Homeતરો તાજાઅમારી હિમાલય યાત્રા ઘણી ચિત્ર-વિચિત્રતાથી ભરેલી છે જૈન સાધુની હિમાલય યાત્રા-આચાર્ય...

અમારી હિમાલય યાત્રા ઘણી ચિત્ર-વિચિત્રતાથી ભરેલી છે જૈન સાધુની હિમાલય યાત્રા-આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

અમારી હિમાલય યાત્રા ઘણી ચિત્ર-વિચિત્રતાથી ભરેલી છે

જૈન સાધુની હિમાલય યાત્રા-આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

બહાદુરપુર
વૈ.સુ. ૭, રવિવાર, તા. ૨૨-૦૪-૨૦૧૮
જેમ જેમ આગળ ચાલતા જઈએ છીએ વાતાવરણ શુદ્ધ થતું જાય છે. વન હજુ ઘાટાં થતાં જાય છે. ગામડાઓમાં મુસ્લિમ વસ્તી વધુ જોવા મળે છે. આજે સવારે મંડાવર ગામ આવ્યું. ઠીક ઠીક મોટું હતું, અમે બહાદુરપુર પહોંચ્યા, ત્યાં પણ સાર્વજનિક ભવનમાં તરત જ વ્યવસ્થા થઈ ગઈ. ગામમાં ચમારોનાં ઘર ઘણાં છે. ગોચરી જવાનો પ્રશ્ર્ન જ નથી. જાટનાં ઘર ૧૫૦થી વધુ છે, પણ કંદમૂળ ખૂબ ખાય છે. આજે માત્ર કેળાથી એકાસણું થયું. સાંજે ખીરની ગામમાં રાત્રિ વિશ્રામ થયો. બીજા દિવસે સવારે આગળ ચાલ્યા, રોડ ખૂબ ખરાબ હતો. કહેવા માટેનો રોડ બાકી તો ખાડા ટેકરા સિવાય કંઈ જોવા ન મળે તેમાંય મોટી ટ્રોલીમાં શેરડી ભરેલા ટ્રેક્ટર મોટા બે ટાયર ઉપર જ ચાલતા. આગળના બે પૈડા હવામાં ઊંચા કરી થઈ જાય. એક વસ્તુ જોવાની મજા આવી. તે અહીંની પાડાગાડી, અરે મેરઠથી નીકળ્યા ત્યારથી પાડાગાડીનું સામ્રાજ્ય જોવા મળ્યું. જોકે મહારાષ્ટ્રમાં પાડાગાડી જોઈ હતી. ગાય ભેંસને પણ હળમાં જોડીને ખેતર ખેડતા ખેડૂતો મહારાષ્ટ્રમાં જોવા મળ્યા હતા. અહીં પાડા જોયા. એક પાડો એક ટ્રેક્ટર જેટલી શેરડીનું વહન કરે ઉપરથી લાકડીનાં માર પડે. અત્યંત કરુણાજનક દૃશ્ય હોય. બાળપણમાં ઘણી વાર વડીલોના મુખે સાંભળ્યું હતું “સંયમની આરાધના સારી કરો, નહીં તો જૈન સંઘના રોટલા ખાઈને ભરૂચના પાડા બનશો. જો કે તે વખતે કંઈ ખબર નહીં આ ભરૂચના પાડા શું હોય. પણ જતા દિવસે ખબર પડી ભરૂચ શહેરના પાદરમાં વહેતી નર્મદાની ઊંચી ભેખડો ઉપર પાણીની પખાલ લઈને ચઢતા પાડાની વાત છે. એક તો સીધું ચઢાણ. પગ રેતીમાં ખૂંચી જાય. પીઠ પર પાણીનો મહાબોજ ઉપરથી માલિકના ધોકાનો માર. ઉપર કાળઝાળ ગરમી ચઢતા વ્હેંત જેવડી જીભ બહાર નીકળી જાય. આવા અસહાય પાડાની વાત છે. ભરૂચ જવાનું થયું ત્યારે એકે પાડો જોવ તો ન મળ્યો, પણ અહીં ઉત્તરભારતમાં આ પાડાની શી વલે થઈ રહી છે, એ નજરે જોયું. ભરૂચના પાડા તો પાણી ખેંચે અહીંના પાડાતો શેરડીનો મસમોટા ભાર ખેંચે ઉપરથી ધોકાના માર તો ખરા જ. એમાંય જોયું તો પાડાની જીભ બહાર નીકળી જાય. માલિકને જરાય દયા-કરુણા નહીં. જાણે