મનોરંજન ઉદ્યોગની સૌથી મોટી ઈવેન્ટ ઓસ્કર એવોર્ડની જાહેરાત શરૂ થઈ ગઈ છે. અમેરિકાના લોસ એન્જલસમાં આજે 95મો એકેડેમી એવોર્ડ યોજાઈ રહ્યો છે. દરમિયાન, ડોલ્બી થિયેટરમાં ચાલી રહેલા એવોર્ડ શોની શરૂઆત સાથે, ઘણા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સોમવારની સવારે 95માં ઓસ્કર સમારોહમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ફિલ્મ RRRના નાટૂ નાટૂ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ ગીત લખનારા ચંદ્ર બોઝ અને સંગીતકાર એમ. એમ. કિરવાણીએ ઓસ્કર સમારોહમાં ટ્રોફી સ્વીકારી હતી.
આ વખતે દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. RRR એ પહેલી ભારતીય ફિલ્મ છે જેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. RRRએ આ એવોર્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ફિલ્મે ભારતને ફિલ્મી દુનિયામાં અલગ ઓળખ અપાવી છે અને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષિત કર્યું છે. નાટી નાટૂ સોંગે માત્ર ભારતીય દર્શકોને જ નહીં, પરંતુ વિશ્વના દર્શકોને ઘેલું લગાડ્યું છે.
આ પહેલા ઓસ્કર સમારોહમાં કાલ-રાહુલે નાટૂ નાટૂ સોંગ પર લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું, જેને દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વધાવી લીધું હતું.
અમેરિકાના લોસ એન્જેલસમાં યોજાઇ રહેલા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં હોલિવૂડથી લઇને બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમના ફેશનેબલ બેસ્ટ લૂકમાં હાજરી આપી રહ્યા છે. ઓસ્કારમાં આવખતે રેડ કાર્પેટને બદલે શેમ્પેઇન કલરની કાર્પેટને સેરેમનીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્કારમાં ભારત માટે આજે ડબલ ગૌરવ પામવાનો દિવસ છે. ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન કાર્તિકી ગોન્સાલ્વિસે અને ફિલ્મનું નિર્માણ ગુનીત મોંગાએ કર્યું છે. ગુનીત મોંગાની આ બીજી ફિલ્મ છે જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ અગાઉ ગુનીતને એની ફિલ્મ પિરિયડ એન્ડ ઑફ ક્વેઇન માટે 2019માં બેસ્ટ ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
નોંધનીય છે કે આ વખતે ભારતમાંથી ઓસ્કારમાં ત્રણ નોમિનેશન હતા. RRR ફિલ્મના નાટૂ નાટૂ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં, ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં અને શૌનક સેનની All That Breathes બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફિચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું હતું. એમાંથી બે ઓસ્કાર જીતીને ભારતે ઇતિહાસ રચી દીધો છે.