ફેવરિટ્સ જીતે પણ ખરા ને હારે પણ ખરા, પણ એવોર્ડ તો ફેવરિટ ખરો જ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
આવી રહી છે આ વર્ષે પણ વધુ એક એવા સોમવારની સવાર કે જ્યારે હાર્ડકોર ભારતીય સિનેફાઇલ્સ વહેલા ઊઠીને તેમને સૌથી વધુ ગમતા એવોર્ડ શૉ એટલે કે ઓસ્કર્સની રાહમાં હશે. આવનારી ૧૩ તારીખે ભારતીય સમય મુજબ સવારે ૫:૩૦ વાગે ઓસ્કર એવોર્ડ પ્રસારિત થશે. દર વર્ષે એવું લાગે કે આ વખતે એક્ટર્સ, ડિરેક્ટર્સ અને પિક્ચર્સ સૌથી મજાના છે ને કોણ જીતશે એ જોવાની ખૂબ ઇંતેજારી છે. સિનેરસિકોને કોઈ વાત ખૂબ ગમી જાય તો કોઈ વાતે ગુસ્સો આવે એવું પણ બને. ભારતીય નામો પર તો ખાસ નજર રહે અને એ સાથે પ્રાર્થના પણ વધે. પણ આપણે એ દરેક કેટેગરીની વાત તો અહીં વિગતે નહીં કરી શકીએ, પણ જે ૧૦ ફિલ્મ્સ બેસ્ટ પિક્ચર્સ કેટેગરીમાં છે તેની ટૂંકમાં ચર્ચા અને ખાસ આકર્ષણની વાત જરૂરથી કરીએ. લેટ્સ ચેક આઉટ!
—————
એલ્વિસ (Elvis):
આ બાયોગ્રાફિકલ ફિલ્મ અમેરિકાના એક સમયના ફેમસ રોક એન્ડ રોલ સિંગર એલ્વિસ પ્રિસ્લી પર છે. ફિલ્મ એલ્વિસના મેનેજર ટોમ પાર્કરના ૧૯૯૭ના તેના ડેથબેડ પરથી એલ્વીસની યાદોના રૂપમાં શરૂ થાય છે. મિસિસીપ્પીમાં બચપણના દિવસોમાં એલ્વિસની ગરીબી, આફ્રિકન-અમેરિકન મ્યુઝિક સાથેનો તેનો લગાવ, ટેલેન્ટ મેનેજર પાર્કર સાથે એક કાર્યક્રમમાં મુલાકાત અને કરિયરની શરૂઆત જેવી અનેક ઘટનાઓ સાથે એલ્વીસની જિંદગીમાં દર્શકોને ડોકિયું કરાવવામાં આવ્યું છે. ફિલ્મમાં એલ્વિસ સામે પબ્લિકનું રેસિઝમના મુદ્દે બે ભાગમાં વિભાજન, ડાન્સ મૂવ્ઝના મુદ્દે કોર્ટ કેસ, માનું મૃત્યુ વગેરે અનેક વિવાદ અને દુ:ખની પળો અને તેમાં મ્યુઝિકનો સાથ દેખાતો રહે છે. બાયોગ્રાફિકલ ફિલ્મમાં હોય તેવી જીવનની તમામ રોલરકોસ્ટર રાઈડ સમી ઘટનાઓ તેમાં છે.
‘એલ્વિસ’ને બેસ્ટ પિકચર ઉપરાંત બીજા ૭ ઓસ્કર નોમિનેશન્સ મળ્યા છે. આ સાથે એ બીજા ક્રમની સૌથી વધુ નોમિનેશન્સ મેળવનારી મ્યુઝિક બાયોપિક બની ગઈ છે.
રાઇટર: બેઝ લુહરમાન, સેમ બ્રોમેલ, ક્રેગ પિયર્સ, જેરેમી ડોનર
ડિરેક્ટર: બેઝ લુહરમાન
કાસ્ટ: ઓસ્ટીન બટલર, ટોમ હેન્કસ, ઓલિવીયા ડેજોન્ગ
——————
વૂમન ટોકિંગ (Women Talking)
ફિલ્મના શીર્ષક પરથી ખ્યાલ આવે છે તેમ આ ફિલ્મ વિમન ઓરિયેન્ટેડ છે. ફિલ્મ રીવ્યુઅર સુચારીતા ત્યાગી કહે તેમ આ ટ્રેડમાર્ક વુમન ટેલિંગ વુમન સ્ટોરી છે. ફિલ્મની વાર્તા દક્ષિણ અમેરિકાના બોલિવિયા વિસ્તારની મેનિટોબા કોલોનીમાં રહેતી મેનનાઇટ કમ્યુનિટીના લોકોની છે અને સાચી ઘટનાઓ આધારિત છે. ૨૦૧૦માં ડ્ર્ગ્સ આપીને ત્યાંની સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવે છે. આરોપીઓ પકડાય છે ને તેમને સજા આપવા માટે બાજુના શહેરમાં લઈ જવામાં આવે છે. આ કોલોનીના પુરુષો એ જોવા જાય છે અને સ્ત્રીઓને ત્યાં જ તેમના હાલ પર છોડી દે છે. સ્ત્રીઓ એક મિટિંગ કરે છે એ નક્કી કરવા માટે કે આ સહી લેવું કે પછી પ્રતિકાર કરવો. એ નિર્ણય પર બાકીની વાર્તા નિર્ભર કરે છે.
ફિલ્મ ૨૦૧૮ની લેખિકા મિરિયમ ટેવ્ઝની આ જ નામની નવલકથા પર આધારિત છે. ‘વૂમન ટોકિંગ’ને બેસ્ટ પિક્ચર સાથે બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે પણ ઓસ્કર નોમિનેશન મળ્યું છે.
રાઇટર-ડિરેક્ટર: સેરાહ પોલી
કાસ્ટ: રૂની મારા, ક્લેર ફોય, જેસ્સી બકલી
—————–
એવેટાર: ધ વે ઓફ વોટર
(Avatar: The Way Of Water)
વિશ્ર્વની સૌથી વધુ કમાણી ધરાવતી ફિલ્મ ‘એવેટાર’ (૨૦૦૯) વિશે આટલાં વર્ષોમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે. તેની ચાર સિક્વલ્સ અને ગયા વર્ષે રિલીઝ થયેલી પહેલી સિક્વલ વિશે ‘શો-શરાબા’માં જ આપણે વાત કરી ચૂક્યા છીએ. પહેલી ફિલ્મના અંતથી જ ‘એવેટાર: ધ વે ઓફ વોટર’ની વાર્તાની શરૂઆત થાય છે અને એ જ થીમ પર આગળ વધે છે. પેન્ડોરા ગ્રહ સાથે હવે પોતાના બાળબચ્ચાને બચાવવાની જેકની કવાયત ચાલુ છે. કર્નલ ક્વોરીચ પણ એવેટાર ફોર્મ લઈને ફરી હુમલો કરે છે. તેની સામે બચતો જેક ઓમાટીકાયાથી પાણીપ્રદેશ મેટકાયીનામાં શરણ લે છે. ત્યાંની જળસૃષ્ટિ વિઝ્યુઅલ્સની રીતે ફિલ્મનો સૌથી આકર્ષક પોઇન્ટ છે. વહેલ માછલીઓનો સબ પ્લોટ પણ મસ્ત છે. ક્વોરીચ અને જેકની લડાઈમાં વાર્તા આગળ વધે છે.
‘એવેટાર: ધ વે ઓફ વોટર’ ફેવરિટ ખરી જ, પણ આવી કમર્શિયલ ફિલ્મને વોટર્સ વિનર બનાવે છે કે નહીં એ ખાતરીપૂર્વક કહી ન શકાય. ફિલ્મને બેસ્ટ પિક્ચર ઉપરાંત બીજી ત્રણ કેટેગરીમાં નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: જેમ્સ કેમરોન, રીક જાફા, અમેન્ડા સિલ્વર
ડિરેક્ટર: જેમ્સ કેમરોન
કાસ્ટ: સેમ વર્ધીન્ગટન, ઝોઈ સેલ્ડાના, સ્ટીવન લેન્ગ
—————-
ટ્રાઈઍન્ગલ ઓફ સેડનેસ (Triangle Of Sadness)
આ સટાયરિકલ બ્લેક કોમેડી ફિલ્મને ખોબલે ખોબલે પ્રશંસા મળી છે. ‘ટ્રાઈએંગલ ઓફ સેડનેસ’ એટલે અમીર લોકોની જાહોજલાલીમાં રહેલા વેવલાવેડા પર ધારદાર કટાક્ષ. ફિલ્મ ત્રણ હિસ્સામાં વાર્તાને વહેંચી નાખે છે. ત્રણેમાં અમીર-ગરીબ વચ્ચેની ભેદરેખા અને તેના કારણે બનતી ઘટનાઓની ઇન્ટેન્સિટી વધતી જાય છે. કાર્લ અને યાયા બંને સેલિબ્રિટી કપલ છે. બંને વચ્ચે તેમના કામ અને પૈસાને લઈને તકલીફો ઊભી થતી રહે છે. બંનેને એક ક્રૂઝમાં જવા માટેનું આમંત્રણ મળે છે. ક્રૂઝમાં કામદારો અને પ્રવાસીઓ વચ્ચેનાં સંબંધોના દ્રશ્યો વાસ્તવિકતાનું ભાન કરાવે છે. હાસ્ય સાથે એકજોરદાર ઝટકો પણ આપે છે. અને પછી ક્રૂઝમાં કંઇક એવું બને છે કે જે તેમને સમાન સ્તરે લાવી મૂકે છે.
યાયા બનતી ચાર્લ્બી ડીન ફિલ્મની રિલીઝ પહેલાં જ દુર્ભાગ્યવશ મૃત્યુ પામી છે. ‘ટ્રાઈએંગલ ઓફ સેડનેસ’ને બેસ્ટ પિક્ચર ઉપરાંત બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે કેટેગરીમાં પણ નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર-ડિરેક્ટર: રૂબીન આસ્ટ્લન્ડ
કાસ્ટ: હેરિસ ડિક્ધિસન, ચાર્લ્બી ડીન, ડોલી દે લિયોન
————-
ટોપ ગન: મેવરિક (Top Gun: Maverick))
છેક ૩૬ વર્ષે કોઈ ફિલ્મની પહેલી સિક્વલ આવે એવું ઓછું બનતું હોય છે. અને એ પણ વર્ષની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ્સમાં સ્થાન પામે એવું એનાથી પણ ઓછું બનતું હોય છે. પણ ‘ટોપ ગન: મેવરિક’ના કેસમાં આવું બન્યું છે. નેવી ફાઈટર સ્કૂલ ટોપ ગનમાંથી ગ્રેજ્યુએટ થયાના આટલા વર્ષે અનેક સિદ્ધિ પછી પણ મેવરિક તેની ઉટપટાંગ હરકતોના કારણે ઉચ્ચ હોદ્દા પર નથી. એક સમયનો તેનો રાઈવલ ટોમ ક્ઝેન્સ્કી તેની આવી જ એક હરકત પછી પણ તેની નોકરી બચાવે છે અને ફરી ‘ટોપ ગન’ સ્કૂલમાં એક મિશન માટે મોકલે છે. ત્યાં મળે છે મેવરિકને પોતાના મૃત દોસ્તનો દીકરો બ્રેડલી જે પોતાના પિતાના મૃત્યુ માટે તેને જવાબદાર ગણે છે. એ મિશન અને આંતરિક સંઘર્ષના મિશનનો પ્રવાહ એટલે આગળની વાર્તા.
‘ટોપ ગન: મેવરિક’ની સફળતાનાં મુખ્ય બે કારણ છે. એક તો ટોમ ક્રુઝ ને બીજું ફિલ્મની સરળ અને હૃદયસ્પર્શી વાર્તા. બેસ્ટ પિક્ચર સહિત ફિલ્મને ૬ નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: એરન ક્રુગર, એરિક વોરન સિંગર, ક્રિસ્ટોફર મેકવાયર
ડિરેક્ટર: જોસેફ કોસીન્સ્કી
કાસ્ટ: ટોમ ક્રુઝ, માઇલ્સ ટેલર, જેનિફર કોનલી
————
આ તો થઈ ફક્ત પાંચ ફિલ્મ્સની વાત. બાકીની પાંચ ફિલ્મ્સની વાત આપણે જોઈશું આવતા અઠવાડિયે. ત્યાં સુધીમાં દસમાંથી કઈ ફિલ્મ વિજેતા બની છે એ પણ ખબર પડી જશે, એટલે બને તેટલી ફિલ્મ્સ જોઈ પણ કાઢજો હોં ને!
————
લાસ્ટ શોટ:
‘એવેટાર: ધ વે ઓફ વોટર’ ૨.૨ બિલિયન ડોલરની કમાણી સાથે ૨૦૨૨ની પ્રથમ અને ઓલટાઈમ ત્રીજા ક્રમની ફિલ્મ બની ચૂકી છે!