Homeઉત્સવભીડમાં સમૃદ્ધ થતી આપણી લાગણીઓ

ભીડમાં સમૃદ્ધ થતી આપણી લાગણીઓ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશનની બરાબર સામે ઈરોઝ સિનેમા થિયેટર છે. હમણાં સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા કે તેને તોડી પાડવામાં આવશે. સાથે તેની એક તસવીર પણ જોડવામાં આવી હતી, જેમાં ઈરોઝ સિનેમા આવેલું છે તે ખંભાતા બિલ્ડિંગ લીલા પડદાઓમાં ઢંકાયેલું છે અને પાછળ તોડફોડ કે બાંધકામ થઇ રહ્યું છે.
આ અહેવાલ વાંચીને અનેક સિનેમા પ્રેમીઓએ આઘાત વ્યક્ત કર્યો હતો. મુંબઈના સીમાચિહન રૂપ અને યાદગાર બિલ્ડિંગોમાં ઈરોઝનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ, તેની સાથે અનેક લોકોની સ્મૃતિઓ જોડાયેલી છે. સૌને એવું લાગ્યું કે તેમની યાદગીરીની તોડફોડ થઇ રહી છે.
વાસ્તવમાં, આ સિનેમા હોલ ૨૦૧૬થી બંધ છે. તેનો કોઈ વિવાદ ચાલે છે અને મામલો અદાલતમાં પણ ગયો હતો. એવી વાત છે કે તેનું રિનોવેશન ચાલી રહ્યું છે. એટલે તેને તોડી પાડવાની વાત સાચી નથી. ચર્ચગેટ તરફનાં હેરિટેજ બિલ્ડિંગોને જાળવી રાખવાનો એક કાયદો છે. શક્ય છે કે ખંભાતા બિલ્ડિંગના સંચાલકો તેને આધુનિક સમયની માગ પ્રમાણે રિનોવેટ કરીને તેને ફરીથી જીવંત કરશે.
એ વાત સાચી છે કે મનોરંજનમાં ટેક્નોલોજીની પ્રગતિ અને મલ્ટીપ્લેક્સ થિયેટરોના આગમનના કારણે સિંગલ સ્ક્રીન થિયેટરોવાળાં સિનેમા થિયેટરોનો
જમાનો ઓસરી ગયો છે. એવાં થિયેટરો જયારે અતીતની ગર્તામાં જતાં રહેતાં હોય ત્યારે સિનેમા પ્રેમીઓમાં તેની ઉદાસી છવાઈ જાય છે.
એક આખી પેઢીની યાદો સિનેમા થિયેટરો સાથે જોડાયેલી છે. એક આખી પેઢી એ થિયેટરોના અંધકારમાં જવાન થઇ હતી. એમાં બધા ભેગા મળીને હસ્યા હતા, ભેગા મળીને ઉદાસ થયા હતા અને ભેગા મળીને ઉશ્કેરાટ અનુભવ્યો હતો. જે જગ્યાએ બેસીને તમે જીવનના અનેક રંગ જોયા હોય, અનેક લાગણીઓ અનુભવી હોય, જ્યાં સમયને અટકતો અને દોડતો જોયો હોય તેની યાદો ભૂલવી અઘરી હોય છે.
ઇન ફેક્ટ, ઘરમાં ટીવી પર કે મોબાઈલ પર એકલા ફિલ્મ જોવી તેની સરખામણીમાં સિનેમા થિયેટરમાં લોકો સાથે બેસીને ફિલ્મ જોવી તેના અનુભવમાં ફર્ક હોય છે. મોટો પડદો, મોટો સાઉન્ડ, બહારના અન્ય અવાજોની ગેરહાજરી અને ઘનઘોર અંધારું એક જાદુઈ વાતાવરણ સર્જે છે, પરંતુ તેનાથીય આગળ, એકલા હોવું અને ટોળામાં હોવું એ પણ એક મોટું પરિબળ હોય છે.
સિનેમા થિયેટરોનો ઈતિહાસ લગભગ ૨૦૦ વર્ષ જૂનો છે અને એટલાં વર્ષોથી તે માણસોના મનોરંજનની એ સૌથી લોકપ્રિય જગ્યા રહી છે. આજે પણ મલ્ટીપ્લેક્સના સ્વરૂપમાં પણ થિયેટરો અડીખમ ઊભાં છે અને ટેક્નોલોજીમાં ગમે તેટલી ક્રાંતિ આવી જાય, સમૂહમાં બેસીને મનોરંજન માણવાની પ્રથા ગાયબ નહીં થાય.
તેનું કારણ આપણી માનસિકતામાં છે. માણસ સામાજિક પ્રાણી છે. આપણે બીજા લોકોના સંગાથમાં સુખ મેળવીએ છીએ. આપણે જયારે લોકો વચ્ચે હોઈએ છીએ ત્યારે સલામતી અનુભવીએ છીએ. બીજાની હાજરીમાં આપણી સક્રિયતા વધી જાય છે.
એક મનોવિજ્ઞાનીએ નદી કિનારે ફિશિંગ કરતાં-કરતાં એક દ્રશ્ય જોયું હતું. એક માણસ રોજ ત્યાં સાઈકલિંગ કરવા આવતો હતો અને રોજ એક નિશ્ર્ચિત ગતિએ સાઈકલ ચલાવતો હતો. એક દિવસ ત્યાં બીજો એક સાઈકલિસ્ટ આવ્યો અને બંને વચ્ચે કોઈ સ્પર્ધા નહોતી છતાં, બીજાની હાજરી માત્રથી પહેલા સાઈકલિસ્ટની ઝડપમાં વધારો થઇ ગયો.
મનોવિજ્ઞાનીને એના પરથી પ્રયોગ કરવાનું મન થયું. તેણે સ્કૂલનાં અમુક બાળકોને અલગ-અલગ બેસાડીને ફિશિંગની દોરીના આંટા ચઢાવાનું કહ્યું.પછી એ જ બાળકોને એક સાથે રૂમમાં બેસાડીને દોરીના આંટા ચઢાવાનું કહ્યું. તેણે જોયું કે છોકરાંએ અલગ બેસીને દોરી ધીમે ધીમે ચઢાવી હતી પણ જેવા તે સમૂહમાં આવ્યાં કે દોરી ચઢાવામાં ગતિ આવી ગઈ. મનોવિજ્ઞાનીએ તારણ કાઢ્યું કે બીજાની હાજરીમાં આપણા શરીર અને મનની સક્રિયતા ઓટોમેટિક રીતે વધી જાય છે.
અચેતન મનથી આપણે સૌ એકબીજા સાથે કનેક્ટેડ છીએ તેનું આ પરિણામ છે. કાર્લ યુંગ નામના મનોવિશ્ર્લેષક તેને કલેક્ટિવ અનકોન્સિયસ કહેતા હતા. માણસો ભેગા થાય ત્યારે તેમના વિચાર, વ્યવહાર અને અનુભવ જાણે એકબીજામાં ભળી જઈને એક સમાન બની જાય. આનું એક સરળ ઉદાહરણ છે.
તમે ગુલઝારની ‘અંગૂર’ કે પ્રિયદર્શનની ‘હેરાફેરી’ ફિલ્મ જો એકલા બેસીને ટેલિવિઝન પર અને લોકો સાથે બેસીને થિયેટરમાં જોઈ હોય, તમને થિયેટરમાં જેટલું હસવું આવ્યું હશે એટલું એકલા બેસીને નહીં આવ્યું હોય. આ સામૂહિક ચેતનાનો પ્રભાવ છે. એકલતામાં જે લાગણીનો અનુભવ થાય છે તે જ અનુભવ સમૂહમાં વધુ તીવ્ર બની જાય છે.
આપણે જાણીએ છીએ કે લાગણીઓ ચેપી હોય છે. કોઈને હસતા જોઇને આપણને હસવું આવી જાય. કોઈને રડતાં જોઇને આપણી આંખો ભીની થઇ જાય. કોઈને ગુસ્સામાં જોઇને આપણો પારો પણ ઊંચો ચઢવા લાગે. ખાસ કરીને જેની સાથે આપણો ભાવનાત્મક લગાવ હોય તેની લાગણીઓ, વિચારો અને વ્યવહારની નકલ કરવી આપણી એક સહજ વૃતિ છે. એવો અભ્યાસ થયેલો છે કે એક સાધારણ માણસને ઉદાસ વ્યક્તિ સાથે રહેવાની ફરજ પાડવામાં આવે તો તે પણ ઉદાસ વર્તન કરતો થઇ જાય છે.
એટલા માટે જ, માણસ સમૂહમાં મનોરંજન કરતો આવ્યો છે, કારણ કે બેડરૂમના ટીવી પર આવતા કોઈ દ્રશ્ય કરતાં થિયેટરના પડદા પર આવતું એ દ્રશ્ય અલગ જ અહેસાસ કરાવે છે. દાખલા તરીકે, ‘શોલે’નો ગબ્બર સિંહ ઘરમાં જેટલો ખૂંખાર ન લાગે તેના કરતાં સિનેમાના પડદે વધુ ભયાનક લાગે છે. તેનું કારણ થિયેટરની તકનિક તો ખરી જ, પરંતુ એક હજાર લોકો આપણી સાથે બેસીને એ જ ડરની લાગણી અનુભવે છે જે આપણે અનુભવીએ છીએ તે હકીકત એ લાગણીને વધુ તીવ્ર બનાવી દે છે.
ઘણીવાર આપણે કેવી રીતે રીએક્ટ કરવું તેના માટે બીજી વ્યક્તિમાં ‘કલૂ’ પણ શોધતા હોઈએ છીએ. આવું જોક્સમાં બહુ થાય. પડદા પર કે મંચ પર કોઈ પાત્ર હસવું આવે તેવો સંવાદ બોલે અથવા વર્તન કરે ત્યારે દર્શકો આસપાસમાં જોઇને એ પ્રમાણે હસવા લાગે છે. જોવું, સાંભળવું કે કરવું એ વ્યક્તિગત અનુભવ છે, પણ સાથે જયારે બીજા લોકો હોય તો તે અનુભવોને વધુ સમૃદ્ધ બનાવે છે. ભીડમાં લોકો એકબીજાની લાગણીઓની પુષ્ટિ મેળવે છે.
યલ યુનિવર્સિટીમાં એક અભ્યાસ થયો હતો. બે માણસોએ અલગ-અલગ રીતે ચોકલેટ ખાધી તેના કરતાં સાથે સાથે બેસીને ચોકલેટ ખાધી તેનો સ્વાદ વધુ સારો હતો. સમૂહમાં ખાવાનો આનંદ વધુ સંતોષજનક છે એટલા માટે જ આપણે ત્યાં સામૂહિક જમણવારની સંસ્કૃતિ પેદા થઇ છે. એ જ વાત મનોરંજનને લાગુ પડે છે.
જૂના જમાનામાં ગામમાં ભવાઈ આવતી હતી અને બધા સાથે બેસીને તે જોતા હતા. તે પહેલાં આખ્યાનો થતાં હતાં. પછી નાટકો આવ્યાં, થિયેટરો આવ્યાં, સિનેમા આવી અને ટીવી આવ્યાં જેણે સામુહિક અનુભવોને એક અલગ જ સ્તર પર લાવીને મૂકી દીધા. અમે જયારે ભણતા હતા ત્યારે એક સહાધ્યાયીને અમિતાભ બચ્ચનની ફિલ્મોનો ગાંડો શોખ હતો. એ ફિલ્મ જોઇને બહાર નીકળે પછી તેની ચાલ બદલાઈ જાય.
તે વખતે પ્રશ્ર્ન થતો હતો કે ઘરમાં એકલા બેસીને આ મિત્ર ફિલ્મ જોતો હશે તો આવું જ થતું હશે કે થિયેટરમાં બીજા લોકો જોવાવાળા છે એટલે ભાઈને અમિતાભ આવે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -