Homeવાદ પ્રતિવાદ‘સૌની ભલાઈમાં આપણી ભલાઈ’: દીવા જેવા સ્પષ્ટ વાક્યને અનુસરીએ

‘સૌની ભલાઈમાં આપણી ભલાઈ’: દીવા જેવા સ્પષ્ટ વાક્યને અનુસરીએ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

એક અલ્લાહ, એક કુરાન મજીદ અને એક કલમો પર નામે મુસલમાન ઈમાન (ધર્મ પ્રત્યેની આસ્થા)નો કોલ આપતો હોય છે. આવો મોમીન સત્ય ધર્મ પર અને તેણે દર્શાવેલ હિદાયત (માર્ગદર્શન) પર તથા સચ્ચાઈની રાહ પર ચાલવાનું હોય છે. આમ છતાં આજનો મુસલમાન બેચેન, અસમંજસમાં અટવાયેલો જોવા મળે છે.
પવિત્ર કુરાનમાં અલ્લાહ ફરમાવે છે કે, ‘અય ઈમાનદારો (શ્રદ્ધાળુઓ)! જ્યારે કોઈ વાત કરો તો સાચી કરો, સીધી કરો, નરમાશથી અને પાકિઝા (પવિત્ર) મહોબ્બતવાળી કરો. અલ્લાહ તમારા તમામ કામ સુલ્જાવી આપશે અને તમામ ગુના બક્ષી દેશે!’
આજના અત્યંત ઝડપી અને આધુનિક યુગમાં મનુષ્યની વૃત્તિ એટલી જ ઝડપથી નષ્ટ થતી જોવા મળે છે. ભૌતિક સુખની ચમકદમકે એટલી રોશની પ્રકાશિત કરી છે કે એને હાંસલ કરવા તે છળકપટ અને બે મોઢાની વાતો કરતા અલ્લાહનો ખૌફ (ડર, ભય) બિલકુલ રાખતો નથી. પરિણામ એ આવ્યું છે કે ઘણાંના ભોગે થોડા અમનચમન કરતા જોવા મળે છે.
ઈન્સાન પોતાના મોઢા અને કાનની રચના પર જો વિચારશે તો માલૂમ પડશે કે જીભને કેટલી સુરક્ષિત રાખવામાં આવી છે.
* પ્રથમ તેના પર દિલ દિમાગ જેવા હાકીમ (અમલદાર) છે.
* બીજું બત્રીસ દાંત અને હોઠની અંદર તેને રાખવામાં આવી એટલે કે જ્યારે કોઈ વાત કરવી હોય તો દિમાગ તેને હુકમ કરશે.
* પછી દાંત અને હોઠ ખૂલશે.
* ત્યાર પછી જીભ વાત કરી શકશે.
….જ્યારે કાન બિલકુલ ખુલ્લા છે. કોઈ પ્રકારનું રક્ષણ નથી. જે પણ અવાજ થાય તે તરત જ સંભળાય.
– વ્હારે કુદરત! તારી લીલા અપાર!! આ રચના પરથી જાણવા મળ્યું કે જ્યારે બે વાતો સાંભળો ત્યારે એક વખત કહો, બાકી ખામોશ રહો-ચૂપ રહો. આટલું કરવાથી પરિણામ એ આવશે કે ખુદાવંદે કરીમ તમારા તમામ કામ સરળ બનાવી આપશે અને કોઈ ભૂલ યા ખતા (નાની અમથી ચૂક) પણ થઈ જશે તો માફ કરી દેશે.
ઉપર રજૂ કરેલી આયત (વાક્ય) પછી ઈર્શાદ થાય છે કે, ‘વ મંય્યુતિ ઈલ્લાહ વ રસૂલહુ ફકદ ફાજ ફવઝન અઝીમા.’ (ભાવાનુવાદ): ‘જેણે અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહોવઅલયહિ વસલ્લમ (આપના પર અને આપના વંશજો પર ઈશ્ર્વરની સલામતી રહે)નું કહ્યું માન્યું તો તેણે એક મોટી કામિયાબી, સફળતા મેળવી લીધી.