પાડાનો જન્મ જ માનવીના ત્રાસને સહન કરવા માટે થયો હોય તેમ લાગે સાધકોને સાવધાન કરવા હવે તો ‘ભરૂચના પાડા’ નહીં પણ ‘મેરઠના પાડા થશો’ એવું કહેવું જોઈએ. કરેલાં કર્મોથી આજ સુધી કોણ છૂટ્યું છે. દરેક પાડા માટે શુભકામના કરતા આગળ વધી રહ્યા છીએ. બાલાવલીથી હજુ તો થોડાક આગળ વધો ત્યાં તો મસમોટો લોખંડનો પુલ આવ્યો. અંગ્રેજોના જમાનામાં બનેલો ૨ કિ.મી. લાંબો પુલ આજેય મજબૂત છે. જ્યાં પુલ પૂરો થયો ત્યાં તો ‘દેવભૂમિ ઉત્તરાખંડ મેં આપ કા સ્વાગત હૈ’નું મોટું બોર્ડ આવ્યું. એટલે કે અમે ઉત્તરાખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યાં જ પોલીસચોકી હતી, અમને રસ્તે જતા જોઈને ૪-૫ પોલીસ બહાર આવી ગયા. પૂછપરછ થઈ છેલ્લે ‘નમસ્તે’કરીને અમને વિદાય કર્યા. અમે ‘ધર્મલાભ’ના આશીર્વાદ આપ્યા. આજે ઉત્તરાખંડમાં પ્રવેશતા જ શેરડીનો રસ કાઢવાના કોલ્હુની ભરમાર ઊભી થઈ. જ્યાં જુઓ ત્યાં ગોળ અને સાકર બનાવવાનું ચાલુ હતું. અમે રસ્તામાંથી ચાલ્યા જતા હોઈએ ત્યાં તો કોઈક દિશાથી અવાજ આવે ‘અરે ઓ બાબા ! રસ પી લો…’ અમે અવાજની દિશામાં જોઈએ તો શેરડી પીલવાવાળો અમને રસ પીવા બોલાવતો હતો. સચિત્ત રસ વપરાય નહીં. તેની પાસે જઈને અમે તેને સમજાવ્યો. તો કહે ‘અરે બાબા! તાજા ગુડ લેલો, શક્કર લેલો’ પણ કંઈકને કંઈક દોષ હોય જ તેથી ગોળ લેવાય તેવો ન હતો. વસ્તુ સારી હોય, શુદ્ધ હોય. આપનારના ભાવ સારા હોય છતાં જૈનસાધુના નિયમથી એ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો જૈન સાધુ એ વસ્તુ લે નહીં. આપનાર ભાવિકોને પ્રેમથી ‘ના’ પાડીને આશીર્વાદ આપે. કોલ્હુવાળો દિલગીર થઈ ગયો. ‘ક્યાં બાબા! હમારે ભાગ મેં આપકી ભક્તિ નહીં.’ તે બે હાથ જોડી ઉદાસ ચહેરે અમને વકાશી રહ્યો. અમે આશીર્વાદ આપી આગળ ચાલ્યા. આવું બે ત્રણ વાર થયું.
રાયસી ગામ પહોંચ્યા, રહેવાની વ્યવસ્થા સંયમ સાધના યોગ્ય ન હતી, આગળ હજુ ૪ કિ.મી. ચાલવાનો વિચાર હતો, પણ ગામની બહાર રેલવેસ્ટેશનની પાસે જ એક મહાદેવજીનું મંદિર હતું, એમાં વ્યવસ્થા થઈ ગઈ.
મહાદેવજી એકલા બેઠા છે. આજે સાંજે વિહારનો સમય થઈ ગયો. ઘડિયાળમાં ૪.૩૦ વાગ્યા છે. હજુ સુધી કોઈ મહાદેવજીનો ભગત આ બાજુ ફરક્યો નથી. જો કે અમારા માટે તો અનુકૂળ હતું. આજે તો આઠમ હતી, એકાસણું કોરી ખીચડીથી થયું. સાંજે ૧૨ કિ.મી.નો વિહાર કરવો જ પડ્યો, ૭ કિ.મી. સમજીને નીકળ્યા હતા પણ આખું ગામ મુસલમાનોનું, જ્યાં જુઓ ત્યાં નોનવેજ ખવાતું હતું, આ ગામમાં રહેવાય કેમ? છેવટે હજુ ૫ કિ.મી. વધુ આગળ ચાલીને સંત રવિદાસના મંદિરમાં રાત્રી વિશ્રામ કર્યો.
નૂરપુર
વૈ.સુ. ૯, મંગળવાર, તા. ૨૪-૦૪-૨૦૧૮
અમારી હિમાલય યાત્રા ઘણી ચિત્ર વિચિત્રતાથી ભરેલી છે. અમારે આવતી કાલે ક્યાં જવાનું છે. એનો કોઈ અણસાર નથી. અરે… હમણા વિહાર ચાલુ છે, તો ક્યાં જઈને આજે રોકાઈશું. ક્યાં જઈને ગોચરી વાપરશું. ક્યાં વિશ્રામ કરશું. કંઈ જ નક્કી નહીં. બસ ચાલતા જઈએ છીએ. થાક લાગે… ભૂખ લાગે… સંયમ સાધનાને અનુકૂળ સ્થાન મળી જાય એટલે અમે રોકાઈ જઈએ. અમારે જ ચાલવાનું અમારે જ વસતિ શોધવાની અમારે જ રહેવાનું અને થોડાક કલાકમાં વળી એ વસતિને છોડીને આગળ નીકળી જવાનું. વળી કોઈક નવા મુકામે નીકળીએ ત્યારે કોઈને ખબર ન હોય કે આજે ક્યાં પહોંચવાનું છે. સાંજના વિહારમાં પણ આ રીતે અખત્યાર કરેલી ‘રાત પડતા પહેલા જ્યાં પહોંચાય ત્યાં રોકાઈ જવું. આજ તો આનંદ છે અપ્રતિબદ્ધ વિહારનો. પૂર્વ નિશ્ર્ચિત કંઈ ન હોય. બસ અમારો પ્રભુ અમને ચલાવશે ત્યાં સુધી ચાલતા રહેવું છે. સવારે સમયસર નીકળ્યા હવે હરિદ્વાર દૂર નથી. લાગે છે આજે સાંજે પહોંચીશું કે કાલે. આજે નૂરપૂર ગામમાં પહોંચ્યા છીએ. ગામની ગ્રામપંચાયતમાં આજનો ઉતારો છે. શરૂઆતમાં તો ચોકીદારે આનાકાની કરી પછી ગેટ ખોલી આપ્યો. ગોચરી માટે હરિદ્વાર ભોજનશાળામાં સમાચાર કરી દીધા હતા. ૧૧ વાગે તો ગોચરી આવી ગઈ. એકાસણું કર્યું, સાંજે કનખલ જવા માટે નીકળ્યા, ત્યાં જ પૂછતા ખબર પડી કે હરકી પૌડી જવા માટે અહીંથી શોર્ટકટ રસ્તો છે. અમારો પ્રોગ્રામ ચાલતા રસ્તે જ બદલાઈ ગયો, જો કે કનખલ રસ્તામાં આવ્યું. સાંજે ૭ વાગે ગંગાની આરતી થાય, ૪ કિ.મી. ગંગાઘાટ પર જ ચાલવાનું હતું. ગંગાના પશ્ર્ચિમ કિનારે જાત જાતનાં અસંખ્ય મંદિરો છે. નિર્મળજળથી ભરપૂર ગંગા વહેતી જાય છે. માણસોની ભીડ ક્યાંય સમાતી નથી. ગંગાઘાટે ચાલતા ચાલતા અવર્ણનીય આનંદ થતો હતો. શુભ્રધારા અમને ઘણું બધું કહી રહી હતી. ત્યાંથી અમે સાંજે શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ પ્રભુનાં ચરણોમાં પહોંચ્યા. અહીં પહોંચવાનું હતું ચૌદસના દિવસે પણ વૈ.સુ. ૧૦ના પ્રભુ વીરનાં કેવલજ્ઞાન કલ્યાણકને દિવસે અમને પ્રભુ પ્રાપ્ત થયા. હવે ૪-૫ દિવસ અહીંજ રોકાવાનું છે. હિમાલય યાત્રાની તૈયારીઓ લગભગ થઈ ચૂકી છે. રસ્તા, સરનામાં, સંપર્ક નંબર, નકશા આદિ આવશ્યક વસ્તુઓ વિનોદભાઈ અને વિરેન્દ્રભાઈએ લાવી આપી. વિનોદભાઈ અહીં ચિંતામણી પાર્શ્ર્વનાથ જૈન તીર્થ-હરિદ્વારના મેનેજર છે અને વિરેન્દ્રભાઈ એક કાર્યનિષ્ઠ સેવક ગમે તેવું કાર્ય હોય તે ખડે પગે રહે છે અમારી યાત્રાની તૈયારીમાં તેમણે દિલથી સહાયતા કરી. બસ હવે વૈશાખ સુદ ૧૪ રવિવારના શુભ દિવસે મંગળ પ્રયાણ આદરવાનું છે અષ્ટાપદ તરફ. આદિશ્ર્વરદાદાએ દક્ષિણમાં જતા અમને એકદમ ઉત્તરમાં મોકલી દીધા. ખબર નહીં પ્રભુએ અમારા માટે શું નિર્ધાર્યું હશે. નહીં તો ચાતુર્માસ પછીનું પહેલું પ્રસ્થાનનું મુહૂર્ત દક્ષિણ દિશા તરફનું કર્યું હતું. પણ આજે અમે ઉત્તરમાં બેઠા છીએ અષ્ટાપદ તીર્થની તળેટીએ.’
ઋષિકેશ
વૈ.સુ. ૧૪, રવિવાર, તા. ૨૯-૦૪-૨૦૧૮
સમીસાંજનો સમય છે. સામે અમૃતવાહિની ગંગા વહી રહી છે. નદીનો કલકલ સ્વ. અમારા તન-મનના થાક ને હરવા અવિરત પ્રયત્ન કરી રહ્યો છે. સફેદ દૂધની વિશાળધારા ૩૦૦ કિ.મી. પર્વતશ્રેણીમાંથી વહેતી સમતલ જમીન પર પ્રવાહિત છે. સામે કિનારે મોરલો સોળે કળાએ ખીલ્યો છે. સાથે ચારે’ક ઢેલ કળાએલ મોરલાના આનંદમાં વૃદ્ધિ કરી રહી છે. એક તરફ દૂર એક વન હસ્તી પાણીમાં મહાલી રહ્યો છે. માત્ર તેની પીઠ દેખાય છે, તેની સામે બીજો વનગજ ઝૂલતી સૂંઢથી જળક્રિડા કરી રહ્યો. પાછળ ઊંચા અને અજાણ્યા વૃક્ષોનું ઘનઘોર જંગલ છે. અને એની પાછળ છે નગાધિરાજ હિમાલય. શિવાલિક પર્વતશ્રેણીઓમાં દૂર દૂર ક્યાંક વચ્ચેથી આકાશમાં ઉપર જતી ધૂમ્રસેરો જોવા મળે છે, કદાચ કોઈ યોગી ત્યાં ધૂણી ધખાવીને અલખ જગાવવાની તૈયારી કરી રહ્યો છે, અને જ્યાં બેઠા ત્યાંથી સામે જ નદીના વળાંક ઉપરથી ધીરે ધીરે વહેતા નાનકડા દીવડાવાળા પત્રપાત્રો આ તરફ આવી રહ્યા છે. કોઈક ભક્તે પોતાના જીવનમાં અજવાળું ફેલાય એવી જ કોઈ ભાવનાથી આ પડિયામાં દીપક વહેતા કર્યા હશે. સૂરજ તો ક્યારેનો’ય વાદળમાં છુપાઈ ગયો છે. કદાચ અસ્ત પણ થઈ ગયો હોય, ખબર નથી, સાવ અંધારું તો થયું નથી. એક વાર વહી ગયા પછી ફરી ક્યારેય પાછા નહીં આવવાની ભીષ્મપ્રતિજ્ઞાના સાધક વહેતા વહેણના નીર અવિરત અવિલંબ આગળ દોડી રહ્યા છે. કદાચ સંદેશ આપી રહ્યા છે.
‘વ્હેતા રહેશે તે નિર્મળ રહેશે, જેનું લક્ષ્ય પાકું હશે તે સિદ્ધિ પ્રાપ્ત કરશે જ.’
મર્યાદામાં રહીને લક્ષ્ય તરફ આગળ વધવું એ જ મંઝિલની પ્રાપ્તિનો સચોટ ઉપાય.
એવી મર્યાદા, એવું બંધન, એવી નિર્મળતા, એવું લક્ષ્ય શું કામનું કે જે શરણે આવેલાને શાતા ન આપે.
પણ અહીં તો જગજીવની ગંગા આખાય આર્યાવર્તનો થાક ઉતારવા સમર્થ છે. તેને જોતા જ મન:આનંદથી ભાવવિભોર બની જાય. પણ આજનો આ માણસ!
સરયુ અને માણસમાં વિરોધાભાસનો પાર નથી. સતત ઘરમાં ભરાઈ રહે તે માણસ, પોતાનું ઘર છોડીને સતત પરોપકાર કરે તે નદી. મર્યાદાને બોજ અને બંધન માને તે માણસ, બંને કિનારાની વચ્ચે પોતાની મર્યાદા ન છોડતી દોડતી નદી. સતત ચિંતામાં મૂંઝાઈ જાય તે માણસ, સતત કલકલ નાદનાં સૂર છેડતી આનંદપુર નદી. શરણે આવેલાને લાત મારી ને હડધૂત કરતો માણસ, શરણે આવેલાને શાંતિ અને શીતળતા પીરસતી નદી. એટલે જ થોડુંક જીવીને ઓલવાઈ જતો માણસ, સાગરમાં અસ્તિત્વ સમાવી દઈને અમર થઈ જતી નદી.
દૂર દૂર… જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ગંગાસ્નાન કરીને પાપ ધોવાની મહેનત કરી રહેલ ગંગાભક્તોને ખબર નથી પાપીઓનાં પાપની ભોગ બનેલી નદીનાં શા હાલ છે. વિચારધારા આગળ ચાલી નહીં.
