શુક્રવાર-શનિવારની મધ્યરાત્રીએ અમદાવાદની સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતની 17 જેલોમાં તાબળતોબ દરોડા પાડવામાં આવ્યા હતા. જેલમાંથી ઘણા કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સાબરમતી જેલમાંથી ગાંજો મળ્યો હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કંટ્રોલ રૂમમાંથી દરોડાનું લાઈવ મોનીટરીંગ કર્યું હતું.
જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને પકડી પાડવા આ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ કેદીઓને નિયમ મુજબ યોગ્ય વ્યવસ્થા મળી રહી છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ માહિતી આપી હતી.
ગુજરાત પોલીસના 1700 પોલીસકર્મીઓએ આ દરોડામાં જોડાયા હતા. આ દરોડા અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, મહેસાણા, ભાવનગર, બનાસકાઠા સહિતની જેલોમાં પાડવામાં આવ્યા હતા. અમદાવાદની સેન્ટ્રલ જેલ સૌથી મોટી જેલ હોવાથી 300 પોલીસકર્મીઓએ દરોડા પાડ્યા હતા. જેલમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન જેલમાં મોટા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો છે. અકરમ અબ્દુલ અઝીઝ શેખ નામના કેદી પાસે ગાંજો ઝડપાયો છે. ગાંજાના લગભગ 40 જેટલા પેકેટ મળી આવ્યા છે. સાથે જ જેલના કર્મચારીઓ જ કેદીઓને મોબાઈલ આપતા હોવાનું પણ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે
સુરતની લાજપોર જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન, ગાંજા અને ચરસની પડીકીઓ મળી આવી હતી. પોલીસે તપાસ શરુ કરતા કેદીઓએ જેલમાં તોડફોડ શરૂ કરી હતી. કેદીઓએ ટ્યુબલાઈટ તોડી અને વાસણો ફેંક્યા હતા. પોલીસેને વધુ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી.
પોલીસ ભવન ખાતે ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા દરોડાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ આજે પણ તપાસ ચાલુ રહેશે.
દરોડા દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ જેલમાં કેદીઓને શું સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની પણ ચકાસણી કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સીએમ ડેશબોર્ડ પર દરોડાની દેખરેખ રાખી હતી.
ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું કે, “માહિતી મળી છે કે ઘણી જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસની સાથે સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનું સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેનું લાઈવ પ્રસારણ ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ થઇ રહ્યું છે.”