કુરાન મજીદમાં અલ્લાહતઆલા ફરમાવે છે કે, તમે મોંઢામાંથી જે વાત કરો તે વાત સીધી, મીઠ્ઠી, મહોબ્બતવાળી અને નમ્ર કરો અને જો એમ ન થઈ શકે તો ખામોશ રહો અને તમારી તબિયતને રોકો….!’
અમિરૂલમુખમીનીન હઝરતઅલી સાહેબ ફરમાવે છે કે, ‘બલાઉલ ઈન્સાને તહતલ્લિસાન’ અર્થાત્ ઈન્સાનની બલાઓ (મુસીબતો, આફતો તેની જીભની નીચે છે. જો આપણે જીભ પર કાબૂ (નિયંત્રણ) નહીં કરીશું તો કેટલીય બલા આફતો આપણે માટે નીકળી પડશે.
દીને ઈસ્લામ તેની ઉમ્મત (પ્રજા, અનુયાયી)ને દુનિયામાં જિંદગી ગુજારવાની બહેતરીન (સર્વશ્રેષ્ઠ) તાલીમ (શિક્ષણ) આપે છે. આપણે જીભને સાચવીએ અને બની શકે ત્યાં સુધી એ જીભમાંથી પ્યાર-મહોબ્બત ભરેલા શબ્દો ઉચ્ચારતાં શીખીએ અને આપણાં બાળકોને પણ એવી તાલીમ આપીએ.
બોધ:
જે ઘરમાં વડીલો મીઠી વાણી બોલતા હશે ત્યાં નાનાં બાળકો પણ એવી જ તાલીમ મેળવશે અને જે ઘરમાં તુચ્છકાર, ગાળગલોચ હશે એ ઘરમાં ઉછરી મોટાં થયેલાં સંતાનો પણ એવા બદ્ અખ્લાક (ખરાબ ટેવ) થશે. ક્ષણિક સુખને જાકારો દઈ, દેશ અને દુનિયામાં પ્રગતિ કરવા અને એક સમયની શાનદાર જાહોજલાલીને ફરી હાંસલ કરવા અલ્લાહ અને તેના રસૂલ હુઝૂરે અનવરના ચિંધેલા માર્ગે પ્રયાણ કરીએ અને હા, કોઈના દિલને ઠેસ પહોંચે, તેવી વાતો અને કાર્યથી દૂર રહી ‘સૌની ભલાઈમાં આપણી ભલાઈ’એ સનાતન સત્યના દીવા જેવા સ્પષ્ટ વાક્યને તેના સાચા અર્થમાં દિલોદિમાગમાં અંકિત કરી લઈએ.
– કબીર સી. લાલાણી
* * *
આજની સચ્ચાઈ
જે ઈન્સાન અત્રે દર્શાવેલ ચાર ચીજો વગર ચાર ચીજોનો દાવો કરે છે તે જૂઠો છે:
*જન્નતની મુહબ્બતનો દાવો કરે છે, પણ તે નેકી (ભલાઈ, પ્રમાણિકતા)નથી કરતો.
* પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ની મુહબ્બતનો દાવો કરે છે, પણ ઉલમા (જ્ઞાન પર ચાલનારા, જ્ઞાનનો લાભ આપનારા) અને મુત્તકી (નેક લોકો)ને દોસ્ત નથી રાખતો અર્થાત્ તેમની મુહબ્બત અને ઈજ્જત નથી કરતો.
* જે આગથી (જહન્નમથી) ડરવાનો દાવો કરે છે, છતાં ગુનાહોને છોડતો નથી.
*જે શખસ અલ્લાહની મુહબ્બતનો દાવો કરે છે, પણ તકલીફોની ફરિયાદ કરે છે.
– હઝરત રાબિયા ફરમાવે છે કે, ‘તુ અલ્લાહની નાફરમાની કરે છે, જ્યારે કે તુ જાહેરમાં તો ખુદાતઆલાની મુહબ્બતનો દાવેદાર છે! મને જિંદગીની કસમ! આ વિચિત્ર વાત છે!!
‘જો તારી મુહબ્બત સાચી હોત, તો તુ અલ્લાહની ઈતાઅત (આજ્ઞાપાલન) કરત, કેમ કે મોહિબ (મિત્ર, દોસ્ત) જેનાથી મુહબ્બત કરે છે તેની ઈતાઅત પણ કરે છે!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -