(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા સાત મહિનામાં 4,000 કિલોગ્રામથી પણ વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. આ પ્રતિબંધિત અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો અને ડીલરો પાસેથી 40 લાખ રૂપિયાથી પણ વધુ દંડ વસૂલ્યો છે.
મુંબઈમાં છેલ્લા થોડા સમયથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની પાલિકાની કાર્યવાહી થોડી ધીમી પડી ગઈ હતી. હવે જોકે પાલિકાએ ફરી પોતાના તમામ 24 વોર્ડમાં કાર્યવાહી ઝડપી બનાવી છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ પહેલી જુલાઈ, 2022થી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશના પાલિકાએ ફરી શરૂ કરી હતી. આ ઝુંબેશ હેઠળ બજારો, દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ વિભાગની પાલિકાની ટીમ દ્વારા વારંવાર મોલ, સુપર માર્કેટ અને દુકાનોમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. તો તહેવારો દરમિયાન પણ ખાસ ઈન્સ્પેકશન કરવામાં આવતું હોય છે. એ સાથે જ પાલિકા હોટલ અને કેટરર્સની ત્યાં પણ ઈન્સ્પેકશન કરતી હોય છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ જુલાઈ, 2022થી ચાલુ થયેલી કાર્યવાહીમાં અત્યાર સુધી લગભગ 4,000 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને તેમની પાસેથી 40 લાખ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2018માં રાજ્ય સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો હતો. કાયદાનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ વસૂલવાની સાથે જ ત્રણ મહિનાની જેલની સજાની પણ જોગવાઈ છે.