દૂર ઘંટનાદ, શંખનાદ, ઝાલર, ઢોલ, મંજીરાનો યુગપદ રવ વાતાવરણને ભર્યું ભર્યું કરતો હતો. ગંગા મૈયાની આરતી પ્રારંભ થઈ ચૂકી હતી. એક સાથે ૧૫ જેટલી મહાઆરતી સૂર-તાલ સાથે ડોલી રહી હતી. નદીમાં દીપકપત્રોમાં વૃદ્ધિ થઈ હતી. દૃશ્ય દેવદુર્લભ હતું. એક તાલ એક સૂરે હજારો ભક્તો આરતી ગાઈ રહ્યા હતા. ગંગા એ આરતીનાં પ્રતિબિંબો ઝીલીને જાણે આરતીનો સ્વીકાર કર્યો. આરતી લગભગ અડધો કલાક સુધી ચાલી. અમારો રાત્રી વિશ્રામ આજે આ જ ગંગાઘાટ પર ગંગાદર્શન માટે ઊભા રહેવા માટે બનાવેલી નાનકડી ચોકીમાં જ હતો. અવનિ પર અંધારાના ઓળા ઊતરી ચુક્યા હતા. સર્વત્ર અંધકારનું સામ્રાજ્ય ફેલાયું. ત્યાં તો ઉદયાચલ પર સુદી ચૌદસનો ચંદ્ર અનેરી આભા લઈને અવતર્યો. ધવલ કિરણોથી ગંગાને જાણે રજતપત્રથી ઢાંકી દીધી. ત્યાં જ દૂધમલ ચાંદનીથી દશે દિશા ભિંજાઈ ગઈ હિમાલયી ચાંદનીનું અમી પીતા પીતા તૃપ્તિ ન થાય. અમે ચૌદસનું પ્રતિક્રમણ કરવા બેઠા. સામો કિનારો આછો આછો દેખાતો હતો. પેલા બંને હાથી ત્યાંથી ચાલ્યા ગયા હતા. મયૂરપરિવાર સ્વસ્થાને પ્રસ્થાન ક્યારનું કરી ચુક્યું હતું. ધીરે ધીરે યાત્રિકો ઓછા થતા ગયા. બધું શાંત થઈ ગયું, સિવાય ગંગાનો ઘેરો ઘોષ. અવની પર અંધારાએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. છેલ્લે નદીનાં પાણી જાગતા વહેતા હતા. દૂર ડુંગરમાળમાં ક્યાંક ક્યાંક નાનકડા દીવા ચમકતા હતા. કોઈક હજુ જાગતું હશે ત્યાં. અષ્ટાપદ તીર્થની રક્ષાર્થે લાવેલી આ ગંગા કદાચ આદિશ્ર્વરદાદાનો કંઈક સંદેશો લાવી હશે. એની પ્રતિક્ષામાં અમે લગભગ રાત્રે બે વાગ્યા સુધી જાગ્યા, કવિ હૃદયને કામણ કરનારી આ ગંગધારાથી આંખ મીંચી લેવાનું જરાય ગમતું ન હતું. આજે સવારે ૧૨ કિ.મી. ચાલ્યા. સાંજે ૮ કિ.મી. ચાલ્યા પણ થાક લાગ્યો નથી. નિદ્રા આવતી નથી. સામે કિનારે કેટલાક વન્ય પ્રાણીઓ પાણી પીવા આવી ગયા હતા. ચંદ્રની ચાંદનીના આછા પ્રકાશમાં ૩ હાથી દેખાયા ૪-૫ જેટલા દીપડા હતા, દૂર કિનારા પર હરણોનું ટોળું પાણી પીતું હતું. કુદરતનાં બાળકો નિર્ભિકપણે જાણે માનું ધાવણ ધાવતા હોય એવા નિશ્ર્ચિત મને આખાય દિવસની તરસ છીપાવી રહ્યા હતા. ગજબાળ મદનિયા કાંઈ તોફાન મસ્તી કર્યા વિના રહે? એ તો નવી નવી જાતના અવાજ કરીને કંઈક કહી રહ્યા હતા, સમજાયું નહીં. દીપડા તો પાણી પીને એક તરફ જંગલમાં અદૃશ્ય થઈ ગયા પણ હાથીઓને જાણે ઘણા સમય પછી માનો ખોળો મળ્યો હોય તેમ ગંગામાં જ પડ્યા પાથર્યા રહ્યા. મૃગવૃંદને કોઈ ઉતાવળ ન હતી. દીપડા ચાલ્યા ગયા પછી હજુ નિશ્ર્ચિંત થઈ ગયું હોય તેમ લાગતું હતું. મૃગશાવકો ઉછળકૂદ આ વાતની સાખ પૂરવા સક્ષમ હતી. પાણીનો અવાજ વધુ ઘેરો થતો જતો હતો. કદાચ નદીમાં પાણી બહુ ઘેરું થતું હોય તેવું લાગતું હતું. દિવસની ગરમીથી પીગળેલા બરફનું પાણી છેક રાત્રે અહીં પહોંચે તો નદીનું સ્તર વધે તે સહજ છે.
લગભગ રાત્રે અઢી વાગ્યા પછી ક્યારે આંખ મીંચાઈ કંઈ ખબર પડી નહીં. પાછા સવારે ૪ વાગે આંખ ઉઘડી ગઈ. ચંદ્ર તો હજુ અસ્તાચલથી ઉપર હતો. કેટલાક પાપ ધોવાની ઉતાવળવાળા ભક્તો ગંગાતટે આવી ગયા હતા. આવશ્યક ક્રિયા આટોપીને સાવ ગંગાકાંઠે ગોઠવાયેલા આરા ઉપર અમે તો આસન જમાવ્યું. લગભગ દોઢ કલાક સુધી જાપ કર્યો, ધ્યાન ધર્યું, પ્રભુ ભજ્યા. ક્યાંય જવાની ઉતાવળ તો હતી નહીં. સવારે પ્રાચીમાં શિવાલીકના શિખર ઉપર બીરાજી કાશ્યપના પુત્રે સુવર્ણકિરણોથી આખી ગંગાને મઢી દીધો. જાણે આખી ગંગાને સુવર્ણવરખ લગાવી દીધો હોય તેવી ચમકતી હતી. ખૂબ સુંદર દૃશ્ય હતું. હજુ પેલા મોરલા આવ્યા નથી.
પાછા ગંગાને મળવાનો કોલ આપી અમે શ્રી શાંતિનાથપ્રભુનાં દેરાસર તરફ આગળ વધ્યા. ઋષિકેશ મોટું છે. લગભગ ૧૦ કિ.મી. પૃથ્વી ખંડમાં પથરાયેલું ઋષિકેશ ખરેખર ખૂબ સરસ છે. અમને તો હરિદ્વાર કરતાં ઋષિકેશ વધુ સારું લાગ્યું. ગંગાકિનારે ધ્યાન-જાપ માટે નિર્જન આરા-કિનારા ઘણા છે. આશ્રમો ઘણા છે. ૧૦-૧૦ માળનાં મંદિરોનો કોઈ તોટો નથી. આખું ગામ સહેલાણીઓથી ઊભરાય છે, જાણે મેળો જામ્યો હોય તેવું જ દૃશ્ય છે. હજારો લાખો માણસોની ભીડની વચ્ચે આનંદ માણનારા સાધકોને એ ખબર નથી વાસ્તવિક આનંદ શું હોય. એકવાર ઋષિકેશ આવીને ગંગા કિનારે આસન જમાવીને બેસો તો આનંદનો મહાસાગર ઊમટી પડશે. જેણે ગંગાનો સ્વાદ ચાખ્યો છે, તેઓ બીજે ક્યાંક જવા ઉત્સાહિત થતા નથી. ગંગામાં ગજબનું આકર્ષણ છે. ગજબનું કામણ છે.
ઋષિકેશમાં શ્રી શાંતિનાથપ્રભુનું શિખરબંધ દેરાસર છે. મુંબઈનાં એક જ ભાગ્યશાળી પરિવારે આખુંય દેરાસર નિર્માણ કર્યું છે. આજુ બાજુ ઉપાશ્રય અને રસોડું છે. અહીં શ્ર્વેતાંબર જૈનોનાં ૪ ઘરો છે. સંભાળ સારી રાખે છે. અમને તો અહીં પૂજારી ગમ્યો. નામ એનું ‘ટીકારામ’ આયા ગયાની સારસંભાળમાં જોટો ન જડે. વિનય વિવેક અને મધુરી વાણીથી સાધુ સંતોનું મન મોહી લે.
આજે મુંબઈથી સુશ્રાવક અનિલભાઈ આવ્યા છે અમારી યાત્રાની તૈયારીની ફરી એકવાર ચેકિંગ થઈ. હજું કઈ રહી જતું નથી ને? ખૂટતું વધતુ અનિલભાઈએ વ્યવસ્થા કરી આપી. એ સિવાય પણ કંઈ આવશ્યકતા હોય તો યાદ કરવાની વિનંતી કરી.
શ્રાવક શ્રાવિકાઓ વંદનાર્થે આવ્યાં. હિમાલય સંબંધી થોડીક જાણકારી વધુ પ્રાપ્ત થઈ. અમારી યાત્રા આવતીકાલથી ઉર્ધ્વયાત્રા થશે. ટ્રસ્ટીશ્રી વિજયભાઈએ કેટલાક અગવડ સગવડ, અનુકૂળતા-પ્રતિકૂળતાની વાત કરી. એ માટે અમારે શું તૈયારી કરવાની એની પણ ચર્ચા થઈ. એકંદરે સારું થયું.
ઋષિકેશમાં વિખ્યાત રામઝુલા, લક્ષ્મણઝુલા મુનિકીરેતી-શત્રુઘ્નમંદિરની મુલાકાત લઈને પાછા દેરાસર આવ્યા. પરમાત્માની ખૂબ ભક્તિ કરી. ‘પ્રભુ! અષ્ટાપદની યાત્રામાં આપ સાથે જ રહેજો…’ હો…
આજે વૈશાખ સુદ ૧૫ છે. આખું ઋષિકેશ ચંદ્રની ચાંદનીમાં ઝીલી રહ્યું છે. સુમસામ રાત્રિમાં સુનકાર વ્યાપ્યો છે. ક્યારેક કોઈક કૂતરા ભસવાનો અવાજ આવે છે. તો દૂરથી હાથીની ચિંઘાડ રાત્રિની નિવર શાંતિને ચીરી નાખે છે. બે ક્ષણમાં બધુ શાંત થઈ જાય. વળી કોઈક સાધુની અહાલેકનો પડધો અહીં સુધી પડે. દિવસે ભલે ઋષિકેશ માનવ સૃષ્ટિથી ઊભરાતું હોય પણ રાતના તો ગંગાનો ઘેરો નાદ હજુ વધુ ઘેરો બનીને હજાર હજાર ભૂતઘૂણતા હોય તેવો આભાસ ઊભો કરે છે. હિમાલયમાં દિવસ કરતાં રાત્રિ સૃષ્ટિની દિવ્યતા અલૌકિક હોય છે અને આજે તો વૈશાખી પૂનમ…. ચંદ્રની ચાંદનીને ઓઢીને અમે પણ હિમાલયની ગોદમાં એકાત્મગત થયા.

પેહેલો દિવસ…
નરેન્દ્રનગર
વૈ.વદ ૧, મંગળવાર, ૧-૦૫-૨૦૧૮
શાંતિનાથપ્રભુને વિનંતી કરી, ‘પ્રભુ ! આજે પ્રયાણ કરીએ છીએ, અષ્ટાપદની યાત્રા માટે, આપ હંમેશાં અમારી સાથે રહેજો.’ દર્શન કર્યા, માંગલિક કર્યું અને હિમાલય તરફની અમારી યાત્રાનું પ્રસ્થાન થયું. આજે પહેલો દિવસ છે. ૧૬ કિ.મી.નો વિહાર છે. ૨ કિ.મી. ચાલ્યા પછી તળેટી આવી. આગળ છેક સુધી રોડ ઉપરને ઉપર જતો હતો. અમારે પણ તેને અનુસરીને જ આગળ વધવાનું હતું. જેમ જેમ ઉપર જતા ગયા, તેમ તેમ અમે માર્ગના વળાંકોના વહેંણમાં વહેતા ગયા. સૂકી નદી પાર કરતા જ અડાબીડ જંગલ ચાલુ થઈ ગયું. લગભગ ર કિ.મી. આગળ ચાલ્યા ત્યાં તો આખુંય ઋષિકેશ અમને વળાવવા પાછળ ઊભું હતું. એક તરફ સૌભાગ્યવતી ગંગાએ સુવર્ણકિરણોથી સુવર્ણચંદ્રક કર્યું. એક તરફ બીહડ વનનાં વૃક્ષોએ ભાવભર્યું અભિવાદન કર્યું. દૂર દૂર ધરતી પર નજર કરી તો અડધી ધરતી પર જંગલ અને અડધી ધરતી પર ઋષિકેશનું આધિપત્ય આનંદની છોળો ઉછાળતું હતું… અમે આગળ આગળ ચાલતા ગયા, ટ્રાફિકનું નામ નિશાન નથી. એકાદ જીપગાડી ક્યારેક આવે તો આવે. ચિત્રવિચિત્ર વનવૃક્ષોને જોતા આગળ વધ્યા, વચ્ચે વચ્ચે રોડનું કામ ચાલુ હતું. આજે ‘વિશ્ર્વ મજૂર’ દિવસ છે. બધા મજૂરો આરામ કરશે. કામ બંધ અહીં પણ કામ બંધ છે. મજૂરોને અહીં આવ્યા પછી ખબર પડી કે આજે રજા છે. લગભગ ૯ કિ.મી. શિવાલિક પર્વતશ્રેણીમાં ચાલ્યા ત્યાં ઉપર ગાડીઓનો અવાજ આવતો હતો. તેનો એ જ અર્થ એ કે આ રો ફરીને ઉપર જ આવે છે.
બાજુમાં મજૂરો મોં વકાશીને ઊભા હતા. મોં ઉપર એક જ ભાવ તરતો હતો, ‘જો આજે રજા હતી તો અમને શા માટે જાણ ન કરી? કાલે સાંજે જ કહી દીધું હોત તો અમે આવત નહીં.’ પરસ્પર કંઈક ચર્ચા ચાલતી હતી. પાછા જવાની તૈયારીમાં હતા. ત્યાં અમે પહોંચ્યા. અમે રસ્તો પૂછ્યો ‘ઉપર રોડ છે ત્યાં અહીંથી સીધા જવાય?’ તેમણે કહ્યું, ‘ઉપર રોડ તો છે, રસ્તો પણ છે પણ અમે અડધા રસ્તા સુધી જ ગયા છીએ. આગળ ખબર નથી.’ અમે કહ્યું, ‘કંઈ નહીં રોડ ઉપર જ તો દેખાય છે ત્યાં પહોંચવું છે બસ. અડધો રસ્તો તો છે, અડધો અમે ગમે તેમ કરીને પહોંચી જઈશું. રોડ કેટલો ફરીને આવે? એ કરતા તો અહીં ઓછું ચાલવું પડશે અને જલદી પહોંચાશે.’ માણસોમાંથી એકે કહ્યું, ‘પણ સ્વામીજી! ઈધર ભાલુ હોગા, આપ મત જાઈએ ઈસ રાસ્તેસે’ત્યાં વળી કોઈક બોલ્યું ‘ભાલુ બાલુ કુછ નહીં, પરંતુ રાસ્તા કઠીન હૈ, ચલ નહીં પાઓગે.’ છેલ્લે અમે કાચા રસ્તાથી જ ઉપર જવાનું નક્કી કર્યું. એમાં એક મજૂર અડધા સુધી રસ્તો બતાવવા આવ્યો. તે પછી ઉપર રોડ દેખાતો હતો એ તરફ સીધા જવાનું સૂચવીને તે પાછો વળ્યો. સૂચના આપતો ગયો કે બધા એક સાથે જ રહેજો, કોઈ જાનવર આવે તો વાંધો નહીં. એટલામાં એક શિયાળિયું દોડી ગયું, ને ચાર જંગલી મરઘા આમ તેમ સરકી ગયા, એ પાછો વળ્યો, અમે આગળ વધ્યા. થોડાક આગળ ચાલ્યા ત્યાં તો એકદમ લાલ રેતીનાં ટેકરા પર સીધું ચઢાણ આવ્યું. રોડ ઉપર કામ ચાલતું હતું. પથ્થર તોડીને પથ્થર અને માટી આ બાજુ નાખતા હતા એટલે છેક રોડ સુધી માટી જ માટી. પગ મૂકો ત્યાં લપસી પડાય, ચાર ડગલા ૪ પગે ઉપર ચડો ત્યાં ૩ ડગલાં નીચે આવી જવાય. અમે રસ્તો બદલ્યો. એકદમ કિનારે કિનારે થોડોક પગ ટેકવતા ટેકવતા માંડ માંડ ઉપર ચડ્યા. છેલ્લે ૧૦ ફૂટ બાકી હતું ત્યાં તો કેમેય ચડાય નહીં થોડો પગ ચૂક્યા તો ૨૦૦ ફૂટ નીચે સીધા જંગલમાં મુનિ આનંદમંગલ વિ. હિમ્મતપૂર્વક આગળ વધી રહ્યા હતા, પણ એમના પગથી છટકેલા પત્થરોથી અમારે બચવાનું હતું. એક તરફ જંગલ-બીજી તરફ જાનવરનો નકલી ભય. ત્રીજી તરફ આ પત્થર અને માટીનો મહાકાય ઢગલો. સાવ સીધું ચઢાણ અને આગળ ચઢતા મુનિનાં ચરણમાંથી પ્રગટ થતા આ શીલા ખંડોએ વિષમતાને નવો વળાંક આપ્યો. જો કે મારા પગમાંથી છટકેલો પત્થર પાછળ આવતા સ્વર્ણકલશ મ.ને પગમાં ખૂબ જોરથી લાગ્યો. પત્થર ગબડતો દેખાય પણ, ચાર પગે ચઢતા થોડું પણ બેલેંસ ચૂકી જવાય તો પત્થર પહેલા આપણે નીચે પહોંચી જઈએ જો કે સ્વર્ણકલશ મ.સા.ના પગથી છૂટેલા પત્થરો છેક નીચે રોડ સુધી ગબડતા હતા. મુનિ રત્નયશ મહારાજ અને કલ્પ તો ઉપર પહોંચી ગયા, થોડી વારમાં આનંદમંગલ મહારાજ પણ પહોંચી ગયા. રહ્યા અમે બે, હું અને સ્વર્ણકલશ મહારાજ, અમે પહેલાથી જ પાછળ હતા. ઉપર લાભુભાઈ પાછા આવ્યા હતા. પ્લાસ્ટિકની દોરી કાઢીને ઉપરથી લટકાવી બસ દોરી પકડીને અમારું ટ્રેકિંગ ચાલુ થયું. હાથમાં પ્લાસ્ટિકની મજબૂત દોરી પકડી. ઉપર વધારે તો ચઢવાનું ન હતું. ૧૫ ફૂટ લગભગ હશે. પણ પગ જામે તેવી એક પણ જગ્યા નહીં. વિચાર્યું દોરી પકડીને લટકી જઈએ ઉપરથી આપણને ખેંચી લેશે, પણ એ શક્ય નથી આ કંઈ દોરડો નથી દોરી છે. એનો ભરોસો કરાય નહીં. છતાં હિમ્મત કરવી જ રહી. હિમાલયે આજે પહેલા જ દિવસે પ્રભાવ બતાવવાનો પ્રારંભ કરી દીધો. પણ, અમે ડરીએ તેમ હતા જ ક્યાં? સંભાળી સંભાળીને બડી સાવધાનીથી એક એક કદમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -