(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ ઉપરાંત વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે લીડ સિવાયની ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સતત બીજા સત્રમાં એલ્યુમિનિયમ, ઝિન્ક અને લીડ સિવાયની ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૩નો ઘટાડો આયો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ લીડ સિવાયની ધાતુઓમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે નિકલના ભાવ ૨.૧ ટકા, ટીનના ભાવ ૧.૬ ટકા, એલ્યુમિનિયમના ભાવ એક ટકા, ઝિન્કના ભાવ ૦.૭ ટકા અને કોપરના ભાવ ૦.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ ઘટીને રૂ. ૨૩૪૭, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૨૦૯૭, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૪૭૬, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને રૂ. ૭૩૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૬૮૦, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને અનુક્રમે રૂ. ૭૫૫ અને રૂ. ૭૪૬, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૭૯૩ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૨૮ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ખપપૂરતી માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૫૭, રૂ. ૨૧૦, રૂ. ૨૪૮ અને રૂ. ૧૮૫ના મથાળે ટકેલા રહ્યા હતા.