત ગીરના જંગલની મધ્યમાં આવેલું છે, જે જાંબુર તરીકે ઓળખાય છે. અહીં રહેતા સિદ્દી આદિવાસીઓ મૂળ આફ્રિકાના બંતુ સમુદાયના છે. આજે પણ આફ્રિકન રીત-રિવાજોની ઝલક તેમની સભ્યતા અને સંસ્કૃતિમાં જોવા મળે છે. તેમનું એક પરંપરાગત નૃત્ય ‘ધમાલ’ ખૂબ જ પ્રખ્યાત છે. નૃત્યના સહારે ઘર ચાલે? ભારતમાં ૬૦ હજાર સિદ્દીઓમાંથી મોટાભાગના ઇસ્લામ ધર્મ પાળે છે. બહુ ઓછી સંખ્યામાં લોકો પણ હિંદુ ધર્મને અનુસરે છે. સિદ્દીઓ ભારતમાં સદીઓથી વસવાટ કરે છે. સમાજને સન્માન તો ઘણું મળ્યું પરંતુ જઠરાગ્નિ ઠારવા પૈસા ન મળ્યા. તેમની કલાની કિંમત કોડીની છે જયારે નૃત્યનું મૂલ્ય તો સવિશેષ છે. છતાં સિદ્દી આદિવાસી સમુદાય હંમેશાં ઉપેક્ષાને પાત્ર જ રહ્યો ત્યારે સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપનાર ગીર સોમનાથના જાંબુરના વતની હિરાબાઇ લોબીને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યું છે. હીરાબાઈએ સીદ્ી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય
કર્યું છે.
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદ્ી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદ્ી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગીરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ છે.
હીરાબાઈ તમિલનાડુનાં દાદીમાની યાદ કરાવી જાય છે. પદ્મશ્રી પપ્પમ્મલ તમિલનાડુમાં જ નહીં, પણ ભારતભરમાં ૧૦૫ વર્ષેય ખેતી કરતાં દાદીમા તરીકે જાણીતા છે. કોઈમ્બતુરના આ દાદીમાં દેશના સૌથી વયોવૃદ્ધ ખેડૂત છે. તેમની વય ૧૦૫થી ૧૦૭ વર્ષ હોવાનો અંદાજ છે. ઉંમરના આ પડાવે પહોંચ્યા પછી પણ પમ્પમ્મલ દાદીમાં સંપૂર્ણપણે નિરોગી છે. દરરોજ ખેતરમાં પાંચથી છ કલાક કંઈકનું કંઈ કામ કરતાં રહે છે. ઓર્ગેનિક ખેતી કરતાં આ દાદીમાનો પાઠ હવે તો તમિલનાડુની કૃષિ યુનિવર્સિટીમાં પણ ભણાવાય છે. તેમનાં લાંબાં અને નિરોગી આયુષ્યનું રહસ્ય તેમનાં હેલ્ધી ખોરાકમાં રહેલું છે. આ દાદીમાં ખોરાકમાં ભરપૂર શાકભાજીનો સમાવેશ કરે છે. વર્ષોથી તેઓ પાંદડાંની જાતે બનાવેલી ડીશમાં ભોજન આરોગે છે. ક્યારેય અન્ય મટિરિયલમાંથી બનેલી ડીશનો ઉપયોગ કરતાં નથી. ઠંડું પીણું તો દૂરની વાત છે, આ દાદીમા ક્યારેય ઠંડું પાણી સુધ્ધાં પીતાં નથી. ચા-કોફીનો સ્પર્શ કરતાં નથી. કાયમ ગરમ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે. તેમની દિનચર્ચા અને ખોરાકની આદતો વિશે તમિલનાડુના સંશોધકોએ અભ્યાસ કર્યો છે. દેશભરમાં ઓર્ગેનિક ફાર્મિંગના સેમીનાર્સમાં પણ દાદીમા ઉત્સાહભેર ભાગ લે છે અને લોકોને ઓર્ગેનિક ખેતીના ફાયદા સમજાવે છે.
એ જ પ્રકારે સિદી સમાજની જેમ આદિવાસી સમાજની પ્રાચીન પરંપરાને જાળવી રાખતા પદ્મશ્રી ભુરી બાઈને કેમ ભુલી શકાય. મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં જન્મેલાં ચિત્રકાર ભુરી બાઈના ચિત્રોમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલાયું છે. આદિવાસી સમાજના વિવિધ પાસાંને તેમણે ચિત્રોમાં ઉતાર્યા છે. દેવી-દેવતાઓથી લઈને કુદરતી દૃશ્યો પણ તેમનાં ચિત્રોનો વિષય બન્યાં છે. તેમણે ચિત્રકળાની શરૂઆત દીવાલોમાં ચિત્રો દોરીને કરી હતી. આરંભના દિવસોમાં તેમની કળાને મધ્ય પ્રદેશમાં ભારતભવનના સ્થાપક અને જાણીતા ચિત્રકાર જે સ્વામીનાથને પ્રોત્સાહિત કરી હતી. ભુરી બાઈએ આદિવાસીઓની ઘણી માન્યતાઓથી અલગ પોતાનો રસ્તો પણ કંડાર્યો છે. જેમ કે પીરિયડ્સ દરમિયાન આદિવાસી યુવતીઓ ચિત્રો દોરતી નથી. આદિવાસી સમાજની માન્યતા પ્રમાણે એ દિવસોમાં ચિત્રો દોરી શકાય નહીં, પરંતુ ભુરી બાઈએ એ બધી માન્યતાઓને બાજુ પર રાખીને ચિત્રો દોર્યાં હતાં. ભુરી બાઈએ પેઈન્ટિંગ માટે કેનવાસનો ઉપયોગ પણ કર્યો હતો. આવું કરનારાં તેઓ ભીલ સમાજના પ્રથમ મહિલા છે. તેમના ચિત્રોમાં અને તેમના વ્યક્તિત્વમાં પરંપરા તેમજ આધુનિકતાનો અનોખો સંયોગ જોવા મળે છે.જેમ પ્રથમ કહ્યું તેમ પુરસ્કાર તો પુરુષાર્થની દેન છે જયારે ભગવાન વિષ્ણુનું ‘પદ્મ’ આ પુરસ્કારમાં ઉમેરાય છે ત્યારે રાષ્ટ્રનું ગૌરવ ઉન્નત થાય છે. ત્યારે હીરાબાઈ, પપ્પમ્મલ અને ભુરી બાઈનો પરિશ્રમ ‘પદ્મ’થી પણ વિશેષ છે.